Sunday, January 13, 2019

કઈ રીતે વધુ સુખી થવું

     શું તમને ખબર છે કે વિશ્વની સૌથી ખ્યાતનામ વિદ્યાપીઠોમાંની એક એવી હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે સૌથી લોકપ્રિય અને સફળ અભ્યાસક્રમ તમને કઈ રીતે વધુ સુખી થવું એ શીખવે છે.
     બેન શાહર દ્વારા ભણાવાતો પોઝીટીવ સાઇકોલોજીનો વિષય વૈકલ્પિક હોવા છતાં દરેક છ માસિક સત્રમાં તે વીસેક ટકા જેટલા ૧૪૦૦ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરાય છે.
     બેન શાહરના જણાવ્યા મુજબ તેના વર્ગમાં શીખવવામાં આવતા સુખ, આત્મવિશ્વાસ અને પ્રેરણા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતા મુદ્દાઓ વિદ્યાર્થીઓને જીવનમાં સફળ થતા અને જીવનને વધુ આનંદ પૂર્વક જીવતા શીખવે છે. ૪૫ વર્ષીય બેન શાહરને ઘણાં "હેપીનેસ ગુરૂ" કહે છે. તેમણે પોતાના એક વર્ગમાં પોતાની અંગત સ્થિતી સુધારવાના અને વધુ હકારાત્મક જીવન જીવવાના ૧૫ નુસખા વર્ણવ્યા છે જે આ મુજબ છે :

૧ તમારી પાસે જે કંઈ પણ છે તેના માટે ઈશ્વરનો આભાર માનો. તમારા જીવનની ૧૦ એવી વસ્તુઓની યાદી બનાવો જે તમને ખુશી બક્ષતી હોય. સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો.

૨ શારીરિક કસરત કરો. નિષ્ણાતો કહે છે કે કસરત કરવાથી 'મૂડ' સુધરે છે. માત્ર અડધા કલાકની કસરત ઉદાસીનતા અને તાણ સામેનો રામબાણ ઈલાજ છે.

3 કેટલાક લોકો અતિ વ્યસ્ત હોવાને લીધે કે જાડા ન થઈ જવા સારુ સવારનો નાસ્તો નથી કરતાં. અભ્યાસ દર્શાવે છે કે સવારનો નાસ્તો તમને ઉર્જા આપે છે, તમને તમારા કામો વિષે વિચારવામાં અને તેમને સફળતા પૂર્વક પાર પાડવામાં મદદ કરે છે.

૪ તમને જે જોઈએ છે તે માગી લો અને તમે જે વિચારો છો એ કહી દો. સકારાત્મતા તમારામાં આત્મવિશ્વાસનો વધારો કરે છે. પાછળ રહી જવાથી અને મનની વાત મનમાં જ રાખવાથી દુખ અને લાચારી જન્મે છે.

૫ તમારા પૈસા નવા અનુભવ લેવા પાછળ ખર્ચો. એક અભ્યાસનું તારણ એવું છે કે ૭૫ ટકા લોકો ત્યારે વધુ સુખી હોવાનો અનુભવ કરે છે જ્યારે તેઓ પૈસા પ્રવાસ કે નવું કંઈક શીખવા પાછળ ખર્ચે છે. માત્ર ૨૫ ટકા લોકો જ ચીજ વસ્તુઓ ની ખરીદી બાદ વધુ આનંદ અનુભવે છે.

૬ પડાકારોનો સામનો કરો. અભ્યાસ બતાવે છે કે જેટલી તમે કોઈક બાબતને પાછી ઠેલશો એટલી વધારે મુંઝવણ અને ચિંતા પેદા થશે. કામોની ટૂંકી અઠવાડિક યાદી તૈયાર કરો અને તે કામો પૂર્ણ કરતા જાવ.

૭ જ્યાં જ્યાં શકય હોય ત્યાં ત્યાં તમારી સુખદ સ્મૃતિઓ, સુવાક્યો અને તસવીરો લગાડો /મૂકો. તમારા ફ્રિજ, કમ્પ્યુટર, ડેસ્ક, રૂમ બધાંને તમારા જીવનની સુખદ સ્મૃતિઓથી ભરી દો.

૮ સદાયે બધાંને સસ્મિત મળો અને અન્યો સાથે સારા બની રહો. સ્મિત તમારો મૂડ સુધારી નાખે છે.

૯ આરામદાયી જૂતા પહેરો. જો તમારા પગે ડંખ પડતા હશે તો તમે મૂડી બની જશો એમ અમેરિકન ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડૉ. કેઇંથ વેપનર કહે છે.

૧૦ તમારી શારીરિક સ્થિતી અંગે સભાન રહો. ખભા સહેજ પાછળ રહે એમ ટટ્ટાર ચાલશો તો મૂડ સારો રહેશે.

૧૧ સંગીત સાંભળો. એ સાબિત થયેલું છે કે સંગીત સાંભળવાથી તમારામાં ગાવા અંગેની ઇચ્છા જાગૃત થાય છે જે તમારા જીવનને સુખી બનાવે છે.

૧૨ તમે જે ખાઓ છો તેની તમારા મૂડ ઉપર અસર થાય છે. એક પણ સમયનું ભોજન ચૂકશો નહીં. દર ત્રણ - ચાર કલાકે હળવું ખાતા રહો અને ગ્લુકોઝ નું પ્રમાણ જાળવી રાખો. સફેદ લોટની વસ્તુઓ અને સાકર વધુ પ્રમાણમાં લેવાનું ટાળો. બધું ખાઓ, વૈવિધ્યસભર ખાઓ, જે આરોગ્યપ્રદ હોય.

૧૩ તમારી જાતનું ધ્યાન રાખો અને આકર્ષક બનો. ૭૦ ટકા લોકો કહે છે કે તેઓ જ્યારે અનુભવે છે કે તેઓ સારા દેખાય છે ત્યારે તેઓ વધુ આનંદિત હોવાનો અનુભવ કરે છે.

૧૪ ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા રાખો. તેની મરજી વગર પાંદડું પણ હલતું નથી અને તે સાથે હોય તો કંઈ અશક્ય નથી.

૧૫ રમૂજી સ્વભાવ કેળવો. વસ્તુઓ ને હસી કાઢતા શીખો, ખાસ કરીને જ્યારે તમારી સાથે બધું ધાર્યા કરતાં ઉલટું બની રહ્યું હોય.

😘🙏🏻સુખ એક રિમોટ કંટ્રોલ જેવું છે,વારંવાર એ આપણાંથી ખોવાઈ જાય છે અને ઘણી વાર અજાણતા આપણે પોતે જ એની પર બેસી પછી એને બીજે બધે શોધતા હોઈએ છીએ...

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment