Sunday, September 17, 2017

ચાની સમસ્યાએ જીવન બદલ્યું

બાળપણમાં ચા વેચતાં વેચતાં નરેેન્દ્ર મોદી વડા પ્રધાન બની ગયા તો દેશનો દરેકેદરેક નાગરિક જાણતો હશે. આજે વાંચો એક નાના શહેરમાં ચાની ડિલિવરી કરીને સફળ થયેલા યુવાન વિશે. રઘુવીર ચૌધરી એનું નામ. જયપુરમાં રહેતા એક ગરીબ કુટુંબમાં એનો જન્મ. નબળી આર્થિક સ્થિતિને કારણે માંડ માંડ શાળાકીય શિક્ષણ પૂરૂ કર્યું. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ત્રેવડ નહીં એટલે એક કંપનીમાં ડિલિવરી બૉય તરીકે નોકરીએ લાગ્યો. ત્યાં તેને દર મહિને રૂપિયા ૯૦૦૦ મળી રહેતા. આખો દિવસ સાઇકલ પર ફરીને ઑર્ડર મુજબની વસ્તુઓની ડિલિવરી કરવાની. સાઇકલ પર ફરી ફરીને થાકી જાય એટલે ચાા પીવાની સહેજે ઇચ્છા થાય, પરંતુ ચા પીવા માટે સારું ઠેકાણું ગોતતાં નાકે દમ આવી જાય. તેને લાગ્યું કે તેના જેવા તો ઘણા હતા જે ચાની શોધમાં ભટકતા હોય. મુંબઇ જેવા મહાનગરોમાં હજી ઠીક છે થોડા થોડા અંતરે સારી ચા પીવા મળી જાય પણ જયપુર જેવા શહેરમાં એક મોટી સમસ્યા હતી. રઘુવીરને અહીંથી ચાની ડિલિવરી કરવાનો વિચાર આવ્યો અને એક વિચારે તેનું નસીબ બદલી નાખ્યું.
ડિલિવરીબૉય હોવાને કારણે તેના જનસંપર્ક તો હતા . લગભગ ૧૦૦ જેટલા નાના મોટા દુકાનદારો સાથે વાતચીત કરીને તેણે બીજા ત્રણ મિત્રો સાથે મળી કામકાજના શ્રી ગણેશાય નમ: કર્યા. તેની સારી સર્વિસથી પ્રભાવિત થઇને વધુને વધુ લોકો તેને ઓર્ડર આપવા લાગ્યાં. રઘુવીરે એક મોટર સાઇકલ ખરીદીને કામની શરૂઆત કરી હતી. આજે તેની પાસે ચાર મોટર સાઇકલ સહિત પાંચ જણનો સ્ટાફ છે. રોજના ૫૦૦થી ૭૦૦ ગ્રાહકોને બારણે ઉત્તમ સર્વિસ પૂરી પાડે છે. ચાની કિંમત પણ સહુને પોસાય એવી છે. માત્ર પાંચ રૂપિયા

જયપુરમાં આવા કુલ ચાર ચા વિતરણ કેન્દ્રો ઊભા કર્યાં છે. જેમાંથી તે મહિને લાખ રૂપિયા કમાઇ લે છે.

આજના ઝડપી જેટ યુગમાં લોકોને ઉત્તમ સર્વિસ સાથે ગુણવત્તાયુક્ત ચીજ વસ્તુઓ,સમયસર ઘેરબેઠાં આપો તો ઓછું ભણેલી વ્યક્તિ પણ લખપતિ થઇ શકે છે તેનુ ઉત્તમ ઉદાહરણ છે.


(ઈન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment