Saturday, March 10, 2012

પ્રતિક્રિયા અને પ્રતિભાવ

અચાનક ક્યાંકથી એક વાંદો ઉડીને આવ્યો અને એક સ્ત્રીના હાથ પર જઈ બેઠો. શા કારણે એ તો રામ જાણે!


તેણે તો ડરના માર્યા રાડારાડ કરી મૂકી. મોઢા પર ભયાનક ડર અને બેચેનીના ભાવ સાથે ધ્રૂજતા સ્વરે તે સ્ત્રી બંને હાથ ઉછાળતા ઉછાળતા કૂદવા લાગી.તેની આ પ્રતિક્રિયા જાણે ચેપી હતી અને તેના ગ્રુપની બીજી સ્ત્રીમિત્રોએ પણ હોહા કરતાં કરતાં કૂદાકૂદ કરી મૂકી. આખરે વાંદો પેલી મહિલાના હાથ પરથી દૂર તો થયો પણ તેની બીજી એક સ્ત્રીમિત્રના પેટ પર જઈ બેઠો!

હવે આ તમાશો આગળ વધારવાનો વારો હતો આ બીજી સ્ત્રીનો જેના પર વાંદો જઈ બેઠો!

સ્ત્રીઓને વાંદાથી બચાવવા(!) એક વેઈટર તેમની પાસે દોડી ગયો અને બન્યું પણ એવું કે બીજી સ્ત્રીએ વાંદાને ઉડાડ્યો અને તે વેઈટર પર જઈ બેઠો. તે આ ઘટનાથી બિલકુલ વિચલિત થયા વગર સ્થિર અને શાંત ઉભો રહ્યો અને તેણે વાંદાની હિલચાલ જોયા કરી.જ્યારે તેને ખાતરી થઈ કે સમય યોગ્ય છે ત્યારે તે પોતાની આંગળીઓ વડે વાંદાને બિલકુલ સહજતાથી ઉંચકી બહાર મૂકી આવ્યો.

કોફી પીતા પીતા આ દ્રષ્ય જોઈ મારૂં મન વિચારોના ચકડોળે ચડ્યું. મેં વિચાર્યું કે આ જે તમાશા જેવી પરિસ્થિતિ ઉભી થઈ તેના માટે જવાબદાર વાંદાને ગણી શકાય? જો હા,તો પછી વેઈટરનું વર્તન શા માટે અતિ સામાન્ય હતું, જ્યારે સ્ત્રીઓનું તેના કરતાં તદ્દન વિપરીત? વેઈટરે જરા પણ વિચલિત થયાં વગર આ પરિસ્થિતિ બરાબર રીતે સંભાળી લીધી હતી.

અને પછી તો મને સમજાયું કે જ્યારે જ્યારે મારા પિતા કે મારા બોસ કે મારા મિત્ર કે મારી પત્ની મારા પર ક્રોધે ભરાઈ બરાડા પાડે છે ત્યારે અકળાવી મૂકનાર તેમનું આ વર્તન મને અસ્વસ્થ કરી મૂકવા બદલ જવાબદાર નથી.પણ એ માટે મારી આ પરિસ્થિતીને સંભાળી ન શકવાની અસમર્થતા જવાબદાર છે. રસ્તા પર ટ્રાફિકજામ થઈ જાય ત્યારે એ મને અકળાવી મૂકવા માટે જવાબદાર નથી હોતું પણ એ ટ્રાફિકજામ દ્વારા મને અસ્વસ્થ કરી મૂકનાર પરિસ્થિતીને સંભાળી ન શકવાની મારી અસમર્થતા એ માટે જવાબદાર હોય છે.

સમસ્યા નહિં પણ, એ સમસ્યા પ્રત્યેની મારી પ્રતિક્રિયા મને અકળાવવા કે મને દુ:ખી કરવા માટે જવાબદાર હોય છે.

ઉપરના વાંદા વાળા કિસ્સામાં સ્ત્રીઓએ પ્રતિક્રિયા આપી જ્યારે વેઈટરે પ્રતિભાવ આપ્યો.

આપણે જીવનમાં પ્રતિક્રિયા ટાળવી જોઇએ,પ્રતિભાવ આપવો જોઇએ. પ્રતિક્રિયાઓ ઉતાવળી અને સ્ફૂરણા-આધારિત હોય છે જ્યારે પ્રતિભાવો બુદ્ધિજન્ય અને વિચારપૂર્વક્ના હોય છે. આપણો પ્રતિભાવ કેવો હોવો જોઇએ તેની પસંદગી આપણે કરવાની હોય છે અને આપણી સ્વતંત્રતા અને સુખ આપણી એ પસંદગી પર આધાર રાખે છે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment