Saturday, April 23, 2011

ઝાકળનું ટીપું...

સૂરજ ઉગ્યો કે ઝાકળનાં એક ટીપાને પોતાની આસપાસના પરિસરનું ભાન થયું.તે અહિં એક લીલુડાં છોડનાં સુંદર પાન પર બેઠું હતું, સૂરજના કિરણોને ઝીલતાં અને તેમને પાછાં ફેંકતા.પોતાના સાદગીભર્યા સૌંદર્ય પર તેને ગર્વ હતો અને તે અતિ સંતુષ્ટ હતું. તેની આસપાસ બીજાં પણ ઘણાં ઝાકળનાં ટીપાં હતાં, કેટલાંક તે જે પાન પર હતું તેના પર જ તો બીજા કેટલાંક તેની આસપાસના બીજાં પર્ણો પર. છતાં આ ઝાકળના ટીપાને લાગતું હતું કે તે જ બધાં ટીપામાં સૌથી જુદું, સૌથી શ્રેષ્ઠ છે.


તેને લાગણી થઈ રહી હતી : અહા, ઝાકળના ટીપા બનવામાં કેટલી મજા છે!

અચાનક જોરથી પવન ફૂંકાયો અને છોડ ધ્રૂજવા લાગ્યો.પર્ણ જેના પર ઝાકળનું ટીપું બેઠું હતું તે પણ જોરથી હલી ગયું જેના કારણે ઝાકળનું ટીપું ગબડીને પર્ણની ધાર પર આવી ગયું.ગુરુત્વાકર્ષણનાં બળ દ્વારા અજાણી દિશામાં ફેંકાઈ જવાને કારણે પર્ણની ધાર પર આવી સાવ કિનારી પાસે અટકી જતાં ઝાકળનું ટીપું ખૂબ ગભરાઈ ગયું.

શા માટે આમ થયું?પહેલાં તો કેટલી શાંતિ હતી? સંતોષ હતો.સુરક્ષિતતા હતી. તો પછી અચાનક આ ઝંઝાવાત શા માટે?

નીચે દ્રષ્ટી પડતાં ઝાકળનાં ટીપાના ભયની કોઈ સીમા ન રહી.તેને લાગ્યું બીજી જ ક્ષણે તે હજારો નાના નાના કણોમાં વિખરાઈ જશે.તેને લાગ્યું હવે અંત નિશ્ચિત જ છે.હજી તો હમણાં જ દિવસ ઉગ્યો અને આટલો જલ્દી તેનો અંત પણ આવી જશે?આતો કેટલું અયોગ્ય કહેવાય?કેટલું વ્યર્થ?તેણે પર્ણને વળગી રહેવાના મરણિયા પ્રયાસો કર્યાં.પણ વ્યર્થ!

અંતે તેણે મહેનત છોડી દીધી અને ગુરુત્વાકર્ષણ બળ જીતી ગયું!તે પડવા લાગ્યું નીચે... નીચે... તળિયે તેને એક આરસી જેવું કંઈક જણાયું.તેની નજર નીચે તરફ જ હતી.તેને પ્રતિબિંબમાં પોતાના જેવું જ ઝાકળનું ટીપું ઉપર તરફ વેગથી આવતું જણાયું.તેઓ એકબીજા તરફ પૂરપાટથી ધસી રહ્યાં હતાં અને અંતે...

અને ક્ષણમાં તો તેનું દુ:ખ અપાર ખુશીમાં ફેરવાઈ ગયું.ઝાકળનું એક ટીપું મોટાં તળાવની અગાધ જળરાશિમાં સમાઈ ગયું,એકરૂપ થઈ ગયું.હવે ઝાકળના ટીપાનું સ્વતંત્ર અસ્તિત્વ મટી ગયું હતું,પણ તેનો વિનાશ પણ નહોતો થયો...

- પીટર હ્યુજીસ

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment