Saturday, March 3, 2012

વૂમન્સ ડે સ્પેશિયલ

૮મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થશે.એ દિનની ઉજવણી કરવા આજે ઇન્ટરનેટ કોર્નરનો આજનો લેખ જગતની તમામ મહિલાઓને સમર્પિત છે...


હેપ્પી વૂમન્સ ડે..!

એક નાનકડા બાળકે તેની માતાને પૂછ્યું,"તું શા માટે રડે છે?"

માતાએ જવાબ આપ્યો ," કારણકે હું એક સ્ત્રી છું."

બાળકે કહ્યું,"મને સમજાયું નહિં..."

સ્ત્રીએ વ્હાલથી બાળકને બાથમાં લેતાં કહ્યું,"અને તને સમજાશે પણ નહિં."

પછી તો બાળક તેના પિતા પાસે ગયો અને તેણે તેમને પૂછ્યું,"પપ્પા, મમ્મી ઘણી વાર કોઈ દેખીતા કારણ વગર પણ શા માટે રડે છે?"

તેના પિતા એટલું જ કહી શક્યા કે બધી સ્ત્રીઓ કોઈ દેખીતા કારણ વગર જ રડતી હોય છે.

પછી તો એ બાળક મોટો યુવાન બન્યો પણ હજી સુધી એ જાણી કે સમજી શક્યો નહોતો કે સ્ત્રીઓ શા માટે આટલું બધું રડે છે.

એક દિવસ તેને સપનામાં ભગવાન આવ્યા અને તેણે તેમને પૂછ્યું કે સ્ત્રીઓ શા માટે રડે છે?

ભગવાને જવાબ આપ્યો,”મેં સ્ત્રીને અલાયદી અને ખાસ બનાવી છે.મેં તેના ખભા એટલા મજબૂત બનાવ્યા છે કે તે આખા જગતનો ભાર ઉંચકી શકે અને તે છતાં એ એટલા કોમળ પણ છે કે કોઈ દુ:ખી જનને સહારો અને શાતા પણ આપી શકે છે.

મેં તેને એટલી કઠણ બનાવી કે જ્યારે બધા હિંમત હારી જાય ત્યારે તે જરા પણ થાક્યા કે કંટાળ્યા વગર દરેક સ્થિતીમાં ફરિયાદનો એકાદ હરફ પણ ઉચ્ચાર્યા વગર પોતાના કુટુંબની કાળજી રાખી શકે છે.

મેં તેને એટલી આંતરિક શક્તિ અને સખત મનોબળ આપ્યા છે કે તે પ્રસવની પીડા ભોગવી બાળક પણ જણી શકે છે અને ક્યારેક તેના પોતાના જ સંતાનો તરફથી જાકારો પામ્યાનો આઘાત પણ ખમી જાય છે.

મેં તેને એટલી સંવેદનશીલ અને સમજુ બનાવી છે કે તે પોતાના બાળકને કોઈ પણ અને દરેક સંજોગોમાં નિસ્વાર્થ પ્રેમ આપી શકે છે, એવે સમયે પણ જ્યારે તે સંતાનો એ જ તેને ખૂબ બૂરી રીતે દુ:ખી કરી હોય છે.

મેં તેને તેના પતિના સઘળા દોષો નજર અંદાજ કરવાની તાકાત આપી છે અને પોતાના ગમાઅણગમાની પરવા કર્યા વગર તે પોતાના પતિની સાચા હ્રદયથી સેવા કરે છે.

મેં તેને એટલું સમજવાની શક્તિ આપી છે કે એક સારો પતિ પોતાની પત્નીને ક્યારેય દુ:ખ પહોંચાડતો નથી પણ ક્યારેક એ તેની સહનશક્તિ અને પોતાની સાથે સંકટસમયે પણ અડીખમ ઉભી રહેવાની ક્ષમતા ધરાવે છે કે નહિં તે ચકાસવાની કસોટી કરતો હોય છે.

અને છેલ્લે મેં તેને અશ્રુઓ આપ્યા છે જેનો તે જ્યારે પણ જરૂર જણાય ત્યારે છૂટથી ઉપયોગ કરી શકે...'

ભગવાને કહ્યું:"જો દિકરા, સ્ત્રીનું સૌંદર્ય તે જે વસ્ત્રો ધારણ કરે છે કે તે કેવી કાયા ધરાવે છે કે તે કઈ રીતે પોતાના કેશ ગૂંથે છે તેમાં નથી. સ્ત્રીનું સાચુ સૌંદર્ય તેની આંખોમાં છૂપાયેલું હોય છે કારણ એ જ તેના પ્રેમથી ભર્યા ભર્યા હ્રદય સુધી લઈ જતા દ્વાર છે."

તમારા જીવનમાં રહેલી સ્ત્રીઓનું ગૌરવ કરવા આ લેખ તેમને અને તમારા તમામ પુરુષ મિત્રોને પણ વંચાવો.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment