Sunday, March 31, 2013

શ્વાનોનું સ્વાગત છે!


દરેક મનુષ્યે વાત વાંચવી જોઇએ!

એક માણસે, ફરવા જવાનો હતો તે શહેરની એક નાનકડી હોટલના મેનેજરને પત્ર લખ્યો.
તેણે પત્રમાં લખ્યું: "હું વેકેશન દરમ્યાન તમારા શહેરમાં ફરવા આવવાનો છું અને ત્યારે મારી ઇચ્છા તમારી હોટલમાં ઉતારો લેવાની છે. મારા પાળેલા શ્વાનને હું તે સમયે મારી સાથે લાવવા ઇચ્છુ છું. ખૂબ સારી આદતો અને સારી વર્તણૂંક ધરાવતો શ્વાન છે. શું તમે તમારી હોટલમાં મને તેની સાથે રાત્રિનિવાસ કરવાની પરવાનગી આપશો?"

તરત હોટલના માલિક - મેનેજરે જવાબ આપ્યો : "મહોદય, હું ઘણાં વર્ષોથી આ હોટલ ચલાવું છું. પણ મેં હજી સુધી ક્યારેય કોઈ શ્વાનને હોટલના રૂમમાંથી ટુવાલ,પલંગની ચાદર,ચાંદીના ચમચા કે રૂમની ભીંત પર લગાડેલી તસવીરો ચોરતા જોયો નથી! આટલાં વર્ષોમાં ક્યારેય હજી સુધી મારે કોઈ શ્વાનને અડધી રાતે દારૂ ઢીંચીને આવવા બદલ કે ગેરવર્તન કરવા બદલ હોટલમાંથી બહાર કાઢી મૂકવો પડ્યો નથી.કે હજી સુધી કોઈ શ્વાને મારું બિલ ન ભર્યાનું કે અડધું જ ભર્યાનું મને યાદ નથી. આથી ચોક્કસ તમારા શ્વાનનું મારી હોટલમાં સ્વાગત છે અને જો એ ઇચ્છે તો તમને પણ તેની સાથે રહેવા લઈ આવી શકે છે!"

(‘ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment