Sunday, May 12, 2019

સાત ટૂંકી વાર્તાઓ

માઇક્રોસોફ્ટના સી. ઈ. ઓ. સત્યા નાદેલા દ્વારા શેર કરાયેલી સાત ટૂંકી વાર્તાઓ

પાછું વળી જોતાં...
     મારા સાઇકોલોજીના વર્ગના એક રિસર્ચ પેપર પર કામ કરતી વેળાએ મેં મારા દાદીનો ઇન્ટરવ્યૂ લીધો. મેં તેમને તેમના પોતાના શબ્દોમાં સફળતાની વ્યાખ્યા કરવા કહ્યું. તેમણે જવાબ આપ્યો," સફળતા એ છે જ્યારે તમે તમારા જીવનમાં ડોકિયું કરો અને પાછલી સ્મૃતિઓ તમારા ચહેરા પર સ્મિત લઈ આવે."

પ્રેમ વેદના અતિક્રમી જાય છે
મેં મારા પાળેલા કૂતરાને ગાડી નીચે કચડાઈ જતાં જોયો. હું તેની બાજુમાં બેસી પડ્યો, મેં તેને ખોળામાં લીધો અને રડવું શરૂ કર્યું. પણ તેણે મૃત્યુ પામતા પહેલા મારા ચહેરા પરથી આંસુ ચાટી સાફ કરી દીધા.

સાથ
મારા પિતા, ત્રણ ભાઇઓ અને અમે બે બહેનો મારી માતાના હોસ્પિટલના ખાટલાની આજુબાજુ વીંટળાઈ વળ્યા ત્યારે તે અસ્ફૂટ શબ્દો માં બોલી, "હું અત્યારે કેટલો બધો પ્રેમ પ્રાપ્ત કર્યાનું અનુભવી રહી છું! કાશ, આપણે સૌ આ પહેલા પણ આ જ રીતે સાથે વારંવાર મળ્યાં હોત! “

સ્નેહ... થોડો મોડો?
મારા પિતાના કપાળે મેં ચુંબન કર્યું જ્યારે તે નાનકડી એવી એક હોસ્પિટલના બિછાનેથી પરમધામે પ્રયાણ કરી ચૂક્યા હતા. થોડા સમય બાદ મને ખ્યાલ આવ્યો કે નાના બાળક તરીકે મેં મારા પિતાને આપેલ પપ્પી બાદનું વર્ષોના વ્હાણા બાદનું એ પ્રથમ અને અંતિમ ચુંબન હતું.

હર્ષ
જ્યારે મેં ૨૭ વર્ષની એ કેન્સર પીડિતાને તેની બે વર્ષની દીકરીના ગતકડાં પર મન મૂકીને ખડખડાટ હસતા જોઈ ત્યારે અચાનક મને અહેસાસ થયો કે મારે મારા જીવનમાં ફરિયાદો કરવાનું બંધ કરી દઈ નાની નાની ખુશીઓની ઉજવણી કરતા શીખવું જોઈએ.

ઉદારતા
વ્હીલચેરમાં બેઠેલા એક છોકરાએ મને મારા ભાગેલા પગ અને કાખઘોડીની મદદથી હવાતિયા મારતા જોયો અને તેણે મને મારી ખભે ભરાવવાની બેગ અને પુસ્તકો ઉપાડી લેવાની મદદની તૈયારી બતાવી. આખા કેમ્પસ દરમિયાન તેણે મારું આ વજન ઉંચકી મારા વર્ગ સુધી પહોંચી જાઉં ત્યાં સુધી મને સંગાથ આપ્યો. જતાં જતાં કહ્યું, "જલ્દીજ તમારો પગ સારો થઈ જાય એવી શુભેચ્છા!"

વહેંચીને ખાવું
હું કેન્યામાં પ્રવાસ કરી રહ્યો હતો. ત્યાં મને ઝિમ્બાબ્વેનો એક શરણાર્થી મળ્યો. તેણે કહ્યું છેલ્લા ત્રણ દિવસથી તેણે કંઈ ખાધું નહોતું. તે અતિ દુર્બળ અને માંદો દેખાતો હતો. મારા મિત્રે તેને અડધી ખાઈ લીધેલી સેન્ડવિચ આપી ત્યારે તેણે સૌ પ્રથમ કહ્યું, "આપણે એ વહેંચીને ખાઈએ."

જીવન આભારવશતાની લાગણી સાથે જીવો...

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment