Sunday, March 3, 2013

હીરા જ હીરા

આફ્રિકામાં રહેતા એક ખેડૂતની આ વાત છે. એક વાર એક વિદેશી સહેલાણીએ આવી તેને મહામૂલા હીરાની વાતો કરી અને તે અતિ ઉતસાહમાં આવી ગયો.


તેને એ જાણીને નવાઈ લાગી કે તે જે દેશમાં રહેતો હતો ત્યાં, આફ્રિકામાં જ હીરાની અધધધ કહી શકાય એટલી ખાણો હતી અને તેણે પોતાનું ખેતર વેચી દઈ હીરાની શોધમાં નિકળી પડવાનો નિર્ણય લીધો.

તે હીરાની શોધમાં ખૂબ ભટક્યો અને આમ ને આમ વર્ષો નિકળી ગયાં. તેને હીરાની લાલસા હતી, ધનસંપત્તિની લાલસા હતી જે ક્યારેય પૂરી થઈ નહિ. અંતે નિરાશ થઈ તેણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું અને એક નદીમાં ઝંપ લાવ્યું.તે ડૂબી ગયો અને મૃત્યુ પામ્યો.

દરમ્યાન તેનું ખેતર જેણે ખરીદ્યું હતું એ માણસને તે ખેતરમાંથી ઇંડા જેવડા કદનો એક સ્ફટીક જેવો પથ્થર મળ્યો. તેના તેજથી અંજાઈ તેણે કુતૂહલપૂર્વક તે સ્ફટીક-પથ્થર પોતાના ગજવામાં મૂકી દીધો.

તેના એક હીરાપારખુ મિત્રને તેણે આ પથ્થર બતાવ્યો અને તે હીરાપારખુ તો આ પથ્થરને જોઈ આભો જ બની ગયો. તેણે તેને જણાવ્યું કે આ દુનિયાનો સૌથી મોટો સાચો હીરો હતો!

એ ખેતરના નવા માલિક એવા પેલા માણસની ખુશીની કોઈ સીમા ન રહી! કારણ તેનું આખું ખેતર આવા સાચા હીરાઓથી ભરેલું હતું!

આ ખેતર તે જ આફ્રિકાની કિમ્બરલી હીરાની ખાણ,જ્યાંથી સૌથી વધુ કિંમતના હીરા મળી આવ્યા હતાં.

એ ખેતરના મૂળ માલિક એવા પેલા બિચારા મરી ગયેલા ખેડૂત પાસે હીરા જ હીરા હતાં પણ તેની તેને જાણ નહોતી!

આ વાત ક્યારેય જૂની થશે નહિ,તે સદાયે સાચી જ રહેશે.

તક જીવનમાં માત્ર આવતી જ નથી પણ એ તો હંમેશા હોય જ છે - માત્ર આપણે તેને જોઈ લેવાની - ઝડપી લેવાની હોય છે.

- ડો. રસેલ હર્મન કોન્વેલ


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment