Sunday, February 26, 2012

પ્રાર્થનાની તાકાત

એક સમજુ અને જ્ઞાની સાધુ હતાં જે એક નગરમાં પરિભ્રમણ કરી રહ્યા હતા. તે એક શેરી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં મળેલી એક સ્ત્રીએ તેમને નજીકમાં જ લાંબા સમયથી માંદા પડેલા એક બાળકની વાત કરી. તે સ્ત્રીએ સાધુને માંદા બાળકની મદદ કરવા - તેને સાજો કરી દેવા વિનંતી કરી.સાધુ તો માંદા બાળકના ઘેર આવ્યા અને આખી શેરી ત્યાં એકઠી થઈ ગઈ.બધાંને કૌતુક હતું કે કઈ રીતે સાધુ મહાત્મા ઘણાં લાંબા સમયથી માંદા એવા બાળકને સાજો કરી દે છે. સાધુએ તો આંખો બંધ કરી માંદા બાળકના માથે હાથ મૂકી હ્રદયના ઉંડાણથી પ્રાર્થના કરવા માંડી.

"શું તમને લાગે છે તમારી પ્રાર્થના આ બાળકને સાજો કરી શકશે જ્યારે બધી દવાઓ પણ એમ કરવામાં નિષ્ફળ ગઈ છે?" ટોળામાં ઉભેલા એક માણસે પૂછ્યું.

"કયા મૂરખે આ પ્રશ્ન કર્યો? એ અબુધને કોઈ કહેતાં કોઈ વાતની ગતાગમ નથી. આવા ગમારે પોતાનું મોઢું ખોલવું જ ન જોઇએ."સાધુએ મોટેથી કહ્યું.
પોતાનું આવું અપમાન થતું સાંભળી તે માણસ ક્રોધથી રાતોપીળો થઈ ગયો. પણ તે આવેશમાં કંઈક કહેવા જતો હતો એ પહેલાં જ સાધુ તેની નજીક ગયા અને બોલ્યા:"જો મારા બે-ચાર શબ્દોમાં તને આટલો બધો ક્રોધી બનાવી દેવાની તાકાત હોય તો શું બીજા એવાં જ હ્રદયપૂર્વક બોલાયેલા પ્રાર્થનાના શબ્દો કોઈને સાજો ન કરી શકે?"

અને આમ સાધુએ એ દિવસે બે જણને સાજા કર્યાં.

"ભાષામાં વાસ્તવિક્તાને બદલી શકવાની તાકાત છે.આથી તમારાં શબ્દોને શક્તિશાળી આયુધની જેમ વાપરો - કોઈના જખમો પર રૂઝ લાવવા,નવસર્જન કરવા,પોષવા,સુમધુર સ્મૃતિઓ વાગોળવા,આશિર્વાદ આપવા અને ક્ષમા આપવા."

- ડાફ્ને રોઝ કિંગ્મા


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment