Saturday, January 25, 2020

બ્રહ્માંડના મેનેજરને સઘળી ચિંતાઓ સોંપી દો



     હું સુપરમાર્કેટમાં ખરીદી કરતા ચાલી રહ્યો હતો ત્યાં અચાનક કંઈક પડવાનો - તૂટવાનો મોટો અવાજ આવ્યો. હું અવાજ જ્યાંથી આવ્યો હતો એ તરફ ગયો તો ત્યાં જોવા મળ્યું કે એક વૃદ્ધ સ્ત્રી સંતુલન ચૂકી જતા તેની સામાનની ટ્રોલી સાથે એક કાચના વાસણોના શેલ્ફ સાથે અથડાઈ હતી અને લોકો તેની આસપાસ ભેળા થયા હતાં. વૃદ્ધ સ્ત્રીથી ઘણાં કાચના વાસણ તૂટી ગયા હતાં. છોભિલી પડી ગયેલી એ વૃદ્ધ સ્ત્રી વાંકી વળી તૂટેલા કાચના વાસણોનાં ટુકડા ભેગા કરી રહી હતી. તેનો પતિ એ બધા તૂટેલા કાચના વાસણો પરના ભાવના ટેગ્‌સ વાંચી જીવ બાળતા કહી રહ્યો હતો, "આ બધું નુકસાન આપણે ભરપાઇ કરવું પડશે." કેટલું ગમગીની ભર્યું દ્રશ્ય હતું એ!
    કોઈક સાથે આ દુર્ઘટના ઘટી હતી પણ લોકો ટોળે વળી જાણે તમાશો જોતા હતાં. હું આ વૃદ્ધ દંપતિ પાસે ગયો અને વાંકા વળી મેં તેમને મદદ કરવા માંડી. આ જોઈ અન્ય એક યુવાન પણ ત્યાં આવ્યો અને તેણે પણ તૂટેલા કાચના ટુકડા ભેગા કરી ઉપાડતા કહ્યું," માજી, તમે છોડી દો, અમે આ બધું ઉપાડી લઈશું. તમે નજીક દવાખાનું આવેલું છે ત્યાં જઈ તમારા હાથમાં કાચ વાગવાથી જખમ પડ્યો છે, તેની સારવાર કરાવી લો."
    વૃદ્ધાએ કહ્યું, "પણ મારે આ બધા નુકસાનની ભરપાઈ કરવી પડશે."
    એ યુવાને કહ્યું, "ના મેડમ, હું જ અહીંનો મેનેજર છું. અમે આ બધા કાચના સામાનનો વીમો કઢાવેલો છે. આથી તમારે એ માટે કંઈ ચૂકવવાનું નથી. તમે જલ્દીથી જઈ સૌ પહેલા સારવાર કરાવી લો. "
    હવે તમે આંખ બંધ કરી વિચારો કે ભગવાન તમારા માટે આમ કરી રહ્યા છે. તે તમારા ભગ્ન હ્રદયના અને તમારી ભૂલો ને કારણે કે અન્ય કારણોસર જિંદગીએ તમને જે ફટકા આપ્યા છે તેના દ્વારા વેરાયેલા ટુકડા ભેગા કરી રહ્યા છે. એ એક ડગલું આગળ વધી તમારા જખમો રૂઝવવાનું કામ પણ કરશે અને તમારા પાપો અને ક્ષતિઓ માફ કરી દેશે.
બસ આના માટે શરત એટલી છે કે તમારે ભગવાનને તમારા મસીહા તરીકે સ્વીકારવાના છે, સઘળું તેને ભરોસે મૂકી દેવાનું છે. પછી બ્રહ્માંડના મેનેજર એવા એ ભગવાન તમને કહેશે, "તમારે કંઈ ચૂકવવાનું નથી, તમારા માર્ગે જવા તમે મુકત છો! “

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment