Wednesday, May 8, 2013

ટેક્સીવાળો અને એક વૃદ્ધ સ્ત્રી

  હું રાત્રે ટેક્સી ચલાવતો.અજબ ની વાત હતી કે લોકો મારી સામે જાતજાતની કબૂલાત કરતાં.તદ્દન અજાણ્યા પ્રવાસીઓ મારી ટેક્સીમાં પાછળની સીટ પર બેસતા અને મને તેમના જીવનની અંતરંગ વાતો કહેતાં.મને કેટલાયે લોકો મળ્યા હતાં જેમની વાતો સાંભળી હું ક્યારેક હસેલો,ક્યારેક રડેલો તો ક્યારેક આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલો તો ક્યારેક અતિ દયાળુ બની ગયેલો.
પણ એક ઓગષ્ટ મહિનાની રાતે જે સ્ત્રી મારી ટેક્સીમાં બેઠી હતી તેની વાતે મારા હ્રદયમાં પહેલા ક્યારેય ન જાગેલા કંપનો જન્માવ્યાં.મને શહેરના અતિ શાંત વિસ્તારમાંથી ચારમાળના ઈંટોના એક પાકા મકાનમાંથી કોલ આવ્યો હતો.મને લાગ્યું કે કદાચ કોઈક યુવાનોએ પાર્ટીની મજા માણ્યા બાદ તેમને તેમના ઘેર પહોંચાડવા બોલાવ્યો હશે કાં તો કોઈક પ્રેમીઓ ઝઘડી છૂટા પડવા માંગતા હશે તેમાંના એકે બોલાવ્યો હશે કાં પછી અડધી રાતની પાળી કરવા જઈ રહેલ કોઈક કર્મચારીએ તેની ફેક્ટરીએ પહોંચાડવા મને બોલાવ્યો હશે.
જ્યારે રાતના અઢી વાગે હું તે સ્થળે પહોંચ્યો ત્યારે તે મકાનના ભોંયતળિયાના એક ઘર સિવાય કોઈ ઘરની લાઈટ ચાલુ નહોતી.તદ્દન અંધારૂ હતું.આવી સ્થિતીમાં બીજો કોઈ ડ્રાઈવર હોત તો તેણે એક બે વાર હોર્ન વગાડ્યા બાદ પ્રતિભાવ ન મળતા ટેક્સી હંકારી મૂકી હોત. પણ મેં અનેક જરૂરિયાતમંદ લોકોને ટેક્સીની મોડી રાતે કેટલી સખત જરૂર હોય છે તે અનુભવ્યું હતું કારણ એ સમયે તે એક માત્ર મળી શકે એવું મુસાફરી માટેનું વાહન હોય છે.ભયજનક ન જણાય એવા દરેક પ્રસંગે હું યાત્રીને દરવાજા સુધી લેવા જતો હોઉ છું.અહિં પણ યાત્રીને મારી મદદની જરૂર છે એવો પૂર્વાભાસ થતાં હું લાઈટ ચાલુ હતી તે ઘરના દરવાજા સુધી ગયો.
મેં બારણે ટકોરા માર્યાં.ઘરમાંથી એક વૃદ્ધ ધીમો અવાજ સંભળાયો "આવું છું..." કંઈક જમીન પર ઘસડીને બારણા તરફ લવાઈ રહ્યું હોય એવો અવાજ સંભળાયો. થોડી ક્ષણો બાદ દરવાજો ખુલ્યો.
મારી સામે ૮૦ વર્ષની એક નાનકડું કદ ધરાવતી વૃદ્ધા ઉભી હતી.તેણે પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો અને માથે હેટ જેના પર જાળી વાળો પડદો હતો.તે સાત આઠ દાયકા પહેલાના ફિલ્મજગતની અભિનેત્રી હોય તેવી લાગતી હતી.તેની પાસે એક સુતરાઉ સ્યૂટકેસ હતી.તેના ઘરમાં જાણે વર્ષોથી કોઈ રહેતું ન હોય એવું લાગતું હતું.ફર્નિચર પર કપડા ઢાંકેલા હતાં.ઘરની ભીંતો પર એકેય ઘડિયાળ નહોતી.અભરાઈઓ ખાલી હતી,તેમના પર કોઈ વાસણ નહોતાં.એક ખૂણે પૂઠાના ખોખામાં ફોટો અને કાચનો કેટલોક સામાન પડેલા હતાં.

તેણે પૂછ્યુ:"શું તમે મારો સામાન બહાર ટેક્સી સુધી લઈ જવામાં મને મદદ કરશો?"
મેં તેની સ્યૂટકેસ ઉપાડી ટેક્સીમાં મૂકી અને ફરી તેને ટેક્સી સુધી લઈ આવવા તેના બારણે પહોંચ્યો.તેણે મારો હાથ પકડ્યો અને તેના આધારે તે ટેક્સી સુધી આવી.તેણે, મદદ કરી ઉદારતા બતાવવા બદલ મારો ખૂબ આભાર વ્યક્ત કર્યો.
મેં કહ્યું,"આ તો કંઈ નથી.હું દરેક વૃદ્ધ પ્રવાસી સાથે તે મારી માતા હોય તે રીતે વર્તું છું."
તેણે આ બદલ મારી ખૂબ પ્રશંસા કરી અને પછી મને એક સરનામુ લખેલી ચબરખી બતાવતા ત્યાં ટેક્સી લઈ જવા કહ્યું.
મેં એ સરનામુ જોઈ કહ્યું,"આ તો ઘણું દૂર છે."
 "કંઈ વાંધો નહિ.મને કોઈ ઉતાવળ નથી.હું ત્યાં હોસ્પિટલમા દાખલ થવા જઈ રહી છું.
મેં ટેક્સીના પાછળનું દ્રષ્ય દેખાય એ અરીસામાંથી તેના તરફ જોયું.તેનું મુખ ચમકી રહ્યું હતું. મારા કુટુંબમાં હવે કોઈ બચ્યું નથી.અને ડોક્ટરનું એમ કહેવું છે કે હવે હું પણ લાંબુ નહિ ખેંચુ."
મેં ધીરેથી તેનું ધ્યાન ન જાય તેમ ટેક્સીનું મીટર બંધ કરી દીધું.
પછી બે કલાક સુધી અમે શહેરની શેરીઓ માં ચૂપચાપ ફરતા રહ્યાં.તેણે મને એક મકાન બતાવ્યું જ્યાં તે એક જમાનામાં લિફ્ટ ઓપરેટર તરીકે કાર્ય કરતી હતી.અમે એ વિસ્તારમાંથી પણ પસાર થયાં જ્યાં તેણે નવા નવા લગ્ન બાદ તેના પતિ સાથે દાંપત્યજીવનની શરૂઆત કરી હતી.તેણે મારી ટેક્સી એક ફર્નિચર વેરહાઉસ પાસે થોભાવડાવી જ્યાં ઘણાં વર્ષો પહેલા એક બોલરૂમ હતો અને તે યુવતિ હતી ત્યારે ત્યાં નૃત્ય શિખવા ગઈ હતી.
તે ઘણી આવી જગાઓએ કે કોઈક મકાન સામે આમ જ મારી ટેક્સી થોભાવતી કે ધીમી કરવા કહેતી અને અંધારામાં કંઈ જ બોલ્યા વગર તાક્યા કરતી, ભૂતકાળમાં ખોવાઈ જતી હોય તેમ.
મળસ્કે સૂર્યનું પહેલું કિરણ દેખાવાની શરૂઆત થઈ હશે ને તેણે કહ્યું "હવે હું થાકી ગઈ છું.ચલો ક્યાંય થોભ્યા વગર હવે આગળ વધીએ."
પછી મેં તેણે આપેલા એડ્રેસ સુધી મૂંગા મૂંગા ગાડી હંકાર્યા કરી.તે એક નીચુ મકાન હતું.હોસ્પિટલ જેવું,જેમાં ગેટ પર જ બે પરિચારકો તે વૃદ્ધ સ્ત્રીની રાહ જોતા જ ઉભા હતાં.તેમણે તેને અંદર લઈ જવા વ્હીલચેર પર બેસાડી.

"મારે ભાડાના કેટલા રૂપિયા આપવાના છે?"તેણે પોતાનું પર્સ ખોલતા પ્રશ્ન કર્યો.
મેં કહ્યું,"કંઈ નહિ"
તેણે કહ્યું,"તારે ઘર ચલાવવાનું છે ભાઈ!"
 "એટલું મને બીજા પ્રવાસીઓ પાસેથી મળી રહેશે."
મેં બિલકુલ વિચાર્યા વગર સહેજ નીચા નમીને તેને આલિંગન આપ્યું.તેણે પણ મને કોઈ સ્વજનને આપતા હોઈએ એવી લાગણી ભરી ભીંસથી મારા આલિંગનનો પ્રતિભાવ આપ્યો.
 "તે એક વૃદ્ધ સ્ત્રીને થોડી સુખની ક્ષણો આપી છે.તારો હ્રદયપૂર્વક આભાર."
મેં તેની સાથે હૂંફથી,ઉષ્માસભર રીતે હાથ મિલાવ્યો અને સવારના ઝાંખા સૂર્યપ્રકાશમાં તેની વિદાય લીધી.મારી પીઠ પાછળ એક દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો.એક જીવનના અંતનો એ અવાજ હતો જાણે!
ત્યારબાદ એ દિવસે મેં અન્ય કોઈ મુસાફર ન લીધાં.મેં કોઈ ધ્યેયવિના વિચારોમાં ખોવાઈ જઈને ગાડી બસ હંકાર્યા જ કરી,બસ હંકાર્યા જ કરી.બીજા દિવસે પણ મોટો સમય હું મૌન જ રહ્યો.તે વ્રુદ્ધ સ્ત્રીને કોઈ ગુસ્સાવાળો કે પોતાની રાતપાળી જલ્દીથી પૂરી કરવા ઇચ્છતો અધીરો એવો કોઈ ડ્રાઈવર ભટકાઈ ગયો હોત તો શું થાત? જો મેં પણ માત્ર એક હોર્ન મારી પાછા વળી જવાનું કે તે વ્રુદ્ધ સ્ત્રીને મુસાફરી માટે ના
પાડવાનું પસંદ કર્યું હોત તો?

વિચાર કરતાં મને લાગ્યું કે મારા જીવનમાં આનાથી વધુ મહત્વનું કે સારું કામ મેં ક્યારેય કર્યું નહોતું.
આપણાં મનમાં એવું ઠસી ગયું છે કે આપણું જીવન સુખની મસમોટી ક્ષણોની આસપાસ ઘૂમરાય છે પણ હકીકત એ છે કે સુખને મસમોટી ક્ષણો હંમેશા અણધારી જ આવતી હોય છે એવા સ્વરૂપે કે બીજાઓને તે ક્ષુલ્લક લાગે...


 - કેન્ટ નેરબર્ન દ્વારા વેબસાઈટ http://www.zenmoments.com પરથી લેવાયેલી આ વાર્તા મારા એક મિત્ર અભિષેક કોલવાલકરે મને ઇમેલ દ્વારા મોકલી હતી.


('ઈન્ટરનેટ પરથી')



1 comment:

  1. ### ઇન્ટરનેટ કોર્નરમાં 'ટેક્સીવાળો અને એક વૃદ્ધ સ્ત્રી'ની વાર્તા ખૂબ સરસ રહી.ખરેખર જીવનમાં સુખની ક્ષણો અણધારી જ આવતી હોય છે.હું મારા મોટા ભાઈના સહારે મારા ઘરમાં એકલો રહું છું.થોડા સમય અગાઉ એક અકસ્માતે મને અપંગ બનાવી દીધો.અગાઉ ૧૨-૧૪ કલાક કામ કરતો પણ હવે ઘરની ચાર દિવાલો વચ્ચે સુખ શોધું છું.
    - શાંતિભાઈ શાહ (એસ.એમ.એસ.દ્વારા)

    ### ઇન્ટરનેટ કોર્નરમાં 'ટેક્સીવાળો અને એક વૃદ્ધ સ્ત્રી' વાંચી ને આંખમાં પાણી આવી ગયા.આ હ્રદયસ્પર્શી વાર્તા બદલ તમારો ખૂબ આભાર. આજના મશીન યુગમાં વાંચીને રડવું આવે ત્યારે લાગે કે હું હજી જીવું છું.
    - ગીતા પંચાલ (એસ.એમ.એસ દ્વારા)

    ### 'ટેક્સીવાળો અને એક વૃદ્ધ સ્ત્રી' વાર્તા દ્વારા એક સામાન્ય ટેક્સી ડ્રાઈવર પણ જીવન માં કેટલું બધું શીખવી જાય છે...
    - વિશાલ એમ. શેઠ (ઇમેલ દ્વારા)

    ### વિકાસભાઇ, 'ટેક્સીવાળો અને એક વૃદ્ધ સ્ત્રી'ની વાત હ્રદય ને સ્પર્શી ગઈ. ઇશ્વર આપ ને અટક્યા વગર લખવાની સતત પ્રેરણા અને શક્તિ આપે. મને આવા સ્પંદનજનક અનુભવો મારી બેન્કની સર્વિસ દરમ્યાન થતા હતાં.
    - જયસિંહ માધવદાસ સંપટ (એસ.એમ.એસ દ્વારા)

    ### હ્રદય ના તારો ઝણઝણાવી દેતા આજના લેખ 'ટેક્સીવાળો અને એક વૃદ્ધ સ્ત્રી' બદલ ખુબ ખુબ ધન્યવાદ. હું પાંચ વર્ષથી તમારા લેખો નિયમિત વાંચુ છું.
    - વિપુલ એમ. જાની (વ્હોટ્સએપ દ્વારા)

    ReplyDelete