Saturday, September 17, 2016

નાનકડી કીડી અને મોટું પાન

રવિવારની એક સવારે એક શ્રીમંત શેઠ પોતાના બંગલાના વરંડામાં બેઠા બેઠા કુમળા તડકાની મજા અને ચાની ચૂસકી માણી રહ્યા હતા ત્યાં તેમની નજર એક નાનકડી કીડી પર પડી જે પોતાના કદ કરતા ઘણું મોટું લીલું પાન પોતાના માથે ઉંચકી એક જગાએ થી બીજી જગાએ લઈ જઈ રહી હતી.
                શેઠને દ્રષ્યમાં રસ પડ્યો અને તે ઘણી વાર સુધી જોતા રહ્યા. તેમણે જોયું કે નાનકડી કીડીના માર્ગમાં અનેક અડચણો આવી.તે અટકતી, ક્યાંક માર્ગ બદલી લેતી અને ફરી આગળ વધતી અને અંતે તે પોતાની મંઝીલ સુધી પહોંચી ગઈ.
એક સમયે તેના માર્ગમાં એક મોટી તિરાડ આવી ત્યારે નાનકડી ચતુર કીડીએ જરા વાર થોભી, જાણે સમસ્યાનો ઉકેલ વિચાર્યો, પાનને તિરાડ પર મૂકી દીધું, પોતે તિરાડની બીજી બાજુ ચાલી ગઈ અને પછી બીજી બાજુએ થી ફરી પાન ઉંચકી પોતાની યાત્રા આગળ વધારી.
શેઠ તો ઇશ્વરના અદભૂત સર્જન એવા નાનકડા જીવના ખંત અને ચતુરાઈ પર વારી ગયા! પ્રસંગે શેઠને આભા બનાવી મૂક્યા અને તે સર્જન પ્રક્રિયાના ચમત્કાર વિશેના ચિંતનમાં ખોવાઈ ગયા. પ્રસંગ સર્જકની મહાનતા છતી કરતો હતો.
થોડી વાર પછી કીડી જ્યારે પોતાના દર સુધી પહોંચી ગઈ ત્યારે તેણે નોંધ્યુ કે પાન તેના ઘરના પ્રવેશ દ્વાર કરતા કદમાં ઘણું મોટુ હોવાને લીધે અંદર લઈ જઈ શકાશે નહિ.આથી નાનકડા જીવે આટલી મથામણ અને મહેનત બાદ, માર્ગમાં આવેલી દરેક મુસીબતોનો હિંમત પૂર્વક સામનો કર્યા બાદ ત્યાં સુધી તાણી આવેલું પાન પ્રવેશદ્વાર પાસે મૂકી દીધું અને ઘરમાં ખાલી હાથે જતી રહી.
કીડી અંત વિશે પોતાની યાત્રા શરૂ કરતા પહેલા વિચાર્યું નહોતું. અંતે તો તેણે માથે ઉંચકી આટલી મહેનત બાદ તાણી આવેલું તેના કદ કરતા ઘણું મોટું પાન તેના માટે બિનજરૂરી ભાર સાબિત થયું. નાનકડા જીવ પાસે તેને ત્યજી દેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહિ, જેથી પોતાના ધામમાં પ્રવેશી શકે. શેઠે થોડો ઉંડો વિચાર કરતા બીજું એક અતિ મહત્વનું રહસ્ય તેમને લાધ્યું.
આપણે સૌ પેલી કીડી સમાન છીએ. આખી જિંદગી આપણે આપણા પરીવારની ચિંતા કરીએ છીએ, આપણા નોકરી-ધંધાની ચિંતા કરીએ છીએ, કઈ રીતે વધુમાં વધુ પૈસા કમાવા તેની ચિંતામાં રમમાણ રહીએ છીએ. ત્રણ બેડરૂમ કે ચાર બેડરૂમ વાળા ઘરમાં રહીશું - મર્સીડીઝ ,બી.એમ.ડબલ્યુ કે પોર્શ કાર વસાવીશું, કયા પોષાક પહેરીશું વગેરે અનેક ચિંતાઓ આપણને સતાવે છે. પણ જ્યારે આપણે આપણા અંતિમ સ્થાને, પરમ ધામે સિધાવીએ છીએ ત્યારે સઘળું આપણે ત્યજી દેવું પડે છે.
આપણી જીવન યાત્રા દરમ્યાન આપણને વાત નો ખ્યાલ નથી આવતો કે બધો નિરર્થક બોજ છે જે આપણે અતિ કાળજી પૂર્વક વેંઢારીએ છીએ અને સતત એને ગુમાવી બેસવાનો ડર સેવતા હોઇએ છીએ પણ અંતે તેમાનું કંઈ આપણે સાથે લઈ જઈ શકતા નથી... 


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. ભદ્રા છેડા, હિતેશ સંઘવીSeptember 17, 2016 at 8:34 AM

    કીડી અને પાનની વાર્તા ખુબ સારી હતી. આવું શિખવા મળે એવું લખાણ લખતા રહો.

    ReplyDelete