Monday, June 25, 2018

ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરવાને લીધે મળી સફળતા


  'હિન્દી મિડિયમ' નામની ઇરફાન ખાન અને સબા કમર અભિનીત એક સુંદર વ્યંગાત્મક કૉમેડી ફિલ્મ ગત વર્ષે આવી હતી અને ખૂબ હિટ પણ થયેલી. એમાં એક સરસ સંદેશ હતો કે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું ઘણાં માતા પિતાનાં માથે ભૂત સવાર થઈ જાય છે અને એમ કરવા તેઓ ગમે તે હદ સુધી તૈયાર થઈ જાય છે જે યોગ્ય નથી. વર્નાકયુલર મિડિયમમાં ભણતાં બાળક આજના સ્પર્ધાત્મક યુગમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલાં બાળકો સામે ટકી શકે કે કેમ એ પ્રશ્નનો જવાબ મારા મતે એવો છે કે હા, ચોક્કસ. હું તો એક પગલું આગળ વધી એમ કહીશ કે જો તમારું બાળક સ્માર્ટ હશે તો એને ભાષાના કોઈ બંધન ક્યારેય નડવાના નથી. બાળક જો અંગ્રેજી માધ્યમમાં ભણે તો તે ચોક્કસ વધુ સફળ થાય એ વાત બિલકુલ વજૂદ વિનાની છે. ઊલટું એક થિયરી એવી છે કે બાળક જે ભાષા માં સ્વપ્ન જૂએ અર્થાત્ તેની માતૃભાષામાં ભણે તો તેનાં વિકાસ અને સફળતાની શક્યતા અનેક ગણી વધી જાય છે.
મેં એવા અનેક દાખલા જોયા છે જ્યાં અંગ્રેજી માધ્યમમાં ભણેલ વ્યક્તિ સાચું અંગ્રેજી બોલવા ફાંફાં મારતી હોય જ્યારે ગુજરાતી માધ્યમ માં ભણતી વ્યક્તિ ફાંકડું અંગ્રેજી બોલતી હોય.
હું ગુજરાતી માધ્યમ માં જ ભણ્યો છું અને મને એ વાતનો બિલકુલ પસ્તાવો કે રંજ નથી. બાળમંદિર થી ત્રીજા ધોરણ સુધી મેં મલાડની અસ્પી નૂતન વિદ્યામંદીરમાં અને ત્યારબાદ દસમા ધોરણ સુધી મલાડની શેઠ એન. એલ. હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ૧૯૯૪માં ૯૦.૮૫ ટકા માર્કસ સાથે એસ. એસ. સી. બોર્ડની પરીક્ષા પાસ કરી મુંબઈની ડી. જી. રૂપારેલ કૉલેજમાં વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવ્યો. વોકેશનલ સબ્જેક્ટ પસંદ કર્યો હોવાથી મારે ગુજરાતી વિષય ભણવામાં હતો જ નહીં જુનિયર કૉલેજ ના બે વર્ષ દરમ્યાન. છતાં ગુજરાતી ભાષા મિસ કરવાને કારણે અભ્યાસ સિવાયના ગુજરાતી પુસ્તકો હું નિયમિત વાંચતો. કોલેજમાં ચાલતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ હું ખાસ ભાગ લેતો. અગિયાર માં ધોરણમાં મારી સાથે આઈ. સી. એસ. સી., સી. બી. એસ. સી. વગેરે ના ટોપર્સ અભ્યાસ કરતાં. ૬૦-૭૦ વિદ્યાર્થીઓનાં બેચ માં ગુજરાતી હશે માત્ર દસ-બાર અને તેમને પણ ગુજરાતી કદાચ લખતાં - વાંચતા આવડતું હશે કે કેમ એ તો રામ જાણે! પણ એ વર્ષે ગુજરાતી કાવ્ય પઠન સ્પર્ધામાં મને પ્રથમ ઈનામ મળ્યું અને વર્ગમાં એક ફ્રી પિરિયડમાં એ ૬૦-૭૦ વિદ્યાર્થીઓ વચ્ચે મને જેનાં પઠન બદલ ઈનામ મળ્યું હતું તે બાલમુકુંદ દવે લિખિત સોનેટ કાવ્ય 'જૂનું ઘર ખાલી કરતાં...' ભાવ પૂર્વક ગાયું અને તેનો ભાવાનુવાદ મારા બિન ગુજરાતી સહપાઠીઓ અને ગણિત ભણાવતાં વિણા મિસ ને કહી સંભળાવ્યો અને આખા વર્ગે મને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. ત્યારેજ મને જાણ પણ થઈ કે ગુજરાતી ખ્યાતનામ કવિ શ્રી સીતાંશું યશશ્ચંદ્રનો પુત્ર અરણ્યક પણ મારા જ વર્ગમાં અભ્યાસ કરતો હતો, જેમનું કાવ્ય જટાયુ મેં દસમા ધોરણમાં ગુજરાતી વિષયમાં ભણ્યું હતું. મારા અભ્યાસક્રમમાં તો ગુજરાતી વિષય નહોતો પણ ઇનામ મળ્યાં બાદ હું જે કઈ થોડું ઘણું લખતો તે ત્યાં જે વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય ભણવામાં આવતો તેમને એ ભણાવતાં ગુજરાતી પ્રધ્યાપક મેડમને ચકાસવા આપતો. આમ મારો ગુજરાતી ભાષા સાથે નાતો જળવાઈ રહ્યો હતો. દસમા સુધી બધા વિષયો ગુજરાતીમાં ભણ્યા હોવાથી અને હવે બધું અંગ્રેજીમાં ભણવાનું હોવાથી થોડી મુશ્કેલી શરૂઆતમાં નડી. અગિયારમાં ધોરણમાં માત્ર ૬૦ ટકા સાથે પાસ થવાયું પણ બારમાં ધોરણનાં એચ. એસ. સી. બોર્ડ માં જરૂરી પી. સી. એમ. વિષયો માં ૯૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ શકાયું અને પછી ચાર વર્ષ વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી માં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલીકમ્યુનિકેશન શાખામાં અભ્યાસ કરી એન્જિનિયર બની શક્યો. એ ચાર વર્ષ દરમ્યાન પણ હું જ્યાં શક્ય હોય ત્યાં ગુજરાતી, હિન્દી અને જેવું આવડે એવા અંગ્રેજી સાથે વિવિધ કાર્યક્રમોમાં, સ્પર્ધાઓમાં ભાગ લેતો. અભ્યાસમાં ઉતાર-ચઢાવ ચાલુ રહ્યાં, પણ અહીં ક્યાંય ગુજરાતી માધ્યમમાં કરેલો અભ્યાસ આડો આવ્યો નહીં. એ પછી છ મહિનાનો સોફ્ટવેર કોર્સ કરી આઈ. ટી. ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૧માં ભારતનાં અગ્રગણ્ય શેર બજાર એન. એસ. ઈ. માં જોડાઈને કરી. અને આજે આજ કંપનીમાં હું સિનિયર મેનેજર તરીકે કાર્યરત છું. કોલેજનાં છ વર્ષ દરમ્યાન કડકડાટ અંગ્રેજી શરૂઆતનાં વર્ષોમાં ન બોલી શકવાને કારણે થોડી લઘુતા ગ્રંથિ ચોક્કસ અનુભવાતી પણ એને પોતાના પર હાવી થવા દીધા વગર અંગ્રેજી પુસ્તકો વાંચવા શરૂ કર્યાં, અંગ્રેજીમાં સમાચાર જોવા અને વાંચવા શરૂ કર્યાં, અંગ્રેજી ફિલ્મો જોઈ અને અંગ્રેજી બોલવાનો મહાવરો કેળવ્યો. છ વર્ષ નાં કોલેજકાળ બાદ તો અંગ્રેજીમાં સારું એવું પ્રભુત્વ કેળવી લીધું અને આજે હું ગૌરવ ભેર કહું છું કે હવે તો અંગ્રેજીમાં સ્પીચ કે પ્રેઝન્ટેશન પણ આપવાનાં હોય કે કોઈને અંગ્રેજીમાં ટ્રેન કરવાનું હોય તો હું એ બખૂબી કોઈ અંગ્રેજી માધ્યમમાં ભણેલાં મારાં સમકક્ષ કરતાં વધુ સારી રીતે કરી શકું એમ છું. આ માટે ગુજરાતી માધ્યમમાં ભણતાં ભણતાં અંગ્રેજી એક વિષય તરીકે શીખતી વખતે અંગ્રેજી વ્યાકરણ અને નિયમો મારા શિક્ષકોએ જે ચોકસાઈ અને ભાર પૂર્વક સાચી રીતે બોલવાના આગ્રહ સાથે શીખવેલા એ બાબત કારણભૂત છે. ફીલિપ્સ ટીચર, વિનુભાઈ નાયક, શશિકાંત વ્યાસ, સી. ડી. આશર સાહેબ જેવાં મારાં એ શિક્ષકો નો આ માટે હું આજે પણ આદર પૂર્વક આભાર માનું છું. ૨૦૦૧ માં એન. એસ. ઈ. માં જોડાયા બાદ પણ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓ સાથે મારો સંબંધ મેં જાળવી રાખ્યો. ૨૦૦૪થી જન્મભૂમિમાં ઇન્ટરનેટ કોર્નર કટાર લખવી શરૂ કરી જેમાં હું ઇન્ટરનેટ પર સારા હકારાત્મક લેખો અંગ્રેજી માં વાંચી તેનું ગુજરાતી માં ભાષાંતર કરતો અને વાચકો સાથે એ શેર કરતો. મને ખુશી છે આ કટાર આજ પર્યંત નિયમિત લખાય છે અને છેલ્લાં પંદરેક વર્ષ માં એ દ્વારા મેં સાડા ચારસો થી વધુ લેખો લખ્યાં છે અને તેનાં પર આધારિત મારા આઠ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને તે સારી એવી લોક ચાહના પામ્યાં છે. વર્ષ ૨૦૦૪ થી જ બીજી પણ એક સારી શરૂઆત થઈ અને તે હતી મારા જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પાર્ટ ટાઈમ એમ. બી. એ. ના અભ્યાસનો આરંભ. ત્રણ વર્ષમાં એ પૂરો થયો અને મેં માસ્ટાર્સની ડીગ્રી સાથે પોસ્ટ - ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એ સાથે મેં વધુ એક કટાર બ્લૉગ ને ઝરુખેથી... ગુજરાતી ભાષામાં જન્મભૂમિ પ્રવાસીમાં લખવી શરૂ કરી. આ કટાર પર આધારિત પુસ્તક સંવાદને વર્ષ ૨૦૧૩ માં શ્રેષ્ઠ લલિત સાહિત્ય શ્રેણીનો પુરસ્કાર મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાયો અને વર્ષ ૨૦૧૭માં આ કટાર પર આધારિત બ્લૉગ વેબસાઈટને ઇન્ડિબ્લોગર દ્વારા શ્રેષ્ઠ ગુજરાતી ભાષાની વેબસાઇટનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ ૨૦૦૮થી હું ઓલ ઈન્ડિયા રેડિયો પર ગુજરાતી ભાષામાં સમાચાર વાંચું છું જે મધ્ય આફ્રિકા અને મોરેશિયસમાં પ્રસારિત થાય છે. વર્ષ ૨૦૧૦માં ગુજરાતી નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષર દેહ રૂપે' અને ત્યારબાદ બે-ત્રણ પ્રયોગાત્મક નાટકો તેમજ રેડિયો પર પણ સાત - આઠ નાટકો અને શ્રેણીઓમાં અવાજ આપ્યાં, થોડાં - ઘણાં કાર્યક્રમોનાં સંચાલન કર્યાં - આ બધું શક્ય એટલા માટે જ બન્યું છે કારણ મેં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો છે.
        જો તમે ગુજરાતી માતા પિતા હોવ અને સંતાનને ગુજરાતી માધ્યમમાં ભણાવવું કે અંગ્રેજીમાં એ અંગે અવઢવમાં હોવ તો તેને ગુજરાતી માધ્યમમાં જ ભણાવજો, જો આસપાસ સારી ગુજરાતી શાળા હોય. જો એમ ના હોય તો એટ લિસ્ટ એવી શાળા ગોતજો જ્યાં ગુજરાતી વિષય તરીકે ભણાવાતું હોય. એ પણ શક્ય ન હોય તો તમે પોતે થોડી મહેનત કરી તેને ગુજરાતી ભાષા તો તમારા સંતાનને ચોક્કસ શીખવજો જ.
મારી પુત્રી નમ્યા અત્યારે આઠ વર્ષની થવામાં છે અને તે આઈ. સી. એસ. સી.ના અંગ્રેજી માધ્યમમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. પણ તેને ગુજરાતી લખતા-વાંચતા આવડે છે અને તે ગુજરાતી અને મરાઠી ભાષામાં પણ બાળકોનાં કાર્યક્રમ માટે રેકોર્ડિંગ કરે છે. હું તેને સારા વાંચનમાં રસ પડે એ માટે સતત પ્રયત્નશીલ રહું છું.

No comments:

Post a Comment