Sunday, May 12, 2019

આદર્શ માતા કે આનંદી માતા? - મધર્સ ડે સ્પેશિયલ

        મને તમારાં વિશે તો ખ્યાલ નથી પણ આ મારી વાત છે, જે મારા ધ્યાનમાં આવી છે. હું એક પૂર્ણ સમય ઘરમાં રહેનારી માતા છું - ફૂલ ટાઇમ સ્ટે એટ હોમ મોમ. મારા મિત્રો મને સુપર મોમ કહે છે. મારું બાળક ઓલ રાઉંડર બને એનું હું ધ્યાન રાખું છું. તે ભણવામાં અવ્વલ આવે છે, ડ્રામા, ડાંસ, સ્પોર્ટ્સ, વકતૃત્વ અને કંઈ કેટલું ય - એ બધામાં તે આગળ છે! તેના ખોરાક પ્રત્યે પણ હું વધુ પડતી સભાન છું. તેને સારામાં સારું આરોગ્યપ્રદ હોય એવું જ ખાવાનું આપવા હું પોતે વધુ પડતી તાણ અનુભવું છું.
     તેના માટે જ હું એકડે એકથી એકઝોટીક ફૂડ બેક કરતાં અને રાંધતા શીખી છું. લગ્ન પહેલાં તો મને માત્ર ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવતાં આવડતું. મારા પુત્રને મારા હાથે બનાવેલું ખાવાનું ખૂબ ભાવે છે અને રોજ તે રીસેસમાં મમ્મીએ ટિફિન બૉક્સમાં શી સરપ્રાઇઝ આઇટમ મૂકી હશે તેની રાહ જોતો હોય છે!
     હું મારા બાળકની દરેક પ્રવૃતિઓ પર ધ્યાન આપતી રહું છું અને કદાચ તેની ધોરણ ૮ ની સમાજ-વિજ્ઞાનની ટીચર કરતાં વધુ જ્ઞાન મને હશે! હું પોતે ડ્રાઇવ કરીને તેને તેનાં દરેક પ્રવૃતિના વર્ગોમાં મૂકવા જાઉં છું અને જ્યારે તે કોઈક સ્પર્ધામાં જીતે ત્યારે હું તેને લાડ લડાવી બગાડું છું!
    પણ જેમ જેમ મારો પુત્ર મોટો થતો ગયો છે તેમ તેમ આદર્શ મોમ બનવાની લ્હાયમાં હું ક્યાંક આનંદી મોમ બનવાનું ભૂલી ગઈ છું. એ સમય સાથે પરિવર્તન પામતો ગયો છે, પણ હું નહીં. મારો એ પુત્ર જે એક સમયે મારી પૂજા કરતો હતો, ચિડાવા અને બળવો પોકારવા માંડ્યો છે. મેં આ સમસ્યાના સમાધાન માટે અજ્ઞાત રહી એક હેલ્પલાઇનની મદદ લેવાની પણ કોશિશ કરી, પણ એનાથી કંઈ વળ્યું નથી.
    થોડા દિવસ અગાઉ ગુસ્સામાં મેં એની પર હાથ ઉગામ્યો અને ત્યારે એણે મને પ્રતિભાવમાં જે રીતે ઘૂરી એ જોઈને હું ડઘાઈ ગઈ. એ આઘાત પામ્યો, ગુસ્સે થયો અને નિરાશ થયો. તેની આંખો આંસુ અને નફરતથી ભરાઈ ગઈ. તેણે મારી સાથે બોલવું બંધ કરી દીધું. એ રાતે તે મને ગુડ નાઇટ કીસ આપ્યા વગર જ સૂઈ ગયો.  પહેલાં એ બસમાં સ્કૂલે જતો હોય તો બસમાંથી હું દેખાવાની બંધ થઈ જાઉં ત્યાં સુધી હાથ હલાવી આવજો કરતો, પણ બીજે દિવસે તેણે સ્કૂલે જતાં મને આવજો કર્યું નહીં
તેના ગયા પછી હું ખૂબ રડી. પણ હું વિચારે ચડી. આ મારા માટે બ્રેક પોઇન્ટ હતો.
    મને ખ્યાલ આવ્યો કે મેં તેની સાથે સંવાદ સાધવાનું બંધ કરી દીધું હતું. હું માત્ર તેને ફલાણું કર - ઢીંકણું કર,ક્લાસ માટે તૈયાર થઈ જા, ભણવા બેસ વગેરે કહી આદેશો આપ્યા કરતી. તેના માર્કસ ઓછા આવે ત્યારે હું ખીજાઈ જતી. મેં તેને દિવસ કેવો ગયો, તે કેવું અનુભવે છે, શું વિચારે છે એ બધું પૂછવાનું જ બંધ કરી દીધું હતું. મેં તેને સુવડાવવાનું બંધ કરી દીધું હતું, હું તેને કેટલો પ્રેમ કરું છું એ વ્યક્ત કરવાનું બંધ કરી દીધું હતું.હું તેને ઝટપટ ઉંઘાડી દેતી, જેથી તેનો બીજા દિવસનો ડબ્બો તૈયાર કરી શકું. તે ડબ્બો ખોલી સરપ્રાઇઝ પામવો જોઈએને ?
     એ દિવસે આ બધું વિચારતા મેં ઉંડો શ્વાસ લીધો. એ સ્કૂલેથી પાછો ફર્યો ત્યારે મેં સરસ આનંદી સ્મિત સાથે તેને આવકાર્યો. તેના માટે મેં તેનો મનપસંદ નાસ્તો બનાવ્યો અને એ તેણે ખાધો ત્યારે મેં રસપૂર્વક તેની સાથે વાતચીત કરી. હું એ દિવસે તેને ટ્યૂશન માં લઈ ગઈ ત્યારે રસ્તામાં ડ્રાઇવ કરતી વખતે પણ મેં તેની સાથે વાર્તાલાપ કર્યો. એ રાતે જમ્યો ત્યારે પણ મેં તેની સાથે વાતચીતનો દોર જાળવી રાખ્યો.
એ સૂવા ગયો ત્યારે પણ મેં તેની સાથે વાત માંડી. મેં તેને 'બિગ બોય' તરીકે ટ્રીટ ન કરવા બદલ તેની માફી માંગી. આ બધું હું બોલી રહી હતી એ દરમ્યાન તે મૂક બની સાંભળી રહ્યો હતો. પણ હવે એ બોલ્યો.
    તેણે કહ્યું, "મમ્મી મને ખબર છે કે તું મારા માટે કેટલી મહેનત કરે છે. પણ તું માનીશ, તું જ્યારે મારી સાથે વાત કરે છે ને ત્યારે મને એ સૌથી વધારે ગમે છે. મારા માટે દર વખતે કઇંક નવું રાંધવાની મથામણ ને કારણે તું મારી સાથે વાત કરવાનું ચૂકી જતી હોય તો એ રાંધવાનું મૂકી દે. પણ મારી સાથે વાત કર. "
મુદ્દો આ છે : તેમના માટે સમય કાઢો, તેમની સાથે વાત કરો. તમે એમના માટે શું ખરીદ્યું એ તેમને યાદ રહેશે નહીં. બાળકોને અહમ્ હોતો નથી. તમારી ભૂલ થાય તો તેમની માફી માંગી લો. તેમને પ્રશંસાના શબ્દો કહેતા રહો, તેમને કહેતા રહો કે તમે તેમને કેટલું ચાહો છો. તેમને સતત તમારા તરફથી કંઈક સાંભળતા રહેવાની ખેવના હોય છે. આજની પેઢીના બાળકો જુદાં છે અને તેમની સામે જૂની પરંપરાગત પેરેન્ટીંગ પદ્ધતિઓ ચાલશે નહીં.
     પેલા દિવસ પછી મારા ઘરમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હવે મારા ઘરમાં વધુ શાંતિ છે. મારો પુત્ર હું તેને જે કહું તે સાંભળે છે, મારું બધું કહ્યું માને છે. એ પોતે પણ મને વધુ શાંત અને પાકટ થઈ ગયો હોય એવું લાગે છે. આપણે સૌ માતાપિતા આ જ નથી ઇચ્છતા? આદર્શ માતા કરતા આનંદી માતા હોવું વધારે અગત્યનું છે.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment