Saturday, April 27, 2013

અબ્રાહમ લિંકનનો પત્ર


એક્ઝિક્યુટીવ મેન્શન, વોશિંગ્ટન,નવેમ્બર ૨૧,૧૮૬૪

ડિયર મેડમ,

માસાચ્યુસેટ્સના એડ્જ્યુટન્ટ જનરલ દ્વારા યુદ્ધ વિભાગની ફાઈલોમાંથી મને એક પત્ર બતાવવામાં આવ્યો છે જેમાં જણાવ્યા મુજબ તમારા પાંચ પુત્રો દેશની રક્ષા કાજે યુદ્ધમાં લડતા લડતા વીરગતિ પામ્યાં છે.

તમારી વેદનાને વાચા આપવા કોઈ પણ ભાષાના શબ્દો વામણા સાબિત થાય અને હું એ વિશે વિચાર કરતાં પણ નબળાઈ અને નિસહાયતાનો અનુભવ કરું છું.પણ જે લોકતંત્રની રક્ષા કાજે તેમણે પોતાની જાતનું બલિદાન આપ્યું છે તેના વતિ તે માટે તેમનો આભાર માની હું તમારા પ્રત્યે આશ્વાસન વ્યક્ત કરું છું.

હું પ્રાર્થના કરું છું કે પરમકૃપાળુ પરમાત્મા તમને આ અસહ્ય પીડા વેઠવાનું બળ પૂરું પાડે,ગુમાવેલા સ્વજનોની ખોટ તમને ન સાલે અને તેમની મીઠીમધુરી સ્મૃતિઓ સદાયે તમારી સાથે રહી તમને તેમના વિનાનું જીવન જીવવા બળ પૂરું પાડે.આઝાદીના જંગની એરણે તમારું આ સર્વોત્તમ બલિદાન તમારા જીવનને ગૌરવપ્રદ બનાવે એ જ અભ્યર્થના.


- તમારો વિશ્વાસુ
અબ્રાહમ લિંકન

* નોંધ : આ પત્રના મૂળ લેખક અંગે ઘણી ચર્ચાઓ થઈ છે અને ઘણાં વિદ્વાનો એમ માને છે કે આ પત્ર મૂળ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના સચિવોમાંના એક એવા જહોન હે દ્વારા લખાયો હતો.

પ્રમુખ લિંકને આ પત્ર શ્રીમતી બિક્સ્બીને આશ્વાસન આપવા લખ્યો હતો જેઓ વિધવા હતા અને એમ મનાય છે કે તેમણે તેમના પાંચ પુત્રો નાગરિકી યુદ્ધમાં ગુમાવ્યા હતાં.

લિંકને આ પત્ર લખ્યા બાદ એવું ફલિત થયું હતું કે શ્રીમતી બિક્સ્બીના માત્ર બે પુત્રો યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યાં હતાં.તેમના એક પુત્રે લશ્કરી દળ છોડી દીધેલું, બીજા એકને માન ભેર લશ્કરમાંથી નિવૃત્તિ આપવામાં આવી હતી અને અન્ય એક પુત્રનું શું થયું તે અંગે કોઈને કશી ખબર નથી

શ્રીમતી બિક્સબીએ એ મૂળ પત્રનો નાશ કરી દીધો હોવાનું મનાય છે.
એ પત્રની નકલ પૂર્વીય અમેરિકન અખબારમાં છપાઈ હતી.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment