Sunday, July 15, 2018

અદ્રશ્ય લેબલનો આદર કરીએ

   હું ડ્રાઇવ કરીને ઓફીસ જઈ રહ્યો હતો. એક મહત્વની અપોઇન્ટમેંટ હતી તેથી હું થોડો ઉતાવળમાં હતો. મારી આગળની ગાડી મારા સતત હોર્ન મારવા છતાં ગોકળગાયની ગતિએ આગળ વધી રહી હતી અને મને આગળ જવાનો માર્ગ આપી રહી નહોતી. મારા ક્રોધનો જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં જ હતો, ત્યાં મારી નજર એ આગળવાળી ગાડીની પાછળ લગાડેલા એક સ્ટીકર પર ગઈ.
"શારીરિક રીતે અક્ષમ, મહેરબાની કરીને ધીરજ રાખો."
.... અને બધું બદલાઈ ગયું. હું તરત શાંત થઈ ગયો. મેં મારી ઝડપ ઘટાડી નાખી. ઉલટાનું હવે હું આગળની એ ગાડી અને ડ્રાઇવર પ્રત્યે થોડો વધુ કાળજીસભર અને સંરક્ષણાત્મક બની ગયો.
હું ઓફીસ થોડો મોડો પહોંચ્યો, પણ થયું કંઈ વાંધો નહીં.
પણ ત્યાં જ મને એક વિચાર આવ્યો કે જો કદાચ પેલું સ્ટીકર ગાડી પર લગાડેલું હોત જ નહીં તો? શું તો મારાં વર્તન અને વલણ બદલાયાં હોત?
અન્યો સાથે વ્યવહાર કરતી વખતે આપણને સ્ટીકરની જરૂર શા માટે પડે છે? શું લોકો પોતાના કપાળે લેબલ ચોંટાડી ફરે તો જ આપણે તેમના પ્રત્યે વધુ ધીરજવાન અને ઉદાર બની શકીએ? લેબલ જેવા કે મારી નોકરી છૂટી ગઈ છે, કેન્સર સામે ઝઝૂમી રહ્યો છું, છૂટાછેડાની વેદના ભોગવી રહી છું, માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યો છું, મારા સ્વજનનું તાજેતરમાં જ મૃત્યુ થયું છે, આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છીએ, મારી જાત પર તિરસ્કાર છૂટે છે વગેરે વગેરે.
દરેકે દરેક મનુષ્ય, આપણને જેની બિલકુલ જાણ નથી એવું એક યુદ્ધ લડી રહ્યો હોય છે. એ અંગે ઓછામાં ઓછું આપણે કંઈક કરી શકીએ એમ હોય તો એ છે તેના પ્રત્યે ધીરજ અને કરૂણા દાખવવા. અદ્રશ્ય એવા ઉપર વર્ણવેલ લેેબલોનો આદર કરીએ.

(ઇન્ટરનેટ પરથી)

1 comment: