Saturday, April 2, 2011

હું સચિન તેંડુલકર બનવા નથી ઇચ્છતો…

[ આજનો આ લેખ હર્ષા ભોગલે એ સચિન તેંડુલકર માટે લખ્યો હતો હાલમાં ચાલી રહેલી વિશ્વકપ વર્લ્ડકપ ૨૦૧૧ ની ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૨મી માર્ચ ૨૦૧૧ના દિવસે રમાયેલી મેચ બાદ, જેમાં સચિને સદી ફટકારી હોવા છતાં ભારત હારી ગયું હતું. મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ રસપ્રદ લેખનું ગુજરાતી ભાષાંતર, આશા છે તમને ગમશે. ]

તમે ક્યારેક કોઈ પરીક્ષામાં નાપાસ થયા હોવ એ યાદ આવે છે?તમારાં શાળા-કોલેજના મિત્રો,સગાસંબંધીઓ વગેરેમાંના કેટલાને તે યાદ છે?તમે કદાચ IIT કે IIMમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.એ કેટલાને આજે યાદ છે?તમે કેટલી વાર તમારા વર્ગના કે શાળાના કે કોલેજના કે યુનિવર્સીટીના શ્રેશ્ઠ વિદ્યાર્થી હોવાની લાગણી અનુભવી હતી?...અને તમારા વિઝા પાસ ન થયા હોય કે ગયા વર્ષે તમારું પ્રમોશન તમે ચૂકી ગયા હોવ કે પછી તમારા પિતાએ તમને જે તમારી વીસ-એકવીસની ઉંમરમાં કહેલું કે તમે સાવ નક્કામા છો અને અત્યારે તમારા બોસ પણ એ જ વાતનો પુનરોચ્ચાર કરે છે ત્યારે એ સાંભળી તમને કેવી લાગણી અનુભવાય છે?


તમારા જીવનમાં જેનું ખરું જોતા કોઈ જ મહત્વ ન હોય એવી વ્યક્તિઓ જ્યારે તમારી ટીકા કરે કે તમારી પીઠ પાછળ તમારું ઘસાતું બોલે કે તમારી મજાક ઉડાવે ત્યારે તમે સ્વપરીક્ષણની ગર્તામાં કે એકલતા અને નિરાશાના કોચલામાં સરી પડતા હોવ છો.તમે જેને પોતાના ગણતા હોવ, તેઓ જ જ્યારે તમારી વિરુદ્ધ ઉગ્ર બની તમને ન કહેવાનું કહેતા હોય ત્યારે તમે દુ:ખી થઈ જાવ છો,ભગ્નહ્રદયી બની જાવ છો,રડી પડો છો અને તમારું હૈયું આક્રંદ પોકારી ઉઠે છે.તમે કહો છો આજે મારો મૂડ ખરાબ છે.આવું ઘણી વાર બનતું હોય છે અને આવી સામાન્ય બાબતમાંથી બહાર આવી જીવનમાં આગળ વધવાનું આપણા માટે ખૂબ આકરું થઈ પડતું હોય છે. ખૂબ આકરું. બરાબર?

હવે અહિં આ એક માણસ છે જે વિશ્વકપ ક્રિકેટની એક મેચની છેલ્લી ઓવરમાં થર્ડમેન બાઉન્ડરી પર ઉભો છે.બોલરે આ મેચ જીતવા ફક્ત થોડા ધ્યાનથી 'સેન્સિબલ' બોલ નાંખવાનો છે.અને આ બાઉન્ડરી પર ઉભેલો માણસ શું જુએ છે?બોલર કોઈ જાતના ફોકસ કે આયોજન કે પસ્તાવાની લાગણી વગર ચોક્કો જાય તેવા ખરાબ બોલ નાંખે છે.બાઉન્ડરી વાળા પેલા ખેલાડીએ બધું બરાબર કર્યું હોવા છતાં ફરી એક વાર ભારત આ મેચ હારી જાય છે. પણ આ માણસ રડતો નથી.તે કોઈ જ પ્રકારની લાગણી પણ પ્રદર્શિત કરતો નથી.ફક્ત પોતાનું મસ્તક નત રાખીને મેદાન છોડે છે.તે આવી નિષ્ફળતાઓ ૨૨ વર્ષથી જોતો આવ્યો છે.અને આ નિષ્ફળતા તેનાં વર્ગનાં કેટલાક વિદ્યાર્થીઓએ જ કે ફક્ત તેના મિત્રો અને સ્નેહીસગાઓએ જ નથી જોઈ પણ આખું વિશ્વ તેનું સાક્ષી બન્યું છે.આપણે કદાચ તે વ્યક્તિના મન અને હ્રદયમાં શું ચાલી રહ્યું છે તે સમજી શકવા જેટલા પરિપક્વ નથી.આથી જ હું ક્યારેય 'સચિન' (તેંડુલકર) બનવા નથી ઇચ્છતો.

