Sunday, April 17, 2011

કોનો પૈસો ક્યાં વપરાય?

અનેક વાતો ઇતિહાસ બની ગઇ છે. આથી બંધબેસતી પાઘડી કોઇએ પહેરી લેવી નહીં. જોકે આજે પાઘડી પણ ઇતિહાસ જ બની છે!


જૂના જમાનામાં ભારત માત્ર ગામડાંમાં વસતું હતું અને ખેતી તથા ગ્રામ કારીગરી આધારિત વ્યવસાયોથી લોકો જીવનનિર્વાહ કરતા હતા ત્યારે પૈસો ગાડાનાં પૈડા જેવડો મોટો હતો. પૈસો કમાવાનું કામ અઘરું હતું. જ્ઞાતિ આધારિત વ્યવસાયો હતા. પૈસો વાપરવાના માર્ગ પણ મર્યાદિત હતા ત્યારે કોનો પૈસો ક્યાં વપરાય તેની સ્પષ્ટ સમજણ હતી.

અલબત્ત, આજે આવા જ્ઞાતિગત વ્યવસાયો કે પૈસા વાપરવાની જ્ઞાતિગત રીતો નથી. અહીં જે વાત છે તે ઇતિહાસ બની ગઇ છે. આથી બંધબેસતી પાઘડી કોઇએ પહેરી લેવી નહીં. જોકે આજે કોઇ પાઘડી પણ પહેરતું નથી, ત્યાં બંધબેસતી પાઘડી પહેરવાનો સવાલ ઉપસ્થિત થતો નથી.

એ જમાનામાં લોકકથાકારો ગામને ચોરે વાર્તા માંડતા. આ બધી ગીતકથાઓ હતી. ગીત-દુહા-છંદ ગાતા જાય ને તેની સમજૂતી આપતા જાય. એમાં કોનો પૈસો ક્યાં વપરાયના જવાબ રૂપે નીચેનો છંદ કહેવાતો :

બામણનો ભાણામાં ને વાણિયાનો પાણામાં,
રજપૂતનો થાણામાં ને કણબીનો આણામાં,
કોળીનો ગાણામાં ને ઘાંચીનો ઘાણામાં,

બાવાનો જાણામાં ને ભીલનો દાણામાં.

તે જમાનામાં નાગર બ્રાહ્મણો અને અનાવિલ બ્રાહ્મણોને બાદ કરતાં અન્ય બ્રાહ્મણો ગોરપદું કરતા અને ‘દયા પરભુની ધરમની જે’ કરી અગિયાર ગામોના યજમાનોને ત્યાં માગવા નીકળતા. મરણ-પરણના પ્રસંગે યજમાન જે કાંઇ રોકડ આપે તે ઘરે આવીને ગોરાણીને આપી દે ને પછી હુકમ કરે. ‘આજે તો લાડુ, દાળ, ભાત, શાક ને વાલ બનાવો. જોડે ભજિયાં પણ તળજો.’ આ મિજબાની જમવામાં બધા પૈસા વપરાઇ જાય.

લાડુ જમવાના શોખીન બ્રાહ્મણો ગાતા, ‘લચપચતા નવ લાડુ, જમવાની ટેવ પડી છે.’ લાડુ પર ખસખસ છાંટી હોય તેથી તેનું ઘેન ચડે એટલે ભારે જમણ પછી નિરાંતે ઊંઘી જાય. હળવદના બ્રાહ્મણો લાડુ ઝાપટવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત.

