Wednesday, September 26, 2018

ભારતનાં પ્રથમ સ્ત્રી વાળંદ શાંતાબાઈની અદ્ભુત કહાની


      પોતાના સ્વર્ગીય પતિના વ્યવસાયને અપનાવી અને આગળ વધારી શાંતાબાઇએ પોતાના પરિવારને સહારો આપ્યો. પુરુષ-પ્રધાન સમાજમાં માત્ર પુરુષો દ્વારા જ ચલાવાતા વ્યવસાયને અપનાવી તે ભારતનાં પહેલા મહિલા વાળંદ બન્યા.
     દેશની પહેલી મહિલા બારટેન્ડર શતભી બાસુથી લઈને દેશની પહેલી મહિલા વાઇન-ટેસ્ટર સોવના પૂરી સુધીની બધી મહિલાઓ પૂરા જોશ અને ઝનૂનથી પોતપોતાના મનપસંદ વ્યવસાયમાં નામ કમાઈ રહી છે.
પણ ૪૦ વર્ષ અગાઉ એક મહિલાને પુરુષ પ્રધાન વ્યવસાય અંગે કોઈ જ માહિતી નહોતી. પોતાના પરિવાર સાથે ગામમાં સુખેથી જીવન વ્યતિત કરવું એ જ એમનું સપનું હતું. પણ કિસ્મતે એમને એવા મોડ પર લાવી મૂક્યા જ્યાં તેમણે પુરુષપ્રધાન સમાજમાં પોતાની ભૂખી બાળકીઓનું પેટ ભરવા આ વ્યવસાય અપનાવવો પડ્યો. આ વાત છે ભારતના પહેલા મહિલા નાઈ શાંતાતાઈની...
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાસુરસાસગીરી ગામમાં રહેતા શાંતાબાઈ આપણા સૌ માટે આદર્શ સમાન છે. વિપરિત પરિસ્થિતિઓ નો સામનો કરી શાંતાબાઈએ એક મુકામ હાંસલ કર્યો છે.
માત્ર ૧૨ વર્ષ ની ઉંમરે શાંતાબાઈના લગ્ન તેમના પતિ શ્રીપતિ સાથે થયા હતા. તેમના પિતા નાઈ હતા અને પતિનો પણ આ જ વ્યવસાય હતો.
કોલ્હાપુર જિલ્લાના અર્દલ ગામે શ્રીપતિ પોતાના ૪ ભાઈઓ સાથે મળીને 3 એકર જમીન પર ખેતીવાડી કરતો હતો. માત્ર ખેતી પર જીવન નિર્વાહ મુશ્કેલ હોવાથી તે નાઈ તરીકે પણ કામ કરતો. પિતાની મિલ્કતના ભાગલા પડ્યા અને ૩ એકર જમીન બધાં ભાઈઓ વચ્ચે વહેંચાઈ ગઈ. જમીનનો ઘણો ઓછો હિસ્સો પોતાને ભાગે બાકી બચતા હવે શ્રીપતિ એ આસપાસના ગામોમાં જઈ હજામતનું કામ ચાલુ કર્યું. આટલી મહેનત કરવા છતાં વેતન ઓછું પડતાં શ્રીપતિ એ સાહૂકારો પાસેથી પૈસા ઉધાર લેવાનું શરૂ કર્યું.
      હાસુરસાસગીરી ગામના સભાપતિ હરિભાઉ કડૂકરે જ્યારે શ્રીપતિ ની વસમી સ્થિતિ જોઈ ત્યારે તેમણે તેને હાસુરસાસગીરી ગામમાં આવી વસવા ઈજન આપ્યું. હરિભાઉના ગામમાં કોઈ વાળંદ નહોતો આથી શ્રીપતિ ત્યાં વધુ પૈસા કમાઈ શકે એમ હતો.
આ રીતે શાંતાબાઈ અને તેમના પતિ શ્રીપતિ હાસુરસાસગીરી ગામમાં આવી વસ્યા. પછી દસ વર્ષમાં શાંતાબાઈ એ છ દીકરીઓને જન્મ આપ્યો જેમાંથી બે નું બાળપણમાં જ મૃત્યુ થઈ ગયું. દિવસો વધુ તકલીફ વગર આરામથી પસાર થઈ રહ્યા હતા.
     પણ અચાનક વર્ષ ૧૯૮૪માં જ્યારે તેમની મોટી દીકરી આઠ વર્ષની હતી અને નાની દીકરી એક વર્ષથીયે નાની ત્યારે હ્રદય રોગના હુમલાથી શ્રીપતિનો દેહાંતવાસ થયો.
      ત્રણ માસ સુધી શાંતાબાઈએ અન્યોના ખેતરમાં મજૂરી કરી. ૮ - ૮ કલાક સખત મજૂરી કર્યા બાદ તેમને માત્ર પચાસ પૈસા મજદૂરી પેઠે મળતા. એમાંથી ઘર ખર્ચ અને ચાર દીકરીઓનું ભરણ પોષણ કઈ રીતે પૂરું થાય?
       સરકારે તેને જમીનના બદલામાં ૧૫૦૦૦ રૂપિયા આપ્યાં. આ પૈસાનો ઉપયોગ શાંતાબાઈએ પતિનું દેવું ચૂકવવા કર્યો. પોતાની બાળકીઓને તે બે ટંક ખાવાનું પણ આપી શકતી નહોતી. ત્રણ મહિના તેણે જેમતેમ કાળી મજૂરી કરી પસાર કર્યા. મહામુસીબતે તે પોતાની દીકરીઓનું પેટ ભરી શકતી. ક્યારેક તો તેમણે બધાએ ભુખ્યા પેટે પણ સૂવાનો વારો આવતો. પરિસ્થિતિથી કંટાળી આખરે એક દિવસ શાંતાબાઈએ ચારે દિકરીઓ સહિત આત્મહત્યા કરવાનો વિચાર કર્યો.
      આ વખતે પણ હરિભાઉ તેમના માટે ભગવાન સાબિત થયા. જ્યારે શાંતાબાઈ મરવાની તૈયારીમાં જ હતા ત્યાં હરિભાઉ તેમના ખબર અંતર પૂછવા આવ્યા અને તેમની બૂરી પરિસ્થિતિ જોઈ તેમણે શાંતાબાઇને પતિનો વ્યવસાય અપનાવી લેવાનું સૂચન કર્યું. શ્રીપતિના મોત બાદ ગામમાં બીજો કોઈ નાઈ ના હોવાને લીધે શાંતાબાઈ સારું કમાઇ શકે એમ હતું.
      શાંતાબાઈને પહેલા તો આ સાંભળી નવાઈ લાગી. ભલા એક સ્ત્રી નાઈનું કામ કઈ રીતે કરી શકે? પણ એમની પાસે અન્ય કોઈ વિકલ્પ પણ બચ્યો નહોતો.
      શાંતાબાઈ કહે છે, "મારી પાસે બે જ રસ્તા હતા. એક તો હું મારી દીકરીઓ સહિત આત્મહત્યા કરી લઉં અથવા સમાજ કે લોકોની પરવા કર્યા વિના મારા પતિનો અસ્ત્રો હાથમાં લઈ લઉં. મારે મારા સંતાનો માટે જીવવું હતું, આથી મેં બીજો વિકલ્પ પસંદ કર્યો."
    હરિભાઉ પોતે શાંતાબાઈના પહેલા ગ્રાહક બન્યા. શરૂઆતમાં તો ગામના લોકો એમની મજાક ઉડાવતા પણ શાંતાબાઈ ચલિત થયા નહીં, તેમનો હોંસલો વધતો ગયો. એ પોતાની બાળકીઓને પાડોશીને ઘેર મૂકી આસપાસના ગામોમાં હજામત કરવા જવા માંડયા.
કડલ, હિદાદુગી અને નરેવાડી ગામમાં કોઈ વાળંદ નહોતો આથી ત્યાંના લોકો એમના ગ્રાહક બની ગયા.
ધીરે ધીરે શાંતાબાઈની ખબર દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. એટલું જ નહીં, તે સમયના પ્રખ્યાત અખબાર 'તરુણ ભારત' માં તેમના વિશે લેખ છપાયો.
     સમાજને પ્રેરિત કરવા બદલ શાંતાબાઈ ને સમાજરત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા. અન્ય પણ કેટલીયે સંસ્થાઓએ એમનું યથોચિત સન્માન કર્યું.
     વર્ષ ૧૯૮૪માં એ માત્ર ૧ રૂપિયામાં દાઢી અને કેશ કર્તન કરતા હતા. થોડા જ દિવસોમાં તેમણે જાનવરોના વાળ કાપી આપવાની પણ શરૂઆત કરી, જેના માટે એ ૫ રૂપિયા લેવા માંડ્યા.
      વર્ષ ૧૯૮૫માં ઇંદિરા ગાંધી આવાસ યોજના અંતર્ગત શાંતાબાઈને સરકાર તરફથી ઘર બનાવવા માટે પૈસા મળ્યાં. શાંતાબાઈએ કોઈની આર્થિક મદદ લીધા વગર પોતાની ચારે દીકરીઓને ધામધૂમથી પરણાવી. આજે એ દસ પૌત્રપૌત્રીઓની નાની છે.
     ૭૦ વર્ષના શાંતાબાઈ હવે થાક્યા છે. એ પોતે આસપાસના ગામોમાં જઈ શકતા નથી એટલે લોકો હવે તેમની પાસે દાઢી કરાવવા અને કેશ કર્તન માટે આવે છે.
     શાંતાબાઈ કહે છે, "ગામમાં હવે સલૂન છે. બાળકો અને યુવાનો ત્યાં જાય છે. મારી પાસે મારા જૂના ગ્રાહકો જ આવે છે. હવે હું દાઢી કરવાના અને વાળ કાપવાના ૫૦ રૂપિયા લઉં છું અને જાનવરોના વાળ કાપવાના ૧૦૦ રૂપિયા લઉં છું. મહિ‌નામાં ૩૦૦ - ૪૦૦ રૂપિયા કમાઈ લઉં છું અને સરકાર પાસે થી મને ૬૦૦ રૂપિયા મળે છે. આ પૈસા મને ઓછા પડે છે પણ જિંદગી માં મેં ઘણી મુશ્કેલીઓ સહન કરી છે એટલે હવે થોડામાં ગુજરાન ચલાવવાનું શીખી ગઈ છું. મને ખબર છે કે જરૂરત પડ્યે હું મહેનત કરીને કમાઈ શકું છું. "
શાંતાબાઈ કહે છે કે," આ વ્યવસાયે મને અને મારા બાળકોને નવી જિંદગી આપી છે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હાથમાં અસ્ત્રો લઈ હું કામ કરતી રહીશ."
       પોતાના સાહસ અને લગનને પ્રોત્સાહન આપવા માટે શાંતાબાઈ હરિભાઉ કડૂકરને ધન્યવાદ આપે છે. મુશ્કેલ ઘડીમાં હરિભાઉએ તેમનો સાથ આપ્યો હતો તેથી એ તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે.
         વર્ષ ૨૦૦૮માં ૯૯ વર્ષની વયે હરિ ભાઉ મૃત્યુ પામ્યા. હરિભાઉના પૌત્ર બબન પાટીલ આજે પણ શાંતાબાઈના ઘરે જઈ તેમની દેખભાળ રાખે છે.

- પ્રફુલ્લ મુક્કાવાર

(મૂળ લેખ માનબી કટોચ દ્વારા)


(ઇન્ટરનેટ પરથી)

—————————————

ગત સપ્તાહે ઇન્ટરનેટ કોર્નરમાં ભારતનાં પ્રથમ સ્ત્રી વાળંદ શાંતાબાઈની અદ્ભુત કહાની છાપી હતી. જો કોઈ વાચક આ લેખ વાંચ્યા બાદ શાંતાબાઈને આર્થિક મદદ કરવા ઇચ્છતા હોય તે નીચે પ્રમાણેની વિગત મુજબ તેમના બેંક અકાઉન્ટમાં સીધી રકમ જમા કરાવી શકે છે :
Bank -THE  AJARA  URBAN  CO. OP BANK LTD  AJARA ,
NAME-YADAV SHANTABAI SHRIPATI ,
A/C NO-403-11982 ,
IFSC NO- IBKL0116AUC
તમે તેમની સાથે ૭૫૮૮૮૬૮૯૩૫ આ મોબાઇલ નંબર પર વાત પણ કરી શકો છો.

1 comment: