Saturday, January 5, 2019

સાચું સુખ ક્યાં છે?

   ૫૦ જણનો એક સમૂહ એક પ્રશિક્ષણ સમારંભમાં હાજરી આપી રહ્યો હતો. અચાનક મુખ્ય વક્તા પ્રશિક્ષકે દરેકને એક ફૂલેલો ફુગ્ગો હાથમાં આપ્યો અને તેના પર પોતપોતાનું નામ માર્કર પેન વડે લખવા કહ્યું. પછી એ બધાં ફુગ્ગા લઈ લેવાયા અને બાજુના એક ખંડમાં મૂકી દેવામાં આવ્યાં. 
      થોડી વાર બાદ દરેક વ્યક્તિને એ ખંડમાં લઈ જવામાં આવ્યા અને તેમને પોતપોતાનું નામ લખેલો ફુગ્ગો શોધી કાઢવાનું જણાવવામાં આવ્યું,માત્ર પાંચ મિનિટમાં. ધમાચકડી મચી ગઈ! બધાં એક બીજા સાથે ભટકાતા, એકમેકને ધક્કો મારતા પોતપોતાનો ફુગ્ગો શોધવા મથી રહ્યાં. પણ પાંચ મિનિટ પૂરી થઈ જવા છતાં કોઈ પોતાનો ફુગ્ગો શોધી શક્યું નહીં. 
       હવે દરેક જણને કોઈ પણ એક જે ફુગ્ગો પોતાના હાથમાં આવે તે લઈ લેવા આદેશ અપાયો અને ત્યારબાદ જેનું નામ એ ફુગ્ગા પર લખ્યું હોય તેને એ સોંપી દેવા જણાવાયું. 
       ત્રણેક મિનિટમાં જ દરેક વ્યક્તિના હાથમાં પોતપોતાનું નામ લખેલો ફુગ્ગો હતો! 
       વક્તા પ્રશિક્ષકે કહ્યું કે આવું જ આપણાં જીવનમાં બનતું હોય છે. દરેક જણ સુખ આસપાસ શોધવા ફાંફાં મારે છે કારણ તેને જાણ નથી કે સાચું સુખ ક્યાં છે. પણ વાસ્તવિકતા એ છે કે સાચું સુખ બીજાના સુખમાં છુપાયેલું હોય છે, એ બીજાને સુખ આપીને મેળવી શકાય છે. 
અન્યને ખુશી આપીને તમે અપાર ખુશી મેળવી શકો છો. એ જ મનુષ્ય જીવનનો સાચો આશય છે. 

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment