Saturday, April 29, 2017

શ્રદ્ધાનું બળ

એક વેપારી પોતાની ફ્લાઈટ પકડવામાં મોડો પડ્યો હતો. અતિ ઉતાવળે તે એરપોર્ટ પર પોતાનો માર્ગ કાપી બોર્ડીંગ ગેટ બંધ થાય પહેલા ત્યાં જઈ પહોંચ્યો.પસીને રેબઝેબ હાલતમાં હાંફતા હાંફતા તેણે કાઉન્ટર પર પોતાનો બોર્ડીંગ પાસ બતાવ્યો. છેવટે તે વિમાન સુધી પહોંચ્યો ત્યારે તેણે હાશ અનુભવી.
તે પોતાની બેઠક પાસે પહોંચ્યો અને તેણે જોયું કે તેની જમણી બાજુ બારી પાસેની બેઠક એક આધેડ વયની મહિલાને ફાળવાયેલી હતી જ્યારે ડાબી બાજુની બેઠક પર એક નાનકડી બાળકી બેઠી હતી. પોતાની બેગ માથા પરના ખાનામાં મૂકી તેણે વચ્ચેની પોતાની બેઠક ધારણ કરી.
ફ્લાઈટ શરૂ થયા બાદ તેણે નાનકડી બાળકી સાથે વાર્તાલાપ શરૂ કર્યો. બાળકીની ઉંમર વેપારીની નાનકડી દિકરીની ઉંમર જેટલી હતી. વિમાનમાં બેઠા બેઠા પોતાની ચિત્રકલાની ચોપડીમાં એકાદ ચિત્રમાં રંગ પૂરવામાં વ્યસ્ત હતી.
વેપારીએ તેને કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા જેમકે તેની વય ( વર્ષ), તેના શોખ (કાર્ટૂન્સ અને ચિત્રકામ) અને તેના મનપસંદ પ્રાણી (ઘોડા સુંદર હોય છે પણ તેને તો બિલાડીઓ ખુબ વ્હાલી!). તેને ભારે નવાઈ લાગી રહી હતી કે આટલી નાની બાળકી વિમાનમાં એકલી પ્રવાસ ખેડી રહી હતી પણ તેને અંગે પૃચ્છા કરવાનું મુનાસીબ લાગ્યું અને તેણે મનોમન જ ફ્લાઈટ ગંતવ્ય સ્થાન સુધી પહોંચી જાય ત્યાં સુધી બાળકીનું ધ્યાન રાખવા નક્કી કર્યું.
એકાદ કલાક બાદ અચાનક વિમાને તોફાની વાતાવરણ નો સામનો કરવો પડ્યો અને વિમાન જાણે ધ્રુજવા માંડ્યુ. પાઈલોટે માઈક પર પ્રવાસીઓને સીટબેલ્ટ બાંધી લેવા અને પોતાની સીટ જાળવી રાખવા અનુરોધ કર્યો અને બહારની વિષમ પરિસ્થિતીથી તેમને માહિતગાર કર્યા.
પછી અડધા કલાક સુધી વિમાન સતત ધ્રુજારીઓ અનુભવતું રહ્યું, ઘડીક ઉંચુ તો ઘડીક નીચુ ઉડતું રહ્યું. કેટલાક પ્રવાસીઓ ડરના માર્યા રડવા માંડ્યા તો કેટલાક પ્રભુ સ્મરણમાં લીન થઈ ગયા.વેપારીની જમણી બાજુએ બેઠેલી સ્ત્રી પણ મોટે થી પ્રાર્થના ગાવા માંડી. વેપારી પોતે પણ ઘણો ગભરાઈ ગયો અને પસીનો પસીનો થઈ ગયો અને તેણે પોતાની સીટના હાથ રાખવાના સ્ટેન્ડ સખત ભીંસીને પકડી રાખ્યા.
પણ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન નાનકડી છોકરી શાંતિથી બેસી રહી હતી. તેના કલરીંગ બુક અને ક્રેયોન કલર્સ તેણે શાંતિથી સામે સીટ પોકેટમાં ગોઠવી દીધા હતા અને તે પોતાના બંને હાથ આર્મ રેસ્ટ પર રાખી શાંતિથી પોતાની બેઠક પર બેસી હતી. તેના ચહેરા પર ભય કે ચિંતાનું નામોનિશાન નહોતું.
છેવટે થોડી વારમાં તોફાન શમી ગયું. પાઈલોટે પ્રવાસીઓની અગવડભરી યાત્રા માટે માફી માગી અને જાહેર કર્યું કે તેઓ હવે ટૂંક સમયમાં જમીન પર સુરક્ષિત ઉતરાણ કરશે. વિમાને ધીમે ધીમે ઉતરાણ શરૂ કર્યું દરમ્યાન વેપારીએ નાનકડી છોકરી ને કહ્યું ," તુ આટલી નાની છોકરી છે પણ સાચુ કહુ છુ મેં તારા કરતા બહાદુર વ્યક્તિ આજ પર્યંત મારા જીવન માં જોઈ નથી.અમે બધા વયસ્કો આટલા બધા ગભરાઈ ગયા હતા ત્યારે તું આટલી શાંત કેવી રીતે રહી શકી?"
તેની આંખોમાં સીધા જોતા બાળકીએ કહ્યું," વિમાનના પાઈલોટ મારા પિતા છે અને મને મારા ઘરે લઈ જઈ રહ્યા છે."
જો આપણે શ્રદ્ધાના બળને પારખી શકીશું તો આપણે ચમત્કારો માટે રાહ નહિ જોવી પડે. જો તમારા માતાપિતા તમારી સાથે હોય તો તમારે ચમત્કારો ની જરૂર નહિ પડે.


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. રોહિત કાપડિયાMay 3, 2017 at 10:02 AM

    'શ્રદ્ધાનું બળ' બહુ જ ખૂબસુરત સંદેશો આપે છે. જિંદગીની સફરમાં આપણે એક પ્રવાસી છીએ અને આપણી સફરનું સંચાલન કરનાર પરમપિતા પરમેશ્વર છે.આપણને જો એનામાં પૂરતો વિશ્વાસ હશે તો ગમે એવી વિકટ પરિસ્થિતિમાંથી પણ એ આપણને સાંગોપાંગ પાર ઉતારશે.

    ReplyDelete