Saturday, November 12, 2016

પરીકથાઓ ફરી લખવાનો સમય આવી ગયો છે...

"...અને રાજકુમારીએ જોયું કે તે એક ઉંચા મકાનમાં કેદ થઈ ગઈ હતી જેની આસપાસ દુર્ગંધથી ઉભરાતું તળાવ હતું જેમાં સેંકડો મગર હતાં અને મકાનની ચોકી મોઢામાંથી આગ ઓંકતું એક ડરામણુ રાક્ષસી પંખી કરી રહ્યું હતું..." માતા પહોળી આંખો સાથે અને ગંભીર અવાજે પોતાની નાનકડી દિકરી સામે વાર્તાનું આગળનું પાનું વાંચતા બોલી. પછી થોડો ઉદાસ ચહેરો બનાવી બોલી," ..અને રાજકુમારી પોતાના સોહામણા રાજકુમારની વાટ જોતી રહી...જોતી રહી.."
"પણ મમ્મા રાજકુમારી રાજકુમારની વાટ શા માટે જોતી રહી?" નાનકડી દિકરી અકળામણ અને અધીરતા સાથે પૂછ્યું.
"જેથી આવી ને તેને બચાવી લે… એટલે ગાંડી!" માતાએ જવાબ આપ્યો.
દિકરી હવે પૂછ્યું," પણ રાજકુમારી ને બચવા માટે રાજકુમારની રાહ શા માટે જોવી પડે મમ્મા?" તરત દિકરી નવો સવાલ કર્યો.
" તો.... તો..." માતા જવાબ આપવા શબ્દો શોધી રહી...
માતા કંઈ જવાબ આપે પહેલા દિકરી ગર્વ અને હિંમતભેર બોલી,"જો રાજકુમારીની જગાએ હું હોત તો મેં વર્ષોના વર્ષો સુધી રાજકુમારની રાહ જોવાને બદલે પેલા ડરામણા રાક્ષસી પંખી સાથે દોસ્તી બાંધી લીધી હોત અને હું તેની પર બેસી જલ્દી ત્યાંથી ભાગી છૂટી હોત! મેં પોતે મારી જાતને રીતે બચાવી લીધી હોત. રાજકુમારી મૂરખી કહેવાય!"
આટલું કહી ઉભી થઈ પાણી પીવા ચાલી ગઈ. પણ તેના જવાબે અને વિચારોએ તેની માતાના મોઢા પર સ્મિત લાવી દીધું અને મનોમન બોલી,"લાગે છે હવે નવા યુગની પરીકથાઓ ફરી લખવાનો સમય આવી ગયો છે..."
ચાલો આપણે આપણી દિકરીઓને સ્વનિર્ભર અને સ્વતંત્ર બનતા શિખવીએ જેથી તેમણે તેમના પોતાના કલ્યાણ માટે કો રાજકુમાર કે ચમત્કાર ની રાહ જોવી પડે...


('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment