Thursday, January 2, 2020

ભગવાનની ગણતરી

   એકવાર બે વટેમાર્ગુઓ એક મંદિર પાસે બેઠા હતા અને વાતચીત કરતા હતા. સાંજનું અંધારું ઘેરું થઈ રહ્યું હતું. વરસાદ પડવાની તૈયારીમાં હતો. ત્યાં ત્રીજી એક વ્યક્તિ ત્યાં આવી અને તેણે પૂછ્યું શું તે તેમની સાથે જોડાઈ શકે? તેમણે તેને સસ્મિત આવકાર્યો.
      તેઓ જલ્દી જ મિત્રો બની ગયા. તેમની વાતો જામી, ત્યાં અચાનક વરસાદ શરૂ થયો.  તેઓ અટવાઇ ગયા.  ત્રીજી વ્યક્તિને ભૂખ લાગી અને બીજા બેને તેણે કહ્યું, 'આપણે વાળુ કરી લેવું જોઈએ. ભૂખ લાગી છે.' બંને જણે કહ્યું તેમને પણ ભૂખ લાગી છે અને તેમણે ભેગા મળી જમી લેવું જોઈએ. પણ એક સમસ્યા ઉભી થઈ.
     પહેલા વટેમાર્ગુ પાસે ત્રણ અને બીજા પાસે પાંચ રોટલા હતાં જ્યારે ત્રીજા પાસે કંઈ નહોતું. હવે આ આઠ રોટલા તેમની વચ્ચે કઈ રીતે વહેંચવા?
     પહેલા વટેમાર્ગુએ સૂચવ્યું, 'ચાલો દરેક રોટલામાંથી ત્રણ ટુકડા કરીએ.  એટલે આપણી પાસે કુલ ચોવીસ ટુકડાઓ થઈ જશે.  પછી આપણે ત્રણે આઠ - આઠ ટુકડાઓ ખાઈ શકીશું.'
   દરેકને આ વિચાર ગમ્યો.  તેઓએ ચોવીસ ટુકડા કર્યાં અને આઠ - આઠ ટુકડાઓ ખાધા, તેમની ભૂખ સંતોષાઈ અને પછી ત્રણે આરામથી સૂઈ ગયા.
     સવારે, ત્રીજી વ્યક્તિએ પ્રથમ બે વટેમાર્ગુઓને તેમની સાથે સમય પસાર કરવા દેવા બદલ અને તેમના રોટલા પોતાની સાથે વહેંચવા બદલ તેમનો આભાર માન્યો.  ખુશી સાથે ઉપકારનો બદલો વાળવા તેણે તેમને આઠ સોનાના સિક્કા ભેટમાં આપ્યા, તે તેમની વચ્ચે વહેંચી લેવા કહ્યું અને પોતે  પોતાના માર્ગે ચાલ્યો ગયો.
     તેના ગયા પછી, પ્રથમ વટેમાર્ગુએ કહ્યું, 'આપણે બંને ચાર - ચાર સિક્કા વહેંચી લઈએ.'
    બીજા વટેમાર્ગુએ કહ્યું, 'મેં વધારે રોટલા આપ્યા હોવાથી મને વધારે સોનાના સિક્કા મળવા જોઈએ.' પહેલા વટેમાર્ગુએ આ સૂચનનો વિરોધ નોંધાવ્યો. તેઓ એકબીજા સાથે દલીલ કરવા માંડ્યા અને ધીમે ધીમે તેમની દલીલો વધતી ગઈ અને એક મોટી લડાઈમાં પરિણમી. તેઓ ન્યાય માટે ગામના મુખી પાસે ગયા.  મુખીએ કહ્યું, 'સિક્કા મારી પાસે છોડી દો અને હું વિચાર કરીશ અને આવતી કાલે ચુકાદો આપીશ.'
     રાત્રે ભગવાન મુખીના સ્વપ્નમાં આવ્યા અને તેમણે તેને પૂછ્યું કે તે સવારે શું ન્યાય આપવાનો છે? મુખીએ કહ્યું, 'બીજા વટેમાર્ગુએ પાંચ રોટલા વહેંચ્યા હોવાથી તેને વધુ સિક્કા આપવાની દલીલ મને તાર્કિક લાગે છે.પણ કોને કેટલા સિક્કા મળવા જોઈએ એ અંગે હું હજી મૂંઝવણમાં છું. '
    ભગવાન હસી પડ્યા અને કહ્યું, ‘તે તેમના મુદ્દાનું કાળજીપૂર્વક વિશ્લેષણ કર્યું નથી’.
      ભગવાન સમજાવે છે, 'મારા ન્યાય મુજબ, પ્રથમ વટેમાર્ગુને ફક્ત એક સોનાનો સિક્કો મળવો જોઇએ અને બીજા વટેમાર્ગુને સાત સોનાના સિક્કા મળવા જોઈએ.'
 મુખીને આશ્ચર્ય થયું.
 ભગવાને સમજાવ્યું, 'પહેલા વટેમાર્ગુએ તેના ત્રણ રોટલામાંથી નવ ટુકડાઓ બનાવ્યા, પરંતુ તેણે આઠ ટુકડાઓ જાતે જ ખાધા અને ફક્ત એક ટુકડો વહેંચ્યો. બીજા વટેમાર્ગુએ પંદર ટુકડા કર્યા અને વહેંચવા માટે સાત ટુકડા આપ્યા.  આથી પહેલાને એક અને બીજાને સાત સોનાના સિક્કા એ મારી ગણતરી અને મારો ન્યાય છે.'
 બીજા દિવસે, મુખીએ તે મુજબ ન્યાય આપ્યો અને તર્ક સમજાવ્યો. બધાંને એ ન્યાયી અને સ્વીકાર્ય લાગ્યો.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment