Sunday, November 26, 2017

અન્ય પર દોષારોપણની દુર્વૃત્તિ

        સોફ્ટવેર કંપની માં કામ કરતા એક ભારતીય યુવાને તેના જાપાનીઝ ઓનસાઈટ સહકર્મચારીનું બેંગ્લોર ખાતે સ્વાગત કર્યું. તેઓ પોતાની કંપની દ્વારા પૂરી પડાયેલી કારમાં બેસી ઓફિસ તરફ જવા બેંગ્લોરની વ્યસ્ત સડક પર આગળ વધી રહ્યાં હતાં. હવામાન પરની ચર્ચાથી શરૂ થયેલો તેમની વચ્ચેનો વાર્તાલાપ વિકાસ, સ્વચ્છતા વગેરે બાબતો પર આવી થંભ્યો.
      પહેલા એ જાપાનીઝ થોડું ખચકાયો પણ ધીમે ધીમે તેમની વચ્ચે ઓળખાણ વધતાં અને ઔપચારિકતા ઘટતાં તેણે ખૂલીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો કે ભારતમાં કૌશલ્યની કમી નથી પણ કમનસીબે એ અલ્પવિકસીત રાષ્ટ્ર બની રહ્યું છે.
      ભારતીય યુવાને તેને તરત યાદ અપાવ્યું કે "દસમી સદી સુધી ભારત સર્વોપરી રાષ્ટ્ર હતું પણ પાંચસો વર્ષનાં મોગલ શાસન અને ત્રણસો વર્ષનાં બ્રિટિશ શાસનને કારણે અમારી સંસ્કૃતિ પડી ભાંગી અને અમે એક અલ્પ વિકસીત રાષ્ટ્ર બની ગયાં." પછી ભારતીય યુવાને તેને અન્ય કારણો અને વિનાશકારી પરિબળો ગણાવવાં શરૂ કર્યાં જેને લીધે ભારત પછાત રહી જવા પામ્યું છે.
       જ્યારે  તેઓ આ મુદ્દાઓ ચર્ચી રહ્યાં હતાં  ત્યારે જ ગાડી ટ્રાફિક જામમાં ફસાઈ અને ભારતીય યુવાને જોયું કે જાપાનીઝ યુવાન ધ્યાન થી એક પાન મસાલા ખાઈ રસ્તા પર ગાડી નો દરવાજો ખોલી રસ્તા પર થૂંકી રહેલા સુશિક્ષિત લાગતા યુવાનને નિહાળી રહ્યો હતો. તેણે કહ્યું "શું તમે પેલા યુવાનને તમારી સડક ખરાબ કરતાં જોયો? શું તેને આ ખરાબ આદત મોગલો કે બ્રિટિશરો શીખવી ગયાં છે?" 
       ભારતીય યુવાન છોભીલો પડી ગયો. તરત તેણે બીજી એક બાબત નોંધી. સામેની બાજુએ એક વાહન બિનધાસ્ત સિગ્નલ તોડી આગળ જતું રહ્યું. પાછળ બુમરાણ મચી રહી અને ટ્રાફિક વધુ ગૂંચવાયો. 
    તરત તેણે ફરી કહ્યું "જોયું સામે પેલા ગાડી વાળાએ કઈ રીતે સરેઆમ ટ્રાફિક નિયમો નું ઉલ્લંઘન કર્યું અને પાછળ ગૂંચવાડા ને વધુ જટિલ બનાવ્યો? શું ૩૦૦ વર્ષ પહેલાં બ્રિટિશ શાસન તેને આમ નિયમો અને કાયદા તોડતાં શીખવી ગયું? કે પછી તમે ગણાવી રહેલા વિનાશકારી પરિબળો તેને એમ કરવા પ્રેરી રહ્યાં છે, મજબુર કરી રહ્યાં છે?"
     ભારતીય યુવાનને કાપો તો લોહી ન નીકળે એવી તેની સ્થિતિ થઈ ગઈ. તે અવાચક બની જાપાનીઝ યુવાનને સાંભળી રહ્યો. તેણે કહ્યું "તમે લોકો પોતાના સિવાય બીજા બધાં પર દોષ નો ટોપલો ઢોળી દેવામાં માહેર છો. એ તમે લોકો જ છો જેનામાં જાહેરમાં કઈ રીતે વર્તવું તેની સુઝબૂઝ નથી, જેમને નિયમો - કાયદાઓ પ્રત્યે કોઈ આદર નથી, જેમને પોતાના પરિસર ની કોઈ કદર નથી પણ તમે બ્રિટિશરો થી માંડી મોગલો અને સત્તા વાળાઓ થી માંડી ભારત ને તોડવાનો દાવો તમે જેના પર કરો છો એ એજન્ટો સુધી નાં બધાં પર આરોપ લગાડવા માં શૂરા છો.તમને આઝાદી મળ્યાં ને કેટલાં વર્ષ થઈ ગયાં? ૭૦ થી વધુ? અમને જુઓ. 1945માં અમારાં હીરોશિમા, નાગાસાકી સહિત નો અમારો અડધા કરતાં વધુ દેશ સંપૂર્ણ રીતે નાશ પામ્યો. પણ તે બાદ ૨૦ જ વર્ષમાં અમારા માના દરેકે પોતાની જવાબદારી ઉપાડી લીધી અને વિકાસ સાધ્યો. અને અહીં ૭૦ વર્ષ બાદ પણ તમે લોકો બીજા પર આરોપો લગાવવા માં વ્યસ્ત છો જ્યારે વાંક તમારો પોતાનો છે."
 ભારતીય યુવાનને ચોટ લાગી. તેણે કાંઈ જ ખોટું કહ્યું નહોતું. પછી ની આખી સફર દરમ્યાન ભારતીય યુવાન એક પણ શબ્દ બોલી શક્યો નહીં. પણ મનન કરતાં તેને સ્પષ્ટ જણાયું કે :
આપણે ભારતીયોએ દોષા રોપણની દુર્વૃત્તિ માંથી બહાર આવવું પડશે.
આપણે સજ્જ થવું પડશે, શિસ્ત પાળતા શીખવું પડશે. 
રાષ્ટ્રને, નિયમો અને કાયદાઓને, આપણી આસપાસ નાં પરિસર ને આદર આપતાં શીખવું પડશે. તો જ આપણું રાષ્ટ્ર સાચા અર્થમાં વિકસીત થઈ શકશે. આ પરિવર્તન આપણા બધાં માં અંદર થી આવવું જોઇશે. 

(ઇન્ટરનેટ પરથી)

No comments:

Post a Comment