ગામમાં ૧૮-૨૦ લાડુ ઝાપટી જનારા હળવદિયા જરૂર મળી આવે. તળાજાના પલેવાળ (પાલીવાલ) બ્રાહ્મણો બોઘરણું ભરીને ઘી પી જતા. બ્રાહ્મણોની તમામ શૂરાતન કથાઓ ભાણામાં સમાઇ જતી. આજે પણ રાજકોટમાં દર વર્ષે બ્રાહ્મણોની લાડુભોજન હરીફાઇ થાય છે. લાડુ અંગે બ્રાહ્મણોએ-પોતાને માટે કાવ્ય રચ્યું છે :

‘પહેલા આવ્યા પંડ્યા, લાડુ કરવા મંડ્યા,
પછી આવ્યા જોશી, લાડુમાં આંગળી ખોશી,
બાદમાં આવ્યા ભટ્ટ, લાડુ કરી ગ્યા ચટ,
છેલ્લે આવ્યા દવે, બેઠા બેઠા લવે.’

વાણિયા અને જૈનનો પૈસો પાણામાં એટલે કે પાકાં મકાનો અને મંદિરો બંધાવામાં વપરાય. (ગુજરાતમાં જૈનોને પણ વાણિયા જ ગણવામાં આવે છે) જો તમે સહેજ ઘ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે શંકરનાં મંદિરો રજપૂત રાજાઓએ બંધાવ્યાં છે. આ મંદિરો સાદાં અને દ્રવ્ય-દાગીનાવિહીન હોય. તેની સામે વૈષ્ણવ હવેલીઓ વાણિયાઓ બંધાવતા અને જૈનો દેરાસરો તથા અપાસરાઓ (ઉપાશ્રય) બંધાવતા.

પરંપરાગત હિંદુ સંસ્કારોમાં દાન કરવાથી પુણ્ય કમાવાય અને પુણ્ય કરવાથી મોક્ષ મળે તેવો ખ્યાલ હોવાથી વ્યાપારમાં કમાણી કરતા વાણિયાઓ દાન-ધર્માદો કરતા. એ જમાનામાં દાન-ધર્માદો કરવો એટલે મંદિરો બાંધવાં, ઢોરવાડા બાંધવા, દવાખાનાં બાંધવાં, નિશાળો બાંધવી, ધરમશાળા બાંધવી તથા પોતાના માટે પાકી હવેલીઓ બાંધવામાં- એટલે કે પાણામાં તેમનો પૈસો વપરાતો.

જો ગામમાં તમે જૂની ધરમશાળા કે જૂની નિશાળ જોશો તો જે તે શેઠના નામે હશે. છેલ્લાં ત્રીસેક વર્ષોથી વાણિયા અને જૈનોનો હવેલી તથા દેરાસરો સિવાયનાં મકાનો માટે દાનનો પ્રવાહ સુકાઇ ગયો છે તે મોટી ચિંતાનો વિષય છે.

રજપૂતનો પૈસો થાણામાં વપરાય. આ લડાયક કોમમાં સંઘર્ષનું મૂલ્ય ઘર કરી ગયું હતું અને ભાટ-ચારણો તેમના યુદ્ધકૌશલ્યનાં કવિત કરીને શૂરાતન ચડાવતા એટલે રજપૂતો નાની-મોટી લડાઇઓમાં રમમાણ રહેતા. આમ હોવાથી પોલીસથાણા સાથેનો તેમનો વ્યવહાર વધી જતો અને લડાઇ-ઝઘડા પછીની પરિસ્થિતિ નિપટાવવામાં પૈસા ખર્ચાતા.

કણબીનો પૈસો આણામાં વપરાય. પચાસેક વરસ પહેલાં સ્થિતિ એવી હતી કે દીકરીનાં લગ્ન કરી નાખે, પણ કરિયાવરના પૈસા ન હોય એટલે સારું વરસ આવે ત્યારે દીકરીનું આણું વાળે, એટલે કે કરિયાવર આપી સાસરે મોકલે. આપણા લોકપ્રિય કવિ માધવ રામાનુજે આ વાત બરાબર કહી છે :

‘ડુંડે બેઠા છે રૂડા દાણા પટલાણી
ઓણ દીકરીના કરી દઇએ આણાં.’

