Thursday, September 20, 2018

સાચા કે ખોટા નિર્ણય

પાંચ મિત્રો એક ગાઢ, વિશાળ જંગલમાં ભૂલા પડ્યાં. તેમણે માર્ગ ખોળવાના અનેક પ્રયત્ન કર્યાં. પહેલા મિત્રે કહ્યું, "મારું મન કહે છે આપણે ડાબી બાજુ જવું જોઈએ. "
બીજો મિત્ર કહે, "મારું અનુમાન છે કે સાચો માર્ગ જમણી તરફ છે."
ત્રીજો મિત્ર બોલ્યો, "હું તો આપણે જે માર્ગે ચાલીને આવ્યા એ જ માર્ગે પાછો જવાનો. એ સૌથી સુરક્ષિત રહેશે."
ચોથો કહે, "મને તો લાગે છે આપણે સાચી દિશામાં જ જઈ રહ્યાં છીએ. હું તો સીધો જ આગળ જઈશ. ચોક્કસ એમ કરતા જંગલ પૂરું થશે, એકાદ ગામડું આવશે અને ત્યાં કોઈક ઘર કે ખેતર માં પૂછીને સાચી દિશા ચોક્કસ જાણી શકાશે. "
તો વળી પાંચમા એ કહ્યું," મને તો કાંઈ ગતાગમ પડતી નથી. મને લાગે છે મારે આ ઉંચા ઝાડ પર ચડી દૂર દૂર સુધી નજર નાંખવી જોઈએ અને પછી નક્કી કરવું જોઈએ કે કઈ દિશામાં આગળ વધવું જોઈએ."
અને પાંચમા મિત્રે એમ જ કર્યું.
જ્યારે એ ઉંચા ઝાડ પર ચડી રહ્યો હતો ત્યારે તેના અન્ય ચાર મિત્રોએ તેમણે વિચારેલી યોગ્ય દિશામાં પ્રયાણ કર્યું.
પાંચમો મિત્ર જ્યારે ઉંચા ઝાડની ટોચ પર પહોંચી ગયો ત્યારે તેને થોડે જ આઘે એક ગામડું જોવા મળ્યું. તેને લાગ્યું તેના મિત્રોએ તેમણે પસંદ કરેલા માર્ગ પર જવું જોઈતું નહોતું. છતાં, તેનું આમ વિચારવું ખોટું સાબિત થયું.
દરેક મિત્રને તેણે પોતે પસંદ કરેલ માર્ગ પર જુદો જુદો અનુભવ થયો.
પહેલો મિત્ર જે ડાબે ગયો હતો તેણે થોડું લાંબુ ચાલવું પડયું પણ અંતે તે એક ગામ સુધી પહોંચી ગયો.
બીજો મિત્ર જે જમણે વળ્યો હતો તેને માર્ગમાં વરુઓના ટોળાંનો સામનો કરવો પડ્યો પણ તે જંગલમાં કઈ રીતે ટકી રહેવું એ આ અનુભવ પરથી શીખ્યો.
ત્રીજો મિત્ર જે પાછો વળ્યો હતો તેને માર્ગમાં નવા ઉત્સાહી જંગલભ્રમણ માટે નીકળેલા યુવાનોનો ભેટો થયો અને તેમાં તેને નવાં મિત્રો સાંપડ્યાં.
ચોથો મિત્ર જે સીધી આગળની દિશામાં ચાલ્યો હતો તેને થોડે દૂર એક ખેતર જોવા મળ્યું જેને સાચવનાર પરિવારે તેને પોતાનો મહેમાન બનાવ્યો અને ભાવપૂર્વક તેની મહેમાનગતિ કરી. 
દરેકે દરેક મિત્ર આ પ્રવાસ યાત્રા દરમ્યાન પોતે પસંદ કરેલા માર્ગ મુજબ મૂલ્યવાન અનુભવના ભાથા દ્વારા સમૃદ્ધ થયો.
~~~
ચાલો હવે આપણે આ વાર્તા વિશે થોડો ઉંડાણમાં વિચાર કરીએ...
જો સાચા કે ખોટા નિર્ણય એવું વર્ગીકરણ કરાય જ નહીં તો? 
દરેકે દરેક નિર્ણય આપણને નવો અનુભવ કરાવે છે જે વિકાસની અસીમ તકો પૂરી પાડે એમ બની શકે છે. 
આપણે અત્યારે જે મુકામ પર છીએ તેની પાછળ આપણે અત્યાર સુધી લીધેલા નિર્ણયો જ કારણભૂત છે. વર્તમાન સમયે તમે જ્યાં છો ત્યાંથી તમે યોગ્ય નિર્ણયો લઈ ચોક્કસ તમારી મંઝિલ સુધી પહોંચી શકો છો. ભૂલ થાય તો તેમાં પણ કઇંક શીખવાની તક શોધી કાઢો.

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment