Saturday, June 27, 2015

કબૂતર અને માણસ વચ્ચેનો ફરક


એક પ્રાચીન જર્જરીત મંદીરની છત પર કેટલાક કબૂતર સુખેથી રહેતા હતાં. કોઈક તહેવાર આવી રહ્યો હોઈ મંદીરનું સમારકામ થવાનું શરૂ થતાં કબૂતરો નજીકના એક ચર્ચની છત પર જઈ રહેવા માંડ્યા.

પહેલેથી ચર્ચની છત પર રહેતાં કબૂતરોએ  નવાગંતુકોનું  સ્વાગત કરતાં તેમને સહેલાઈથી રહેવા માટે સારી સગવડ કરી આપી. હવે બન્યું એવું કે નાતાલનો તહેવાર નજીક આવતો હોવાને લીધે ચર્ચનું રંગરોગાન શરૂ થતાં બધાં કબૂતરોને ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી.

નજીકમાં એક મસ્જીદ હતી. સદનસીબે તેની છત પર સારી એવી જગા હતી અને ત્યાં રહેતાં કબૂતરોએ મંદીર તેમજ ચર્ચપર રહેતાં બધાં કબૂતરોને આવકાર્યાં અને તેઓ સૌ સાથે રહેવા લાગ્યાં.

થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પણ હવે રમઝાનનો મહિનો નજીક આવવાનો હોઈ મસ્જીદનું સુશોભન અને સમારકામ હાથ ધરાયું. જો કે પ્રાચીન મંદીરનું નવીનીકરણ સંપન્ન થઈ ગયું હોવાથી હવે બધાં કબૂતરો ફરી મંદીરની છત પર સાથે રહેવા આવી ગયાં.

એક દિવસ મંદીરની આસપાસના વિસ્તારમાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યા. જોઈને કબૂતરના એક બચ્ચાએ તેની મા ને પ્રશ્ન કર્યો,"મા, બધાં કોણ છે? તેઓ ઝઘડી શા માટે રહ્યાં છે?"

મા કબૂતરે જવાબ આપ્યો,"બેટા બધાં માણસો કહેવાય છે. જેઓ મંદીરે જાય તેઓ 'હિન્દુ' નામે ઓળખાય છે, ચર્ચમાં જનારા 'ખ્રિસ્તી' કહેવાય છે અને મસ્જીદે જઈ નમાઝ પઢનારાં 'મુસલમાન' કહેવાય છે."

બચ્ચુ વચ્ચે બોલ્યું," એવું કેમ મા? આપણે મંદીરમાં રહેતા હતા ત્યારે કબૂતર કહેવાતા હતા,ચર્ચમાં ગયા ત્યારે પણ કબૂતર કહેવાયાં અને મસ્જીદ માં પણ આપણે કબૂતર તરીકે ઓળખાયાં. તો પછી મનુષ્યોના આવા જુદા જુદા નામ શા માટે?"

કબૂતર મા જવાબ આપ્યો," મેં, તે અને આપણાં અન્ય કબૂતર ભાઈબહેનોએ ઇશ્વરનો અનુભવ-પરવરદિગારનો સાક્ષાત્કાર કરી લીધો છે, તેમને પામી લીધાં છે એટલે આપણે આમ ઉંચાઈ વાળી જગાએ શાંતિ અને ભાઈચારાથી રહીએ છીએ. જ્યારે માણસો ને ભગવાનનો અનુભવ-સાક્ષાત્કાર થવો હજી બાકી છે, માટે તેઓ આપણાથી નીચે રહી એકબીજા સાથે લડે-ઝઘડે છે અને એકબીજાને મારી નાંખી રમખાણો કરે છે."

શું મનુષ્યો ક્યારેય વાતનો વિચાર કરી તેને સમજી શકશે?


('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. 'કબુતર અને માણસ વચ્ચેનો ફરક ' આજની ધર્મના નામે વિખરાઈ ગયેલી દુનિયામાં એક બહુ જ સરસ સંદેશો આપે છે. આ લેખ માત્ર વાંચવા માટેનો નથી પણ વિચારવા માટેનો અને સમજવા માટેનો છે. માણસની વાત થી એક આ જ સંદર્ભમાં વાંચેલી વાત -------
    ઉનાળાની ધોમધખતી બપોર હતી.આકાશ આગ ઓકી રહ્યું હતું.પરસેવાથી રેબઝેબ એક મજૂર
    પાણીની પ્યાસથી અકળાઈ રહ્યો હતો.એક પ્યાલા પાણીની આશ સાથે એ એક દુકાનના ઓટલે આવીને ઉભો.દુકાનના શેઠ બપોરનું ભોજન કરીને ગાડી પર આડા પડ્યા હતાં .મજૂરે કહ્યું "શેઠ એક પ્યાલો પાણી આપો ને બહુ જ તરસ લાગી છે."શેઠે કહ્યું "થોડી વાર ઉભો રહે ,હમણાં માણસ આવશે અને તને પાણી આપશે."મજૂર થોડી વાર ઉભો રહ્યો તરસ અસહ્ય બની રહી હતી. તેને ફરીથી કહ્યું "શેઠ પાણી આપો ને "શેઠે જરા જોરથી કહ્યું "ઉભો રહે કહ્યું ને "મજૂર થોડી વધુ વાર ઉભો રહ્યો પણ હવે એને લાગ્યું કે ચક્કર આવી જશે એટલે જરા જોરથી કહ્યું "શેઠ પાણી આપો ને હવે નથી રહેવાતું ". શેઠે ગુસ્સાથી કહ્યું "સંભળાતું નથી માણસ આવશે એટલે પાણી આપશે."મજૂરે કહ્યું "શેઠ ,થોડી વાર માટે તમે માણસ બની જાવ ને ".
    બસ આપણે માણસ બનવાનું છે અને જો સાચા અર્થમાં માણસ બની જઈશું તો આ ધર્મના વાડા આપોઆપ તૂટી જશે.
    - રોહિત કાપડિયા

    ReplyDelete
  2. અદભુત! અત્યંત હ્રદય સ્પર્શી વાર્તા… દરેક માણસે પોતાની આંખ ખોલી કબૂતરનો આભાર મનવો જોઈએ.
    - નીતિન મહેતા

    ReplyDelete