Saturday, May 25, 2019

તમારા ઘરને ફેંગશૂઈની જરૂર છે?

      સહદેવે પોતાના વ્યવસાયમાં કાઠુ કાઢ્યું અને કમાયેલા નાણાં યોગ્ય રીતે રોકવા લંડન ખાતે જમીનનો એક ટુકડો ખરીદી તેના પર ત્રણ માળનો બંગલો બંધાવ્યો. તેના બંગલામાં સ્વિમિંગ પૂલ પણ હતો અને બગીચો પણ! તેના બંગલાના પ્રાંગણમાં ૧૦૦ વર્ષ જૂનું એક લીચીનું ઝાડ હતું. ખરું જુઓ તો આ જમીન ખરીદી ત્યાં બંગલો બંધાવવાનું મૂળ કારણ આ લીચી નું ઝાડ જ હતું. તેની પત્નીને લીચીઓ ખૂબ ભાવતી હતી.
      બંગલો બંધાવતી વખતે તેના એક મિત્રે સૂચન કર્યું કે તેણે સાવચેતી રૂપે કોઈક ફેંગશૂઈ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. હવે આમ તો તે ફેંગશૂઈ વગેરેમાં વિશ્વાસ ધરાવતો નહોતો પણ ખબર નહીં કેમ આ વખતે તેણે હ્રદયની વાત સાંભળી મિત્રની સલાહને અનુસરતા ખાસ હોંગકોંગના એક ફેંગશૂઈ નિષ્ણાતની સલાહ લેવાનું નક્કી કર્યું. આ નિષ્ણાત એટલે ફેંગશૂઈ વર્તુળમાં સારી એવી ખ્યાતિ અને એ ક્ષેત્રે ત્રણ દાયકાનો અનુભવ ધરાવતા માસ્ટર કાઓ. તેમને લેવા સહદેવ પોતે ગયો અને તેમણે સાથે શહેરમાં બપોરનું ભોજન લીધું અને પછી તેઓ લંડન જવા રવાના થયા. તે પોતે સોનાનું હ્રદય ધરાવતો હતો અને તે ડૉ. કાઓને પોતે ગાડી હંકારી તેના બંગલે લઈ આવ્યો. માર્ગમાં જો કોઈ ગાડી તેમની ગાડીને ઓવર ટેક કરવા જાય તો તે સસ્મિત એ બધી ગાડીઓને એમ કરવા દેતો.
    ડૉ. કાઓએ હસતા હસતા કહ્યું, "તમારું ડ્રાઇવિંગ અતિ સુરક્ષિત છે! ". સહદેવે આ ટિપ્પણી પર હસતા હસતા જવાબ આપ્યો, "મોટે ભાગે જે લોકો ઓવર ટેક કરતા હોય છે, તેમને કોઈક અતિ જરૂરી બાબત સાથે નિપટવાની ઉતાવળ હોય છે તો તેમની વચ્ચે આવવું જોઈએ નહીં."
ઘર નજીક આવતા શેરી સાંકડી થઈ અને સહદેવે ગાડીની ઝડપ ઓછી કરી નાખી.
    ત્યાં અચાનક એક હસતું રમતું બાળક ગલીમાં ક્યાંકથી સામે આવી ચડયું અને ગાડીની સમાંતરે દોડવા માંડ્યું. સહદેવે ગાડીની ઝડપ ઓછી કરી નાખી. એણે કોઈની રાહ જોઈ રહ્યો હોય એમ ગલીની એક તરફ જોયા કર્યું. ત્યાં તો કોણ જાણે ક્યાંથી બીજું એક બાળક આવી પેલા પહેલા દોડી રહેલા બાળકની પાછળ દોડવા માંડ્યું.
     ફેંગશૂઈ  માસ્ટર નવાઈ પામ્યા અને તેમણે સહદેવને પૂછ્યું, "તમને કઈ રીતે જાણ થઈ કે બીજું બાળક પણ આ પહેલા બાળકને અનુસરવાનું છે?"
સહદેવે સહજતાથી કહ્યું, "બાળકો હંમેશા એકબીજાની સાથે રમતાં હોય છે. પેલો પહેલો છોકરો કોઈ સાથીની સોબત વગર આટલા ગેલમાં હોઈ જ ન શકે!"
    ડૉ કાઓ આ સાંભળી સહદેવને હસતા હસતા શાબાશી આપી કહી રહ્યાં, "તમારી અન્યો વિશે વિચારવાની ભાવનાને સલામ!"
     બંગલે પહોંચતા જેઓ તેવા ગાડીમાંથી ઉતર્યા કે ત્યાં જ બંગલાના બાગમાંથી અચાનક સાત - આઠ પંખીઓ ઉડી આવ્યાં. આ જોઈ સહદેવે માસ્ટર કાઓ ને પૂછ્યું ," જો તમને વાંધો ન હોય તો અહીં બે - પાંચ મિનિટ રોકાશો? " પછી જવાબની રાહ જોયા વગર પોતે જ ઉમેર્યું, "બાગમાં કદાચ થોડાં બાળકો લીચીના ઝાડ પરથી લીચી તોડી રહ્યાં છે. જો આપણે અત્યારે જ ત્યાં જઈ પહોંચીશું તો તેઓ ડરી જશે અને કદાચ ઝાડ પર ચડ્યા હશે તો રઘવાટ માં તેમાંનું એકાદ બાળક ઝાડ પરથી નીચે પડી જવાનો ભય પણ છે. "
    ડૉ કાઓ થોડી વાર શાંત થઈ ગયા અને પછી તેમણે કહ્યું "આ બંગલામાં ફેંગશૂઈની જરૂર જ નથી. જે જગાએ તમારા જેવા સજ્જન ની હાજરી હોય તે જગા કુદરતી રીતે સૌથી પવિત્ર ફેંગશૂઈ  વાળી આપોઆપ બની રહે છે.
જ્યારે આપણું મન બીજાઓનાં સુખ શાંતિ ને પોતાના અંગત સુખ શાંતિ કરતા વધુ પ્રાધાન્ય આપે છે ત્યારે તેનો ફાયદો એ બીજાઓને જ નહીં પરંતુ આપણને પોતાને પણ થતો હોય છે.
    જ્યારે કોઈ વ્યક્તિ દરેકે દરેક સંજોગોમાં અન્યો અંગે વિચારે ત્યારે તે વ્યક્તિએ અજાણતા સંતત્વ ધારણ કરી લીધું હોય છે. સંત ખરું જુઓ તો અન્યોના ભલા વિશે વિચારીને જ સંતત્વ પામ્યાં હોય છે.
    તમારું ઘર પણ એવું બની રહે કે તેને કોઈ ફેંગશૂઈ નિષ્ણાતની જરૂર ન રહે...

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment