Saturday, December 15, 2018

પુસ્તકોની ભેટ આપવાનું સ્વપ્ન

        બાર વર્ષની એ છોકરીને વાંચવાનો ભારે શોખ! તેના ગામનાં નાનકડા પુસ્તકાલયમાંનું દરેકે દરેક પુસ્તક તેણે વાંચી કાઢયું. હવે તેને પુસ્તકાલય જવાનો કંટાળો આવતો કારણ ત્યાં કોઈ નવા પુસ્તક હતા જ નહીં, જે તેના વાંચવાનાં બાકી હોય. એક દિવસ મોડી સાંજે એ તેના દાદા સાથે આંટો મારી રહી હતી. પુસ્તકાલય પાસેથી પસાર થયા ત્યારે તેણે પોતાનો કંટાળો દાદા સમક્ષ વ્યક્ત કર્યો. અંધારું થવા આવ્યું હતું અને તે દાદાનો હાથ પકડી તેમને દોરી જતી હતી. દાદાએ તેને કંટાળો દૂર કરવા એક સૂચન કર્યું. તેમણે કહ્યું તેઓ એક પ્રસિદ્ધ કાવ્યની પહેલી પંક્તિ ગાશે અને તેણે યાદ કરી એ જ કાવ્યની બીજી પંક્તિ ગાવાની. તેણે દાદાને હકારાત્મક પ્રતિભાવ આપતા કહ્યું તે ચોક્કસ એમ કરવા પ્રયત્ન કરશે.
      દાદાએ ગાયું, "જો મને પાંખો હોત તો..."
      તરત છોકરીએ જવાબ આપ્યો, "તો હું તરત બાજુના ગામનાં પુસ્તકાલય માં જઈ ત્યાંનાં બધાં પુસ્તકો વાંચી કાઢત!"
       તેના દાદાને આવો જવાબ સાંભળી નવાઈ લાગી. તેમણે તેને પોતાનો જવાબ ફરી કહી સંભળાવવા જણાવ્યું. તેણે ફરી પોતાનો એ જ જવાબ દોહરાવ્યો, "તો હું તરત બાજુના ગામનાં પુસ્તકાલય માં જઈ ત્યાંનાં બધાં પુસ્તકો વાંચી કાઢત!"
        દાદા હસી પડ્યા અને તેમણે કહ્યું," કાવ્ય પૂરું કરવાની કેવી અનોખી રીત!"
         ઘેર ગયા બાદ તેના દાદાએ ચટાઈ પર બેસી તેને પાસે બોલાવી કહ્યું, "તને ખબર છે બેટા, અમેરીકામાં એન્ડ્રુ કારનેગી નામનો એક મહાન કરોડપતિ માણસ હતો. તેણે પોતાની સઘળી સંપત્તિ પોતાના સંતાનો વચ્ચે વહેંચી ન દેતા, એના ઉપયોગ દ્વારા તેની આસપાસના વિસ્તારમાં આવેલા શક્ય એટલા વધુને વધુ ગામોમાં પુસ્તકાલય બનાવવા માટે ખર્ચી નાખી."
        આ વાત સાંભળી તે છોકરીએ મનમાં ગાંઠ વાળી કે જો તે મોટી થઈને પૈસાદાર બનશે તો તે પણ પોતાની સંપત્તિ પોતાના ગામનાં અને તેની આસપાસના વિસ્તારોમાં શક્ય એટલા વધુ ને વધુ પુસ્તકાલયોમાં નવા નવા પુસ્તકો વસાવવામાં ખર્ચશે.
        એ છોકરી એટલે સુધા મૂર્તિ. તેઓ ઇન્ફોસિસ ફાઉંડેશનના ચેરપર્સન છે,જે સોફ્ટવેર જાયંટ ઇન્ફોસિસ કંપનીની સખાવત અને સમાજ સેવા પાંખ છે જેની સ્થાપના ૧૯૯૭ માં થઈ હતી. તે એક એંજીનિયરીંગ કોલેજમાં અનુ સ્નાતક વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાઇન્સ પણ ભણાવે છે. તે પોતાના પરોપકારી કામો માટે ખૂબ સુવિખ્યાત છે. કર્ણાટક રાજ્યની દરેક શાળામાં કમ્પ્યુટર અને પુસ્તકાલયની સુવિધા ફરજિયાત હોય એ માટે તેમણે એક અભિયાન શરૂ કર્યું હતું. તેમણે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું છે, જે તેમણે એક બાળક તરીકે જોયું હતું. તેમણે ૧૦૦૦૦ કરતાં વધુ પુસ્તકાલયોને પુસ્તકો ભેટ આપ્યાં છે.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment