Tuesday, October 15, 2019

શ્રાદ્ધ

   અચાનક મેં કાર ને બ્રેક મારી. મારાથી બૂમ પડાઈ ગઈ, "ઓ દાદા... રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો?આવી રીતે રોડ ક્રોસ થાય ?"
અચાનક બ્રેકના મોટા અવાજ માત્રથી દાદા નીચે પડી ગયા.

     હું ગાડીમાંથી બહાર આવ્યો.દાદાનો હાથ પકડ્યો. દાદાનો હાથ ગરમ. ગળેને માથે હાથ મૂક્યો, એ પણ એકદમ ગરમ. દાદા તાવથી ધ્રુજતા હતા.મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો. મેં દાદાનો હાથ પકડી તેમને કારમાં બેસાડ્યા.
      "દાદા આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો? અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવારના કોઈ સભ્યનો નંબર આપો.હું તેને દવાખાને બોલાવી લઉં.“

       દાદા ભીની આંખે મારી સામે જોતા રહ્યા.
મેં કહ્યું, "દાદા, એકલા રહો છો ?"

"હા." તે એટલું જ બોલ્યા.

"પરિવારમાં કોઈ...?"

"કોઈ નથી.પત્ની હતી પણ વર્ષ પહેલાં..." આકાશ સામે હાથ કરી એ બોલ્યા.

       હું તેમને અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટર મારી સાથે દાદાને જોઈ બોલ્યા,"પંડ્યા દાદા, આરામ કરવાનું કહેલું ને? ફરીથી એકલા બહાર નીકળ્યા?“

મેં ડૉક્ટર સામે જોઈ પૂછ્યું, "તમે ઓળખો છો દાદાને ?"

"હા.. સારી રીતે. હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આ તો અમારા પંડ્યાદાદા છે."

ડૉક્ટર દાદાનો તાવ માપી કહ્યું,"દાદાની ઉંમર પ્રમાણે દાખલ કરવા હિતાવહ લાગે છે."

"પણ કોઈને પૂછ્યા વગર?" મેં પ્રશ્ન કર્યો.
ડૉક્ટર તેમની રૂમમાં મને અંદર લઈ ગયા અને કહ્યું, "દીકરો વહુ છે, પણ તેમનાથી જુદા થઈ ગયા છે.દાદા ને ગાંઠિયા બહુ ભાવે છે.દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં.ઝાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે. ઘડપણ છે, જુદું જુદું ખાવાની ઈચ્છા પણ થાય. દાદાને અઠવાડીયામાં બે વખત ગાંઠિયા જોઇએ જ. એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા. ત્યાં સુધી વાંધો ન હતો. એક દિવસ દીકરો વહુ બોલ્યા તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દો." દાદાએ કહ્યું, "હું મરી જાઉ પછી મિલકત તમારી જ છે મારા જીવતા એ નહીં બને."

દીકરો કહે,"કેમ ના બને ?"

દાદા કહે,"તું નોકરી એ લાગ્યો. લગ્ન કર્યા. ભણાવીને તૈયાર અમે કર્યો.અત્યારે પગાર મારા ખાતામાં જમા કરાવે છે કે તારા ખાતા માં ?
રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે ?  કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી માઁ માટે સાડી લાવ્યો ? જો તું બધું તારા પરિવારનું વિચારતો હોય તો મારે પણ મારું કેમ ન વિચારવું ?"

બસ, આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા. એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા. દાદા એકલા પડી ગયા. આમ તો હું કોઈ ના ઘરે વિઝીટ પર નથી જતો, પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો કારણ કે તમણે  મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો.

ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા," દાદા, ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા?"
દાદા આવા તાવમાં પણ હસી પડ્યા.

હું બાજુમાં ગયો. માથે હાથ ફેરવી પૂછ્યું, "પછી ગાંઠિયા ખાધા કે નહીં ? ગાંઠિયાનો તાવ હોય તો કહો હું લઈ આપું."

દાદાએ મારો હાથ પકડી કહ્યું," બેટા ૧૦૦ ગ્રામ... "

મેં ડોક્ટર સામે જોયું. ડોક્ટર સાહેબે હસીને મને હા પાડી.એમણે દાદા ને અંદરના રૂમમાં સુવાડી ઇંજેકશન આપ્યું અને કહ્યું," આરામ કરો, ત્યાં સુધીમાં પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવશે."

હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો. ગાંઠિયા લઈને  પાછો આવ્યો. ડોક્ટર મારી રાહ જોતા હતા.એ બોલ્યા," પ્રતિકભાઈ, આપણે સહેજ મોડા પડ્યા."

મેં કહ્યું, "કેમ શુ થયું..?"
તેમણે જણાવ્યું, "દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા."
મારા હાથમાંથી ગાંઠિયાનું પેકેટ નીચે પડી ગયું.

ફક્ત એક કલાકના અજાણ્યા સંબંધો હતા છતાં પણ હું મારા આંસુ ને રોકી શક્યો નહીં.
મા-બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય, એ સંતાનો આવી રીતે  ઘડપણમાં તેમને કઈ રીતે તરછોડી શકતા હશે?

મેં ઑફિસે ફોન કરીને કહ્યું,"આજે મારા દાદાનું શ્રાદ્ધ છે.હું ઑફિસે નહીં આવી શકું."

ડોક્ટર સાહેબ બોલ્યા, "ભાઈ પ્રતિક, તે એક માનવતાનું કામ કર્યું છે.આજે મારૂ દવાખાનું પણ દાદાના માનમાં બંધ રહેશે."

ડોક્ટર સાહેબ બોલ્યા,"પ્રતિક, તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી. તેમના પુત્રનો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે તેને જાણ કરી દઈએ."

અગત્યની વાત એ છે દાદા એ તેમના વકીલનો નંબર ડોક્ટર સાહેબને આપીને ગયા હતા અને કહ્યું હતું," મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે તે ઈચ્છા પૂરી કરવાની જવાબદારી ડૉકટર સાહેબ તમારી છે. મારા મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે. દાદાના વિલ પ્રમાણે તેમની મિલકત નો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચાની દુકાન ખોલવી ત્યાં રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિને મફત મા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી. ગાંઠિયાની દુકાનનું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.
બાકી ના ૨૫% રકમમાંથી ગરીબ વ્યક્તિઓ ને તમારે  દવા આપવી."

મેં કહ્યું , "વાહ દાદા! વાહ!
આનું નામ સાચું દાન. મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમોને રૂપિયાની જરૂર નથી, જરૂર સમાજને છે. આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં, જીવતા સાચવો. સ્વર્ગ માં કોઈ ટિફિન વ્યવસ્થા નથી.
મરતી વખતે ગંગા જળની કોઈ જરૂર તેઓ ને નથી, ઘરડી વ્યક્તિઓને ભાવતી વસ્તુ તેમના જીવતા આપો એટલે એ તૃપ્ત થઇ જશે."

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment