Saturday, October 26, 2019

બ્રાહ્મણના પુત્રની ચતુરાઈ

      એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેની વિચક્ષણ બુદ્ધિપ્રતિભાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી. એક વાર ત્યાંના રાજાએ તેને ચર્ચા વિચારણા માટે પોતાની સભામાં બોલાવ્યો. ઘણાં લાંબા સમય સુધી ચાલેલી ચર્ચા બાદ રાજાએ કહ્યું, "મહાશય, આપ અતિ જ્ઞાની છો, આટલા ભણેલા-ગણેલા છો તો પછી આપનો પુત્ર આટલો બધો મૂર્ખ કેમ છે? એને પણ કઇંક શીખવો.એને તો સોના - ચાંદીમાં કોનું મૂલ્ય વધારે એ વિશે પણ ગતાગમ નથી." એમ કહી રાજા જોરજોરથી હસવા લાગ્યો.
     બ્રાહ્મણને ખરાબ લાગ્યું. તેણે ઘેર જઈ પુત્રને પૂછ્યું, "સોના અને ચાંદીમાં કોનું મૂલ્ય વધારે? “
એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર પુત્રે જવાબ આપ્યો," સોનાનું."
"તું આ જાણે તો છે, તો પછી રાજાએ બધા વચ્ચે આ અંગે મારી ઠેકડી કેમ ઉડાડી? “
      પુત્રને આનું કારણ સમજાઈ ગયું. તે બોલ્યો, "રાજા ગામ પાસે એક ખુલ્લો દરબાર ગોઠવે છે, જેમાં ઘણી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામેલ થાય છે. એ દરબાર મારી શાળાએ જતાં માર્ગમાં આવે છે. મને જોઈ તેઓ મને બોલાવે છે અને એક હાથમાં સોનાનો અને બીજા હાથમાં ચાંદીનો સિક્કો રાખી જે અધિક મૂલ્યવાન હોય તે મને લઈ લેવા કહે છે. હું ચાંદીનો સિક્કો લઈ લઉં છું. બધાં ખડખડાટ હસે છે અને આ ઘટનાની મજા લૂંટે છે. આવું લગભગ દર બીજે દિવસે બને છે. "
     "તો પછી તું સોનાનો સિક્કો કેમ લઈ નથી લેતો? ચાર જણ વચ્ચે પોતાની જાત સાથે મારો પણ ફજેતો કરાવે છે?" બ્રાહ્મણે પુત્રને પ્રશ્ન કરતા કહ્યું.
     પુત્ર હસીને બ્રાહ્મણને અંદરના કક્ષમાં લઈ ગયો અને તેણે કબાટમાંથી એક ચાંદીના સિક્કાથી ભરેલી સંદૂક કાઢી પિતાને બતાવી. એ જોઈ બ્રાહ્મણ તો હતપ્રભ બની ગયો.
પુત્રે તેને કહ્યું," જે દિવસે હું સોનાનો સિક્કો ઉપાડીશ, તે દિવસથી આ ખેલ બંધ થઈ જશે. એ લોકો મને મૂર્ખ સમજી મજા લઈ રહ્યા હોય તો ભલે લે, જો હું બુદ્ધિમાન સાબિત થઈશ તો મને કંઈ નહીં મળે. હું આપ જેવા ચતુર બ્રાહ્મણનો પુત્ર છું અને તેથી અક્કલથી કામ લઉં છું."
     મૂર્ખ હોવું અલગ વાત છે અને મૂર્ખ ગણાવું અલગ.
     સ્વર્ણિમ મોકાનો ફાયદો ઉઠાવવાને બદલે સારું છે દરેક મોકા ને સુવર્ણમાં ફેરવી નાખવાનું.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment