Friday, May 10, 2013

'મધર્સ ડે સ્પેશ્યલ' : માતાની નોકરી

{

'ઇન્ટરનેટ કોર્નર'નો ૪૫૦મો હપ્તો

વ્હાલા વાચક મિત્રો,
આજે તમારી પ્રિય કટાર 'ઇન્ટરનેટ કોર્નર'નો ૪૫૦મો હપ્તો રજૂ કરતાં ખૂબ આનંદ થઈ રહ્યો છે.તમારા બધાંના સ્નેહ અને પ્રોત્સાહક પ્રતિભાવોને કારણે જ લગભગ નવેક વર્ષની આ લાંબી સફર શક્ય અને સફળ બની છે. ઇન્ટરનેટ કોર્નર શ્રેણીના ગૂર્જર ગ્રંથ્રત્ન દ્વારા પ્રકાશિત પાંચ પુસ્તકો કથા કોર્નર, મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખો પણ ખૂબ લોકચાહના પામ્યાં છે અને તેમને ચાર આવૃતિ અત્યાર સુધી પ્રગટ થઈ ચૂકી છે.આ પુસ્તકો મેળવવા તમે મારો સંપર્ક કરી શકો છો. બસ આમજ સારા વિચારો વાંચતા અને વંચાવતા રહેજો.
હ્રદય પૂર્વક આભાર!

- વિકાસ ઘનશ્યામ નાયક

}

 ( 'મધર્સ ડે સ્પેશ્યલ' )

 માતાની નોકરી
      
                         
માતાની નોકરી / કાર્ય / જવાબદારીની વિગતો થોડી વિચિત્ર લાગે એ રીતે રજૂ કરેલ છે,પણ મને ખાતરી છે કે જો એ તેના મૂળ સ્વરૂપે આ રીતે જ રજૂ થતી હોત તો આપણામાંના કોઈએ તે સ્વીકાર્યું ન હોત!

સ્થાન /પદવી :
માતા,મા,મમ્મી,મોમ

કામકાજનું વર્ણન :
લાંબો સમય ટકી રહે એવા ઉમેદવાર માટે પડકારજનક, કાયમી કામકાજ, મોટેભાગે અવ્યવસ્થિત એવા કાર્યસ્થળ (ઘર) માટે જોઇએ છે. ઉમેદવાર પાસે સારામાં સારી વાક્પટુતા અને વ્યવસ્થા કૌશલ્ય હોવા જરૂરી છે અને મોડી સાંજ કે રાતો સુધી સપ્તાહાંતે પણ ફરજ બજાવવાની તૈયારી અપેક્ષિત છે.
ક્યારેક રાતોની લાંબી મુસાફરી અને વરસાદની મોસમમાં પણ પ્રાથમિક શિક્ષણના તાલીમ કેમ્પ્સની જગાઓએ જવું અનિવાર્ય.દૂર દૂરના શહેરોમાં લાંબા કાળના સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ માટે પ્રવાસ કરી ત્યાં રહેવાની તૈયારી.મુસાફરીના પૈસા આપવામાં આવશે નહિં.ભારે માલસામાન ઉંચકવાની અને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાની તૈયારી.

જવાબદારીઓ :
બાકીની જિંદગીમાં ધિક્કારપાત્ર બનવાની તૈયારી(કાયમી નહિ તો હંગામી ધોરણે તો ખરા જ).જરૂર પડ્યે નાણાં પૂરા પાડવાની તૈયારી.ગાળો સહન કરવાની તૈયારી. ખચ્ચર જેટલી શારીરિક તાકાત હોવી જરૂરી જેથી મકાનના વાડા કે કોઈ પણ ભાગેથી બૂમ પડે ત્યારે માત્ર ત્રણ સેકન્ડમાં શૂન્યથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રતિભાવ આપી શકાય.નાનામોટા ઉપકરણોની મરામત,બાથરૂમ-સંડાસના નળ કે ફ્લશમાં નાનીમોટી ખરાબી કે કપડા અને બેગ્સની ઝીપર ચેન્સ સમી કરવાની આવડત. ફોન ઉપાડવા,તારીખો-મહત્વની તિથિઓ જાળવવી,ઘરકામના મહત્વના પ્રોજેક્ટ્સનું સુસંકલન.દરેક વયજૂથના અને જુદીજુદી માનસિકતા ધરાવતા ગ્રાહકો માટે સામાજિક મેળાવડા યોજવાની અને તેમના સુસંચાલનની આવડત જરૂરી.
એક ક્ષણે અવિભાજ્ય અંગ સમાન તો બીજીજ ક્ષણે ભોંઠપનું કારણ બનવાની તૈયારી.હજારો પ્લાસ્ટીકના અને અન્ય નાનામોટા રમકડાની ખરીદી થી માંડી સુરક્ષિતતા ચકાસણી. હંમેશા શ્રેષ્ઠતમની અપેક્ષા પણ કનિષ્ઠમાં કનિષ્ઠ પરિણામ સ્વીકારવાની તૈયારી.'એન્ડ પ્રોડક્ટ'ની ગુણવત્તાની અંતિમ અને સંપૂર્ણ જવાબદારી ઉઠાવવાની તૈયારી.

બઢતીની શક્યતાઓ :
નહિવત. તમારી નોકરી એકજ પદ પર વર્ષોના વર્ષો સુધી રહેવા માટેની છે.તમને ફરિયાદ કરવાની તક મળશે નહિ તેમજ તમારે સતત પોતાની જાતે નવી નવી બાબતો શીખતા અને શિખવાડતા રહેવી પડશે જેથી જેના હાથમાં સત્તા આવે તે તમને સહેલાઈથી અતિક્રમી જઈ શકે.

પાછલો અનુભવ :
કમનસીબે બિલકુલ જરૂરી નથી.તમને થકવી નાંખે અને તમારી બધી જ શક્તિ ખર્ચાઈ જાય એ હદે તમને ઓન-ધ-જોબ ટ્રેનિંગ સતત મળતી રહેશે.

પગાર અને ભથ્થા :
આ બરાબર સમજી લો! અહિં પગાર તમને મળશે નહિં બલકે તમારે ચૂકવવાનો રહેશે.એ પણ નિયમિત વધારા અને બોનસ સાથે!
તેઓ (તમારા સંતાન) ૧૮ વર્ષના થાય ત્યારે એક મોટી રકમ તમારે આપવાની રહેશે કારણ સામાન્ય રીતે એમ મનાય છે કે મેટ્રીક પાસ કર્યા બાદ તે પોતાની મેળે કમાઈને નાણાંકીય દ્રષ્ટીએ સ્વનિર્ભર બની શકશે.
મરતી વેળાએ તમારે સઘળું તેમને આપી દેવાનું રહેશે. આ ઉલટી પગાર નીતિની વિશિષ્ટતા એ છે કે તમે એને ખરેખર માણશો અને તમને તેમાં વધુને વધુ આપવાનું મન થશે!

અન્ય લાભો :
કોઈ આરોગ્ય કે દંતવિમાની સુવિધા નહિ તેમજ કોઈ પેન્શન કે ટ્યુશન ફીના રી-ઇમ્બર્સ્મેન્ટ કે પેઇડ રજાઓ કે સ્ટોક ઓપ્શન્સની સુવિધાની જોગવાઈ ન હોવા છતાં આ નોકરી તમને સ્વવિકાસની અમર્યાદ તકો પૂરી પાડશે તેમજ બિનશરતી પ્રેમ,મફતના આલિંગનો સાથે અઢળક ચુંબનોની વર્ષા વર્ષાવશે, જો તમે તમારી ભૂમિકા બરાબર ભજવશો.

તમે ઓળખતા હોવ એવા દરેક માબાપને આ વાત વંચાવશો - તેઓ તમારા માટે જે ભોગ દરરોજ આપે છે અને તેઓ આ જે શ્રેષ્ઠ નોકરી કરે છે તે બદલ તેમનો આભાર પ્રકટ કરવા...અથવા જે કોઈ આ નોકરી માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યું હોય તેને પણ આ લેખ પ્રેમથી વંચાવો !
...અને તમારા સંતાનોને પણ આ વંચાવશો, કદાચ તેમને પણ આ ગમે !

** તા.ક.: આ નોકરીમાંથી ક્યારેય નિવૃત્તિ મળતી નથી!

('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. congrats......for reaching 450......keep rocking

    ReplyDelete