એ ખરું છે કે તેણે એકલે હાથે આપણા સમગ્ર દેશનો મૂડ અનેક વાર સુધારી નાંખ્યો છે.તેણે લાખો લોકોને સામાન્યમાંથી અસામાન્ય બનવાની પ્રેરણા આપી છે.હજારો લોકો પોતપોતાના ધંધા-વ્યવસાય કે કારકિર્દીમાં સફળ હશે પણ તેમાંથી કોઈ આ મહાન ખેલાડીની તોલે આવી શકે એમ નથી.તેની ધગશ,નિષ્ઠા અને માનસિક તાકાત બેજોડ છે.ફરી એક વાર કેટલાક ચોક્કસ લોકો ગઈ કાલે રાતે સચિનની સદી છતાં ભારતની દક્ષિણ આફ્રિકા સામે હાર થવાથી સચિન સામે હસ્યા હશે પણ આ લોકો તો છીછરા છે,વામણા છે.તેમને બીજાઓની મશ્કરી કરવા સિવાય બીજું કંઈ જ આવડતું નથી.આ લોકો કૂવામાંના દેડકા જેવા છે જેઓ માને છે કે તેમણે આખો મહસાગર જોયો છે પણ વાસ્તવમાં તેમણે પોતાની મર્યાદિત, સંકુચિત જગા સિવાય બીજું કંઈ જ જોયું નથી હોતું.

સચિન વિષે વિચાર કરો.તેની ઉંમર હાલમાં ૨૦૧૧માં ૩૭ વર્ષની છે.તે સતત છેલ્લા ૨૨ વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છે.પણ હજુ ગઈ કાલે રાતે એ જે રીતે ફિલ્ડ પર ભાગી અને કૂદી રહ્યો હતો એ ૨૨ વર્ષના જુવાનિયાને પણ શરમાવે એવું હતું.વિશ્વનો તે એક માત્ર ખેલાડી છે જેણે 'ઓપનિંગ ક્વિકીસ' રમત જોનારના શ્વાસ થંભાવી દે એટલી શ્રેષ્ઠ રીતે રમી હોય! તે દિવસે ને દિવસે પોતાની રમતમાં વધુ બહેતર થતો જાય છે.લોકો તેને અમસ્તો જ 'ક્રિકેટનો ભગવાન' નથી કહેતાં.

પણ છતાં મારે સચિન નથી બનવું.આપણે આપણું એકવિધતા ધરાવતું નિરસ જીવન સરળતાથી ટકી રહે એ માટે સંઘર્ષ કરવો પડે છે,એવું જીવન જેનાથી ખૂબ ઓછા લોકો પ્રભાવિત થાય છે.વિચાર કરો તેણે કેટલા મોટા આંતરિક સંઘર્ષમાંથી પસાર થવું પડતું હશે,શારીરિક અને માનસિક બન્ને પ્રકારની કેટલી વેદના,સમયની સાથે થીજી ગયેલાં અશ્રુઓ,ઘૂંટણ અને કોણીઓ અને શરીરના બીજા દરેકેદરેક સાંધા કાં તો પાટાપિંડી કરેલા હોય અથવા દરેક રાતે તેમાં અસહ્ય દુખાવો થતો હોય,આંખો જે દરેક મોટી રમત પહેલા સૂઈ શક્તી નથી,બેટ્સ જેણે ૯૯ ઇન્ટરનેશનલ સદીઓ ફટકારી છે અને જેની પાસે હજી અબજો લોકોને ઘણી ઘણી અપેક્ષાઓ છે.

અને એ આ બધી અપેક્ષાઓને વાસ્તવિક્તામાં ફેરવી નાંખે છે.આપણે મંત્રમુગ્ધ થઈ તેને જોઇએ છીએ,ગર્વ અનુભવીએ છીએ.પણ મને હવે થાય છે કે બસ,હવે તેની ટીમે સમજી જવું જોઇએ કે હવે બહુ થયું.તેમના માથે મોટું રૂણ છે,ફક્ત દેશ માટેનું નહિં,પણ સચીન માટે.એમણે હવે સચિન માટે થઈને જીતવાનું છે.ખાતરી રાખો કે એ પોતે તો શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે જ અને ભારત આ કપ જીતે એ માટે પોતાના તરફથી કોઈ કસર નહિં છોડે.એના માટે આ ફક્ત એક રમત નથી અને તે પોતે માત્ર એક રમતવીર નથી.એના કરતાં કંઈક વિશેષ છે.શબ્દો અહિં ઓછા પડે છે...


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment