Monday, January 21, 2019

આપણાં જીવનમાં ગુરૂની જરૂર શા માટે છે?

          એક વાર એક ગાય જંગલમાં ચરવા ગઈ. અચાનક તેણે એક વાઘને પોતાના તરફ ધસતા દીઠો. તેણે ઝડપથી પોતાની દિશા બદલી અને ભાગવા માંડયું. તેને એવો ભય સતાવવા માંડ્યો કે કોઈ પણ ઘડીએ વાઘ તેના પર તરાપ મારી તેના નહોર પોતાના શરીરમાં ઘૂસાડી દેશે. તેણે હાંફળાફાંફળા થઈ બચવા માટે કોઈ સુરક્ષિત જગા શોધવા નજર દોડાવી અને ભાગતા ભાગતા છેવટે તેની નજર એક છીછરા તળાવ પર પડી. વાઘ સાવ નજીક આવી ગયો હોવાને લીધે હવે વધુ કંઈ વિચાર્યા વગર તેણે પાણીમાં છલાંગ લગાવી. પીછો કરતા કરતા વાઘે પણ તેની પાછળ આંધળુકીયું કરી કૂદકો માર્યો.
        બંનેના આશ્ચર્ય વચ્ચે તળાવનું પાણી ભલે છીછરું હતું પણ તેમાં કાદવના પડળ પર પડળ હતાં. વાઘે ગાય પર તરાપ તો મારી પણ બંને વચ્ચે થોડું અંતર રહી ગયું અને બંને ગળા સુધી કાદવ માં ફસડાઈ પડયાં. બંનેનાં માથાં પાણીની બહાર હતાં પણ આખું બાકીનું શરીર કાદવમાં બૂરી રીતે ફસાયેલું હતું. તેમણે કાદવમાંથી છૂટવા ખૂબ હવાતિયા માર્યાં પણ તેઓ એમાં વધુ ને વધુ ફસાતા ચાલ્યાં.
      આ સ્થિતીમાં પણ વાઘ વારંવાર ગાય તરફ ઘૂરકિયા કરી કહેવાનું ચૂકતો નહોતો, "હું તને ફાડી ખાઈશ. "
       ગુસ્સામાં તે ધૂંઆપૂંઆ થઈ ગયો પણ તેનું કંઈ ચાલ્યું નહીં.
       ગાયે વાઘને મુક્ત થવા હવાતિયા મારતો જોઈ વિચારશીલ થઈ હસતાં હસતાં પૂછ્યું, "શું તારો કોઈ માલિક છે?"
      વાઘે તિરસ્કાર પૂર્વક ઉત્તર આપ્યો, "હું જંગલનો રાજા છું. તું મને શા માટે પૂછે છે કે મારો કોઈ માલિક છે કે નહીં?હું પોતે જ મારો માલિક છું!"
        ગાયે કહ્યું," તું ભલે જંગલનો રાજા રહ્યો પણ આજે આ પરિસ્થિતિમાં તારી બધી તાકાત પણ તારો જીવ બચાવી શકશે નહીં."
       વાઘે સામો પ્રશ્ન કર્યો, "અને તારું શું થશે?તું યે અહીં કાદવમાં જ મરી જશે!"
        ગાયે સસ્મિત મર્માળું હસતાં કહ્યું, "ના, એવું નહીં બને. "
        "જો હું જંગલનો રાજા પણ આ કાદવમાંથી મારી જાતને બચાવી શકવાનો ન હોઉં તો તું એક તુચ્છ ગાય કઈ રીતે બચી શકવાની છે?"
        ગાયે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, "હું મારી જાતને આ કાદવમાંથી બચાવી શકવાની નથી, પણ મારો માલિક મને ચોક્કસ એમાંથી બચાવી લેશે. જ્યારે અંધારુ થઈ જશે અને હું ઘેર પાછી નહીં ફરું ત્યારે એ મને શોધવા નીકળશે અને ચોક્કસ અહીં સુધી આવી પહોંચશે. હું જ્યારે એને અહીં ફસાયેલી મળી જઈશ એટલે એ મને અહીં થી બહાર કાઢી ઉગારી લેશે અને કાળજીપૂર્વક મને અમારા સુંદર ઘર સુધી દોરી જશે. "
       આ કેફિયત સાંભળી વાઘ ચૂપ થઈ ગયો અને તેણે ઠંડા કલેજે ગાય તરફ નિહાળ્યા કર્યું.
      પછી થોડા જ સમયમાં સૂર્યાસ્ત થયો અને ખરેખર ગાયનો માલિક તેને શોધતો શોધતો કાદવ ભર્યા તળાવ સુધી આવી પહોંચ્યો. ગાયના કહ્યા મુજબ જ તેણે સાચે પરિસ્થિતીનો તાગ મેળવી લીધો અને કાળજી પૂર્વક ગાયને કાદવમાંથી બહાર કાઢી લીધી. બંને જ્યારે પાછા ઘર તરફ ડગ માંડી રહ્યાં ત્યારે પરસ્પર નવી કૃતજ્ઞતા અનુભવી રહ્યાં. તેમને વાઘની દયા આવી અને વાઘ મોઢું વકાસી તેમને જતાં જોઈ રહ્યો.
      આ પ્રતિકાત્મક વાર્તામાં ગાય સમર્પિત હ્રદય છે, વાઘ અહંકારી મન અને માલિક ગુરૂ નું પ્રતિક છે. કાદવ આ દુનિયા છે અને વાઘનો ગાયનો પીછો તેમજ કાદવમાં બચવા માટે હવાતિયા દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષને દર્શાવે છે.
સારાંશ :
-----------
સ્વતંત્ર હોવું, કોઈના પર આધાર ન રાખવો સારું છે. પણ એનો અર્થ એવો નથી કે જીવનમાં ગુરુ નું કોઈ સ્થાન કે મહત્વ નથી. તમને એવા સાથી, શિક્ષક કે માર્ગદર્શકની સદાયે જરૂર હોય છે જે સતત તમારું ધ્યાન રાખી શકે કે જ્યારે જરૂર હોય ત્યારે તમે ચોક્કસ તેમની પાસે જઈ શકો.
એ તમારા જીવનમાં હોય એનો અર્થ એવો નથી કે તમે નબળા છો, તેમની હાજરી કે મદદથી તમે વધુ સક્ષમ જરૂર બની રહો છો.

(ઇન્ટરનેટ પરથી)

1 comment:

  1. Nice story about life of journeyand beautiful article lastconclusion of story good luck for your nice story

    ReplyDelete