હવે તો મોટા ભાગના કણબી પાટીદારો ખેતીની બહાર નીકળી ગયા છે અને તેમનો પૈસો પણ હવે વાણિયાઓની જેમ પાણામાં વપરવા લાગ્યો છે. તેમ છતાં આણામાં વસ્તુઓ-ઘરેણાં આપવાનો ચાલ હજી છે. કોળીનો પૈસો ગાણામાં એટલે કે નાચ-ગાન અને ભજનમાં વપરાય.

કોઇ પણ પ્રસંગ આવે એટલે કોળીને ત્યાં રાતે ભજન બેસે તે વહેલી સવાર સુધી ચાલે. કોળીઓમાં (અને દલિતોમાં પણ) ભજનિકોનું પ્રમાણ વધારે છે. જેણે ભજન બેસાડ્યાં હોય તે ભજનિકને તો પૈસા આપે જ, પણ ભજન સાંભળવા આવનારનેય ઠુંગોપાણી કરાવે. આમાંનાં ઘણાં ભજનો આપણા લલિત અને લેખિત સાહિત્યથી પર એવી શ્રુતિ પરંપરામાં ચાલે છે.

ઘાંચીનો પૈસો ઘાણામાં-તેલઘાણીની સજાવટ અને રખરખાવમાં વપરાય. તેલના વ્યવસાયમાં ઘાંચીઓ કમાયા અને આજે વેપારમાં આવી ગયા. ઘાંચી એટલે કરિયાણાવાળા મોદી, પરંતુ જૂના જમાનામાં બળદ અને ઘાણીની માવજતમાં તેના પૈસા વપરાતા.

એક ઘાંચી તેની ઘાણી ચાલતી ત્યારે ઊંઘતો. એક વકીલે કહ્યું, ‘તું સૂઇ જાય છે તો આ બળદ ફરતો અટકી જાય તો?’ ‘વકીલ સાહેબ, તેને ગળે બાંધેલી ઘંટડી અટકી જાય એટલે હું જાગી જાઉ.’ ‘પણ ધારો કે બળદ ઊભો રહીને ડોકી હલાવીને ઘંટડી વગાડ્યા કરે તો તને કેમ ખબર પડે?’ ‘સાહેબ, મારો બળદ વકીલ નથી.’

સાધુ-બાવા તો ચલતા ભલા. તેઓ એક જગ્યાએ થોડા દિવસો રહી બીજે જાય. આ પ્રકારની યાયાવરી (જાણા)માં નવી જગ્યાએ પડાવ નાખવાનો ખર્ચ થાય તેમાં જૂની જગ્યાએ મળેલા પૈસા વપરાઇ જાય. બાવાના પૈસા જાણા જેમ ધુણામાં પણ વપરાય. બાવો પડાવ નાખે ત્યાં ધુણો અને અમલની ચલમ ચાલુ જ હોય. બાવાને ખાવાનું મફત મળી રહે, પરંતુ ભાંગ, ગાંજો અને ચલમમાં તેની તમામ કમાણી વપરાઇ જાય.

છેલ્લે, ભીલ (આદિવાસી)ના પૈસા દાણા જોવડાવવામાં જાય. સાજે-માંદે કે શુકન-અપશુકન માટે તેમનો ભૂવો દાણા જોઇ નિદાન કરે. પછી ભૂવો કહે તેવો ભોગ ધરાવવાથી શંકાનું નિવારણ થાય. ભીલો પાસે તે જમાનામાં રોકડા પૈસા તો નહોતા. તેથી વેપારીને ત્યાં બકરી કે ચાંદીની જણસ વેચીને દાણા જોવડાવવા પડે.

આ તો બધી ગયા જમાનાની વગદાળી (વગદાં એટલે કાલાં કાઢવાં) એટલે કે કાલીધેલી છતાં સાંભળવી ગમે તેવી આપણી લોકસંસ્કૃતિની વિરાસત સમી વાતો છે. ગુજરાતનો સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસ લખાય તો ખપમાં લાગે.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment