Saturday, November 19, 2016

આપણે ગુજરાતીઓ …(ભાગ - ૧)

ઇન્ટરનેટ પર વાંચવામાં આવેલા આ લેખના મૂળ લેખક કોણ છે એની ખબર નથી પણ એક ગુજરાતીની લાક્ષણિકતાઓને તેમણે એટલી બખૂબી વર્ણવી છે કે એ દરેક ગુજરાતીને ચોક્કસ ગમશે!

હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય. ?
(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.
(2) 'કેર-ફ્રી' સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
(3) 'ચાલુ' સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.
(4) 'ચિત્ર-વિચિત્ર' ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.
આ સમયે એક 'મહાન વ્યક્તિ' ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે? એ 'મહાન' વ્યક્તિ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે 'ગુજરાતી' !
આખી દુનિયામાં 'વર્લ્ડ બેસ્ટ વેપારી'નો જેને એવોર્ડ મળેલો છે, તે છે – હું, તમે અને આપણે બધા – 'ગુજરાતીઓ', પણ આપણે માત્ર વેપારી જ નથી, વેપારીથી પણ વિશેષ છીએ. આપણો સ્વભાવ, આપણી આદતો, આપણી ખાસિયતો આપણને બીજાથી નોખાં અને જુદાં બનાવે છે. તો ચાલો આપણે ગુજરાતીઓ કેવા છીએ એની ચર્ચા આજે એરણ ઉપર ચઢાવીએ.
આપણા ભારત દેશનો નકશો જુઓ તો એમાં પશ્ચિમ છેડે હસતાં મોઢાના આકારવાળું રાજ્ય દેખાશે. આ હસતું મોઢું એટલે આપણું ગુજરાત અને તેમાં વસતા સાડા પાંચ કરોડ હસતાં મોઢા એટલે આપણે ગુજરાતીઓ, પણ ગુજરાતીઓ માત્ર ગુજરાતમાં જ વસે છે તે માનવું ભૂલભરેલું છે. ગુજરાતીઓ આખી દુનિયામાં બધે જ ફેલાયેલા છે અને બધી જ જગ્યાએ ધંધો કરી 'બે પૈસા' કમાઈ રહ્યા છે.
વિશ્વપ્રવાસે નીકળવાના શોખીન ગુજરાતીઓમાનો કોઈ સહારાનું રણ જોવા જાય અને ત્યાં તેને ચાની કીટલી ચલાવતો ગુજરાતી મળી જાય તેવું બને ખરું! પેંગ્વિન કે સફેદ રીંછ ઉપર રિસર્ચ કરતો વૈજ્ઞાનિક એન્ટાર્કટિકામાં જાય ત્યારે ત્યાં તેને આઈસ્ક્રીમ પાર્લર ચલાવતો ગુજરાતી મળી જાય એવું પણ બને.
'મનીમાઈન્ડેડ' તરીકે જાણીતા ગુજરાતીઓનો પૈસા કમાવાનો ગાંડો શોખ તેમને દુનિયામાં બધે જ લઈ જાય છે (કાયદેસર કે ગેરકાયદેસર !). તેમાંય ફોરેન જવા માટે ગુજરાતીઓનો સૌથી ફેવરિટ દેશ હોય તો અમેરિકા. જેમ વૈજ્ઞાનિકોને મંગળ કે ચંદ્ર પર જવાનું વળગણ હોય છે તેમ ગુજરાતીઓને કોઈ પણ રીતે અમેરિકા વટી જવાનું વળગણ હોય છે. ત્યાં જઈને ભલે 'કંઈ પણ' કરવું પડે પણ તે માટે તેઓ અહીંયા 'કંઈ પણ' કરવા તૈયાર હોય છે. કેટલાક તો માણસમાંથી 'કબૂતર' બનવા તૈયાર થઈ જાય છે.. આ 'કબૂતરો'નું અંતિમ લક્ષ્ય ડૉલરનું ચણ ચણવાનું હોય છે. (કેમકે, એક ડૉલર બરાબર પચ્ચાહ રૂપિયા થાય ને ભઈ!) આને જ રિલેટેડ આપણી એક બીજી આદત પણ છે.
આપણને આપણી ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી ભાષાનું સોલિડ વળગણ છે. યુ નો, આપણે બધા સેન્ટેન્સમાં વિધાઉટ એની રિઝન ઈંગ્લિશ વર્ડઝ ઘૂસાડી દઈએ છીએ. ગમે તેવું ખોટું અને વાહિયાત અંગ્રેજી બોલનારાઓને આપણે બહુ હોશિયાર ગણીએ છીએ. ગુજરાતી સારું બોલતા ના આવડતું હોય તો ચાલે પણ બકવાસ અંગ્રેજી બોલતા તો આવડવું જ જોઈએ તેવો આપણને ભ્રમ પેસી ગયો છે. બે-ચાર ગુજરાતીઓ ક્યાંક ભેગા થાય તો તેમને અંગ્રેજી બોલવાનો એટેક આવે છે. કેટલાક તો અંગ્રેજી છાંટવાળું પહોળાં ઉચ્ચારોવાળું ગુજરાતી બોલતા હોય છે અને તેનો ગર્વ અનુભવે છે.
(ઓકખેગાય્ઝ એન્ડ ગાલ્ઝ.હું છુંત...મારો... દોસ્તઍન્ડહો..સ્ટ વિનુવાહિયાત. ઍન્ડતમે લિસન કરી રહ્યા છોરેડિયો ચારસો વીસ. ઈરોકિં)
આવી રીતે ગુજરાતી ભાષાના 'સિસ્ટર મેરેજ' કરવા બદલ રેડિયો જોકીઓ અને ટીવી પ્રોગ્રામના એન્કરોને તો ખાસ શૌર્યચંદ્રક આપવો જોઈએ. સરસ-મજાની વિપુલ પ્રમાણમાં શબ્દભંડોળ ધરાવતી આપણી માતૃભાષા ગુજરાતીની સૌથી વધુ અવગણના કરતાં હોય તો તે આપણે પોતે જ છીએ. (અંગ્રેજી શીખવામાં કંઈ જ વાંધો નથી, પણ ગુજરાતી ભાષાને બગાડો એ ખોટું ને, ભઈ ?!)

(ક્રમશ:)


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. Most of the head of the Department are Gujratis. We got freedam due to Gujrati--Gandhji. Our PM Narendra Modi is Gujrati.
    In all corner of the world Gujratis are there.----Pravin H Shah 9870079608 E mail pshah1949@gmail.com

    ReplyDelete