Sunday, September 2, 2018

મારી ક્ષીણ થઈ રહેલી વિવેકબુદ્ધિ

ક્યારેક રાત્રિના અંધકારમાં હું મારી વિવેકબુદ્ધિ સાથે ગોઠડી માંડુ છું 
ચકાસવા કે એ હજી શ્વાસ તો લઈ રહી છે ને 
કારણ રોજ તે ધીમું ધીમું મોત મરી રહી છે. 

જ્યારે કોઈ મોંઘીદાટ જગાએ હું મારા ખાવાનું બિલ ભરું છું 
જેની એક ભાણાની કિંમતની રકમ કદાચ એ જગાએ અમારા માટે 
દરવાજો ખોલનાર દરવાનના એક મહિનાના પગાર કરતા પણ વધુ છે 
અને ઝડપથી હું એ વિચાર ખંખેરી દઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું શાકભાજીવાળા ભૈયાજી પાસેથી શાક ખરીદું છું 
અને તેનો દીકરો "છોટુ" સસ્મિત બટાટાનું વજન જોખે છે, 
છોટુ, એક નાનકડો છોકરો જે અત્યારે સ્કૂલમાં ભણતો હોવો જોઈએ... 
અને હું નજર બીજે ફેરવી લઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું એક ડિઝાઇનર ડ્રેસમાં સજ્જ થઈ છું જેની કિંમત અધધધ છે 
અને ક્રોસિંગ પર મારી દ્રષ્ટિ પડે છે એક ચિંથરેહાલ લૂગડા દ્વારા 
પોતાની લાજ ઢાંકવાનો મિથ્યા પ્રયાસ કરી રહેલી એક બાઈ પર 
અને તરત હું મારી ગાડી નો કાચ ઉપર ચડાવી દઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે ક્રિસમસ ટાણે મેં મારા બચ્ચાઓ માટે ત્રણ મોંઘી ભેટો ખરીદી છે 
અને ઘેર પાછા ફરતા લાલ સિગ્નલ પર હું ખાલી પેટ અને ભૂખી આંખોવાળા 
અર્ધ નગ્ન બાળકોને સાન્તા-ટોપી વેચતા જોઉં છું 
ત્યારે હું મારી વિવેકબુદ્ધિને બચાવવાનો પ્રયત્ન કરતા 
થોડી ટોપીઓ ખરીદી લઉં છું છતાં 
એ થોડી મૃત્યુ પામે છે.

જ્યારે મારી કામવાળી બાઈ માંદી હોવાથી 
તેની દીકરીને કામે મોકલે છે તેની સ્કૂલે ખાડો પાડી ને 
હું જાણું છું કે મારે તેને પાછા જતા રહેવા કહેવું જોઈએ 
પણ મારી નજર એઠાં વાસણોથી ભરેલી સિંક પર પડે છે 
અને હું મારી જાતને કહું છું કે આ તો થોડાં જ દિવસ નો સવાલ છે 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું મારા દીકરાને પાર્ટી માંથી ઘેર મોડા પાછા ફરવાની છૂટ આપું છું 
પણ જ્યારે મારી દીકરી એવી પરવાનગી માગે છે 
ત્યારે હું તેને એ યોગ્ય નથી એવો જવાબ આપું છું 
જ્યારે તે પ્રતિ પ્રશ્ન કરે છે કે એમ શા માટે 
ત્યારે હું મારો અવાજ ઉંચો કરી તેને ચૂપ કરી દઉં છું 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે. 

જ્યારે હું કોઈક બાળક પર બળાત્કાર કે તેની હત્યા વિષે સાંભળુ છું 
મને દુ:ખ તો થાય છે પણ છતા થોડો હાશકારો અનુભવું છું કે એ મારું બાળક નથી 
એ વખતે હું અરીસામાં જાત સાથે નજર મિલાવી શકતી નથી 
અને મારી વિવેકબુદ્ધિ થોડી મૃત્યુ પામે છે.

જ્યારે લોકો નાતજાત કે ધર્મ ને નામે લડે છે 
હું નિરાશા અને લાચારી અનુભવું છું 
હું મારી જાત ને કહું છું કે 
મારો દેશ ખાડામાં જઈ રહ્યો છે 
હું ભ્રષ્ટ નેતાઓને માથે દોષનો ટોપલો ઢોળી દઉં છું, 
મારી સઘળી જવાબદારીઓને વિસારે પાડી 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે.

જ્યારે મારા શહેરમાં શ્વાસ લેવું દોહ્યલું બન્યું છે 
શહેર આખું ધુમાડા અને પ્રદૂષણથી ભરાઈ ગયું છે 
છતાં હું મારી પોતાની ગાડી ચલાવીને જ ઓફિસે જઉં છું, 
મેટ્રો કે કાર પુલ જેવા શક્ય પર્યાયનો ઉપયોગ કરતી નથી, 
એમ વિચારીને કે મારી માત્ર એક ગાડી વધુ રસ્તા પર ઉતરવાથી કશો ફેર પડવાનો નથી 
ત્યારે એ થોડી મૃત્યુ પામે છે.

આથી ક્યારેક રાત્રિના અંધકારમાં હું મારી વિવેકબુદ્ધિ સાથે ગોઠડી માંડુ છું 
ચકાસવા કે એ હજી શ્વાસ તો લઈ રહી છે ને.. 
ત્યારે તેને હજી સાબૂત જોઈ હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું કારણ 
રોજ હું જ તો તેને ધીમું ધીમું મારી રહી હોઉં છું... 

 - રશ્મિ ત્રિવેદી ( 'વુમન એવરીથિંગ વિલ બી ફાઇન!' ના લેખિકા) 

(ઇન્ટરનેટ પરથી)

3 comments:

  1. Dear Vikas, Namaskar.Very Much Thanks for SELF Awakening and SELF AUDIT & VERY MUCH HEARTLY ABHINANDAN for showing path for SELF SALVATION.Vasantt N Bheda Chhunabhatti Mumbai

    ReplyDelete
  2. કલ્પેશ શાહSeptember 2, 2018 at 9:17 AM

    Dear Vikasbhai....Good morning.Read the most awesome and touching poetry of smt.Rashmiben trivedi about "Vivekbuddhi" ...it touched me a lot as I daily do the same in my life but just let it go.I thank God because many a times we need some outsider to open our eyes with strength which we observe daily but with less strength.God bless you.I learn some good things today reading this article and feeling so much comfortable from inside.
    કલ્પેશ શાહ

    ReplyDelete
  3. રોહિત કાપડિયાSeptember 2, 2018 at 9:19 AM

    ભાઈ વિકાસભાઈ,
    કુશળ હશો. શનિવારની સવારે વિવેકબુદ્ધિને ઢંઢોળીને જાગૃત કરતો લેખ માત્ર સુંદર જ નહીં પણ મનનીય હતો. ધન્યવાદ.
    વાસ્તવિકતા સાથે આંખ મિચામણા કરતી મારી નજરમાં પ્રકાશ છે કે અંધકાર છે, હું જાગું છું કે સૂઈ ગયો છું, હું જીવી રહ્યો છું કે મરી રહ્યો છું કે પછી માત્ર સમયનો એક અવધિ પસાર કરી રહ્યો છું મને કંઈ જ સમજ પડતી નથી. કાશ! મારી વિવેકબુદ્ધિ મને જાગૃત કરી દે એ જ ચાહ.

    ReplyDelete