Friday, June 5, 2015

દરેક પુરુષની જવાબદારી


દિવસે ઓફિસમાં ખુબ કામ હોવાથી તેને ઘરે જવા નીકળવામાં ઘણું મોડું થઈ ગયું અને રસ્તા પર તે એકલી હતી.ઓફિસના ગેટ પાસે અન્ય કોઈ વાહન હતું આથી તેણે રીક્ષા સ્ટેન્ડ તરફ ચાલવાનું શરૂ કર્યું.

સ્ટેન્ડ થોડું આઘે હતું. તે ચાલી રહી હતી અને અચાનક તેને લાગ્યું કે કોઈ તેની પાછળ પાછળ આવી રહ્યું છે જાણે તેનો પીછો કરી રહ્યું હોય.થોડી વાર તો તેણે આગળ આગળ ચાલ્યા કર્યું પણ આખરે તેનાથી રહેવાયું નહિ અને તેણે પાછળ ડોક ફેરવી. "ભાઉ.." કરી તેણે તેને ડરાવી મૂકી! પેલો મોટે થી હસવા માંડયો. તેની જ ઓફિસમાં કામ કરતો સહકર્મચારી હતો.

તેણે કહ્યું, “હું તને એકલીને કેવી રીતે આટલી મોડી રાતે રીક્ષા સ્ટેન્ડ સુધી જવા દઈ શકું? એટલે મેં જ્યારે જાણ્યું કે તું ઓફિસમાંથી આજે આટલી મોડી નિકળી છે કે તરત હું મારૂં કામ મૂકી તને મૂકવા દોડી આવ્યો.તને રીક્ષામાં બેસાડ્યા પછી હું ફરી પાછો ઓફિસ જઈ મારૂં કામ પતાવીશ.તું મારી જવાબદારી છે."

મોડું થતાં રીક્ષા સ્ટેન્ડ પર એક પણ રીક્ષા નહોતી.દસ મિનિટ રાહ જોયા બાદ માંડ માંડ એક રીક્ષા આવી.તેને લાગ્યું કદાચ છેલ્લી રીક્ષા હશે.હવે રીક્ષા લીધા સિવાય છૂટકો નથી. તેણે રીક્ષાવાળા સામે સહેજ શંકા અને ભય મિશ્રીત ભાવ સાથે જોયું અને રીક્ષાવાળાએ જાણે કળી જતાં કહ્યું,"બહેન, સહેજ પણ ચિંતા કરશો નહિ. હું તમને સુરક્ષિતતાપૂર્વક તમારે જ્યાં સુધી જવું છે ત્યાં સુધી પહોંચાડી દઈશ. તમે મારી જવાબદારી છો."

તે રીક્ષામાં બેસી ગઈ.

તેનું ઘર એક સાંકડી શેરીમાં હતું જ્યાં અંદર સુધી રીક્ષા જઈ શકે તેમ નહોતું આથી તે થોડે આઘે ઉતરી અને સાંકડી શેરીમાં પ્રવેશી.ત્યાં તેની નજર થોડે આગળ બેસી સિગરેટ પી રહેલા એક આધેડ વયના આદમી પર પડી.તે માણસની દ્રષ્ટી તેના પર પડી.

તેને ઓળખતી નહોતી પણ તે એનો પાડોશી હતો અને તેણે સિગરેટ બાજુ પર ફેંકી દઈ તેના તરફ ચાલવા માંડ્યું.તે ગભરાઈ ગઈ પણ આધેડ વયના તે માણસે કહ્યું,"બેટા લાગે છે આજે તને ઓફિસેથી ઘેર પાછા ફરતા મોડું થઈ ગયું.ચિંતા કરીશ નહિ.હું તને ઘેર સુધી મૂકી જાઉં છું.તું મારી દિકરી જેવી છે.તું મારી જવાબદારી છે."

છેવટે તે સુરક્ષિત રીતે ઘેર પહોંચી ગઈ.

જ્યારે જ્યારે વાર્તામાં વળાંક આવ્યો તમને લાગ્યું હશે કે હમણાં યુવતિ સાથે કંઈક અઘટિત બનવા પામશે.આપણાં સમાજે આપણને ડર આપ્યો છે.

ડર નાબૂદ થઈ જાય, જો દરેક પુરુષ ઓફિસના પેલી યુવતિના સહકર્મચારી જેવો કે રીક્ષાવાળા જેવો કે યુવતિના પાડોશી જેવો બની જાય.

વાત વાંચી રહેલ દરેક પુરુષે એ સમજી લેવાની જરૂર છે કે તમારી બહેન,માતા કે પત્નીની જેમ (યુવતિ) તમારી પણ જવાબદારી છે.

('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. 'ઇન્ટરનેટ કોર્નર'માં પુરુષોની જવાબદારી વાળી વાત વાંચવી ખુબ ગમી.બહેન દિકરીઓની જવાબદારી આપણાં સૌની છે - એ વાત સરળતાપૂર્વક ગળે ઉતરી ગઈ. હકીકતમાં સ્ત્રીઓનું રક્ષણ એ દરેક પુરુષની નૈતિક ફરજ છે. આવા લેખો દ્વારા જ વિચારોમાં પરિવર્તન આવશે. ધન્યવાદ.
    - ધીરજ મારુ

    ReplyDelete
  2. 'ઈન્ટરનેટ કૉર્નર' કટારમાં ‘દરેક પુરુષની જવાબદારી.' બહુ વિચારતો કરનાર લેખ હતો જે એક આદર્શ સ્થિતિ વર્ણવે છે જેને આપણે રામરાજ્યની સ્થિતિ કહી શકીએ. આ લેખ વાંચ્યા પછી એક વ્યક્તિનો માનસપલટો થાય, તો વિકાસભાઈ, તમે લીધેલી મહેનત સફળ થાય.
    - જયસિંહ સંપટ

    ReplyDelete