Sunday, May 31, 2015

વ્હેલની કૃતજ્ઞતા


ગુરુવાર, ડિસેમ્બર ૧૫, ૨૦૦૫ના દિવસે ' સાનફ્રાન્સિસ્કો ક્રોનિકલ' અખબારના પ્રથમ પાને છપાયેલ સત્ય કથા એક હમ્પબેક વ્હેલ (પીઠ પર ખૂંધ ધરાવતી વિરાટકાય) માછલીની છે. પચાસ ફૂટની વિશાળ કાયા ધરાવતી વ્હેલ કરોળિયાના જાળા જેવી કરચલા પકડવાની જાળમાં બૂરી રીતે ફસાઈ ગઈ હતી અને સેંકડો યાર્ડ લાંબા જાળના તાર તેની પૂંછડી અને પેટમાં વિંટળાઈ ગયાં હતાં તેમજ એક તાર તેના મોઢાની આરપાર પણ અતિ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ભારે વજન ધરાવતી માછલી આમ ફસાઈ જવાને લીધે તરી  કે  છટકી શકતી નહોતી. ગોલ્ડન ગેટ વિસ્તારની બહાર આવેલા ફેરેલોન ટાપુઓના પૂર્વ કિનારા પાસે આમ ફસાયેલી વ્હેલ એક માછીમારની નજરે ચડી અને તરત તેણે પર્યાવરણપ્રેમી એવા એક જૂથનો વ્હેલને બચાવવાના આશયથી સંપર્ક કર્યો. થોડા કલાકોમાં બચાવ ટુકડી ત્યાં પહોંચી ગઈ અને નિરીક્ષણ કરતા માલૂમ પડ્યું કે વ્હેલ એટલી બૂરી રીતે ફસાઈ ચૂકી હતી કે તેને બચાવવાનો એક માત્ર માર્ગ હતો દરિયામાં કૂદી જાળ કાપી, તાર દૂર કરી તેને જાળમાંથી છૂટી કરવાનો.  બચાવવા જતા વ્હેલની પૂંછડીનો એક ઝટકો બચાવવા જનારને સીધો પરમધામે પહોંચાડવા માટે પૂરતો હતો.

પણ ટુકડીએ ડર્યા વગર કલાકો સુધી જહેમત કરીને દાતરડા જેવા સાધન વડે જાળના તારો કાપી વ્હેલને મુક્ત કરી. જ્યારે તે આઝાદ થઈ ગઈ ત્યારે બચાવનાર ટુકડીના જણાવ્યા અનુસાર વ્હેલે ખુશીમાં ચક્રાકારમાં થોડી વાર સુધી તર્યા કર્યું.  પછી તે બચાવ ટુકડીના દરેક સભ્ય પાસે વારાફરતી ગઈ અને તેમના શરીરને તેણે હળવેથી પ્રેમપૂર્વક સ્પર્શ કર્યો અને આમ તેની આગવી અદામાં હળવો ધક્કો મારી તેણે દરેક બચાવનાર સભ્યનો આભાર માન્યો. તેઓ બધાં અનુભવને પોતાના જીવનનો સર્વશ્રેષ્ઠ અનુભવ ગણાવે છે. જે બચાવગીરે વ્હેલના મોઢામાંથી દોરડું કાપ્યું હતું તેણે કહ્યું કે વ્હેલની આંખો સતત તેના પર મંડાયેલી હતી, તે ફરી ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ ત્યાં સુધી... અનુભવ તે જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહિ.

તમે અને તમારા સર્વ સ્નેહીજનો તમને બંધનકર્તા એવી બાબતોમાંથી છોડાવનારા સાબિત થાય એવા લોકોથી ઘેરાયેલા રહો એવી શુભ કામના... તમને ઇશ્વરઆપવાનો’ અનેઆભાર પ્રગટ કરવાનો’ જેવા સદગુણ અખૂટ આપે એવી પ્રાર્થના... 

('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. ખુંધવાળી વ્હેલની વાતગમી.
    જીવ સહુને વ્હાલો છે,
    લાગણી સહુમા ભરેલી છે.
    માણસ બતાવી જાણે છે.
    પ્રાણી જતાવી જાણે છે .
    ઈન્ટરનેટ કોર્નર પ્રેરણાત્મક સંદેશા દ્વારા લાગણીઓને જીવંત રાખે એ જ ચાહ.
    - રોહિત કાપડિયા

    ReplyDelete
  2. ‘વ્હેલની કૃતજ્ઞતા’ લેખ વાંચ્યો. મનુષ્યેત્તર જીવોમાં પણ આભારની લાગણી હોય છે. સુંદર પ્રેરણાદાયી પ્રસંગ.
    - જયસિંહ સંપટ

    ReplyDelete