Sunday, December 9, 2018

એક બોધકથા : વિનમ્રતા

         એક વાર નદીને પોતાના પાણીના પ્રચંડ વહેણ ઉપર અભિમાન થયું. તેને લાગ્યું કે મારામાં એટલી તાકાત છે કે હું પહાડ, મકાન, ઝાડ, પશુઓ, માનવ વગેરે બધાંને વહાવી લઈ જઈ શકું છું.

     તેણે ઘણાં ગર્વીલા સ્વરે સમુદ્રને કહ્યું, "કહો જોઈએ, તમારા માટે શું તાણી લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ જે કંઈ તમે કહેશો તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ! “

       સમુદ્ર ને સમજાઈ ગયું કે નદીને અભિમાન આવી ગયું છે. તેણે નદીને કહ્યું, "જો તું મારા માટે કંઈક લાવવા જ ચાહતી હોય તો થોડું ઘાસ ઉખાડી લાવ."
     
        નદીએ તોરમાં કહ્યું, "બસ, આટલું જ માંગ્યું! હમણાં જ લઈ આવું."

        નદીએ પોતાના જળનું સઘળું જોર અજમાવ્યું. પણ ઘાસ તો ઉખડ્યું જ નહીં! નદીએ અથાગ પ્રયત્નો કર્યાં, પણ વ્યર્થ. આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી, "હું વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું છું પણ જ્યારે જ્યારે ઘાસને ઉખાડી લાવવાની કોશિશ કરું છું ત્યારે ત્યારે એ નીચે તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે તેની ઉપરથી પસાર થઈ જવું પડે છે."

        સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા કહ્યું, "જે પહાડ અને વૃક્ષની જેમ કઠોર હોય છે તે આસાનીથી ઉખડી જાય છે પણ ઘાસ જેવી વિનમ્રતા જેણે શીખી લીધી હોય, તેને પ્રચંડ આંધી - તોફાન કે પ્રચંડ વેગ પણ ઉખાડી શકતા નથી. "

       જીવનમાં ખુશીનો  અર્થ લડાઈઓ લડવી એમાં નથી, બલ્કે એમનાથી બચવામાં છે. કુશળતા પૂર્વક પીછેહઠ પણ ક્યારેક જીતનું કારણ બને છે. અભિમાન ફરીશ્તાઓને પણ શેતાન બનાવી દે છે અને વિનમ્રતા સાધારણ મનુષ્યને પણ ફરીશ્તો બનાવી દે છે.

(ઇન્ટરનેટ પરથી)

1 comment: