Wednesday, June 8, 2016

સંતરા ની મીઠાશ

તે ઘણી વાર વૃદ્ધા પાસેથી સંતરા ખરીદતો. સંતરાનું વજન થઈ જાય પછી તેની કિંમત જેટલા પૈસા ચૂકવ્યા બાદ જ્યારે વ્રુદ્ધા સંતરા તેની થેલીમાં મૂકતી ત્યારે તે અચૂક એક સંતરુ કાઢી, તેની છાલ ઉતારી એકાદ ચીરી પોતાના મોંમા મૂકી, સંતરા ખાટા હોવાની ફરીયાદ કરતો અને છોલેલું સંતરુ વૃદ્ધાને આપી દેતો.
વૃદ્ધા બીજી એક ચીરી છોલેલા સંતરામાંથી પોતાના મોં માં મૂકી કહેવા જતી,"ક્યાં ખાટા છે? આટલા સરસ મીઠા તો છે સંતરા..." પણ પ્રમાણે બોલતી તે પહેલા તો તે માણસ ત્યાંથી જતો રહ્યો હોય એમ બનતું.
તે માણસની પત્નીએ એક વાર તેને પૂછ્યું,"સંતરા મીઠા તો હોય છે હંમેશા ડોશીના, તો પછી દર વખતે તમે આવું નાટક શા માટે કરો છો?"
તે માણસે જવાબ આપ્યો," ડોશીમાં મને મારી મા દેખાય છે અને તે પોતે તો ક્યારેય પોતાના મીઠા સંતરા ખાતી નથી એથી હું એક સંતરુ ફોલી એકાદ ચીરી ખાઈ તેને સંતરુ આપી દઉં છું જેથી ગરીબ બાઈને પૈસો ખર્ચ્યા વગર એકાદ મીઠું સંતરુ ખાવા મળે."
વૃદ્ધાની બાજુમાં બેસતો શાકવાળો પણ ઘટનાક્રમ હંમેશા નિહાળતો અને એક દિવસ તેણે વૃદ્ધાને કહ્યું," હું સદાયે જોઉં છું કે માણસ જ્યારે જ્યારે સંતરા લેવા આવે છે ત્યારે ત્યારે તમે એને વજન કરતા વધુ સંતરા તોળી આપો છો. આવું શા માટે?"
વૃદ્ધાએ સસ્મિત જવાબ આપ્યો,"હું જાણું છું તે મને એક સંતરુ ખાવા મળે એટલે નાટક કરે છે, ખાલી એને એમ લાગે છે કે હું સમજતી નથી. હું જાણી જોઈને તેને વધારે સંતરા નથી આપતી, તો મારો એના પ્રત્યેનો પ્રેમ ત્રાજવાને થોડું વધુ નમાવી દે છે!"
માનવ-માનવ વચ્ચેના સ્નેહસેતુની મજબૂતાઈ દર્શાવતી કેવી હ્રદયસ્પર્શી વાત!
જીવનનો સાચો આનંદ આમ અન્ય માનવો પ્રત્યે પ્રેમ અને આદર ભરી નાની નાની ચેષ્ટાઓમાં રહેલો છે. આપવામાં સાચી ખુશી મળે છે ફક્ત ભોગવવા કે લેવામાં નહિ, પૈસામાં નહિ...


('ઈન્ટરનેટ પરથી')

3 comments:

  1. જયસિંહ સંપટJune 8, 2016 at 11:54 AM

    'ઈન્ટરનેટ કોર્નર' કટારનો લેખ ‘સંતરાની મીઠાશ’ બહુ ગમ્યો.
    માતા પુત્રના સંબંધ માટે માત્ર રક્ત સંબંધ હોવો જરૂરી નથી. હ્રદયથી સંબંધ બંધાય, તો કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે માતાપુત્રનો સંબંધ બંધાઈ શકે છે.
    આવો સુહ્રદ અનુભવ હું મારી જિંદગીમાં માણી ચૂક્યો છું.
    વર્ષ 1959-60 દરમ્યાન હું કે.સી.કોલેજમાં હતો. ઈરોઝ સિનેમાની પાછળ એક મહારાષ્ટ્રીયન મહિલા કેળાં વેચતી અને રિસેસ દરમ્યાન હું દરરોજ એની પાસેથી કેળાં લેતો. એ મારા માટે ખાસ સારાં કેળાં શોધીને અલગ મૂકી દેતી. જાઉં એટલે કહેતી: આ ગયા, બેટા? યે લે તેરા કેલા.
    ક્યારેક સંજોગોવશાત્ ન જઈ શક્યો હોઉં, તો બીજા દિવસે તબિયતના સમાચાર પૂછે. તબિયતનું ધ્યાન રાખવા કહે.
    આજે 56-57 વર્ષ પછી પણ એમનો ચહેરો મારી નજર સામે છે.

    ReplyDelete
  2. ચંદ્ર શાહJune 8, 2016 at 11:55 AM

    સંતરાની મીઠાશ સ્પર્શી ગઇ.મા દીકરાનો કેવો રુણાનુબંધ!

    ReplyDelete
  3. નેહલ ગાલાJune 8, 2016 at 11:56 AM

    સંતરા ની મીઠાશ ખુબ સરસ રહી!

    ReplyDelete