Thursday, September 8, 2016

પાગલમામા

કાળીબંડી પહેરી વચ્ચે બેઠેલા પાગલમામા છે, તેમની આસપાસ જેમની તેઓ સેવા કરે છે તેવા માનસીક બીમાર દર્દીઓ છે
હું તો સાહેબ ટ્રક ડ્રાઈવર મને કઈ ખાસ ખબર પડે નહીં, પણ મારા ગુરૂએ મને આદેશ કર્યો કે જેનું કોઈ ના હોય તેની સેવા કરજે. હું રોજ સવારે ટ્રક લઈ નિકળુ ત્યારે હાઈવે ઉપર અનેક વખત મારી નજર રસ્તે રજળતા પાગલો તરફ જતી, મેલા-ઘેલા ફાટી ગયેલા કપડા, વધી ગયેલા વાળ અને નખ અને અત્યંત દયનિય સ્થિતિમાં હું તેમને જોતો. મને લાગ્યુ કે આમનુ કોણ ધ્યાન આપશે અને મેં મારૂ કામ શરૂ કર્યુ.
ટ્રક લઈ નિકળુ ત્યારે મારી ડ્રાઈવર કેબીનમાં પાણીના કેરબા, જુના કપડાં અને કાતર અને દાઢીનો સામાન લઈ નિકળતો.. રસ્તામાં કોઈ પાગલ મળે તો ટ્રક ઉભી રાખી તેને પહેલા સ્નાન કરાવી દઉ, તેના વાળ અને દાઢી સરખી કરી દઉ, મારી પાસેના જુના કપડાં પહેરાવી, નજીકની કોઈ હોટલમાંથી જમવાનું લાવી જમાડી આગળ વધી જઉ.. આવુ લગભગ સળંગ ત્રીસ વર્ષ સુધી ચાલ્યુ
વાત છે પોરબંદરના ટ્રક ડ્રાઈવર વળકાભાઈ પરમારની આજે તેમની ઉમંર પાંસઠ વર્ષની તેમી પાસે પૈસાનો  ત્યારે પણ ન્હોતા .અને આજે પણ નથી, છતાં તેમની દિલની શ્રીમંતાઈ દેશના કોઈ પણ ઉદ્યોગપતિને કરતા અનેક ગણી વધારે છે.
વળકાભાઈ કહે છે, સતત ત્રીસ વર્ષ ટ્રકનું ડ્રાઈવીંગ અને પાગલોની સેવા કરી, બાળકો મોટા થઈ ગયા , તેમણે મને કહ્યુ હવે કામ કરવાનું છોડી દો, અમે કમાવવા લાગ્યા છીએ, એટલે ટ્રક ચલાવવાનું છોડી દીધુ, પણ હવે હું કયા પાગલની સેવા કરીશ તેવો પ્રશ્ન ઉભો થયો, ટ્રક ચલાવતો તેના કારણે રસ્તા ઉપર પાગલો મળી જતા પણ હવે તો ઘરે બેઠો હતો. એક દિવસ પોરબંદરમાં મને એક પાગલ મળી ગયો, હું તેને લઈ ઘરે આવ્યો.. મારી પત્ની મારા કામથી પરિચીત હતા, પણ તેણે મને સવાલ કર્યો કે તમે પાગલોની સેવા કરો તેમાં મને કોઈ વાંધો નથી, પણ તમે પાગલને ઘરે રાખશો ગામવાળા વાંધો લેશે.
મને તેની વાત સાચી લાગી મને હવે પાગલો માટે  વધુ સારી રીતે કઈક કરવાનો નિર્ણય કર્યો, પોરબંદરથી ત્રીસ કિલોમીટર દુર ગોરસર ગામ આવેલુ છે, ત્યાં ખુલ્લી જગ્યા હતી, ત્યાર પતરાના શેડમાંથી પાગલોને શોધી લાવી તેમની સેવા શરૂ કરી, જો કે પૈસા હતા નહીં તેના કારણે સૌથી પહેલો પ્રશ્ન આવ્યો કે તેમને જમાડીશ કેવી રીતે એટલે રોજ ઘરે ઘરે જઈ ભીખ માંગતો, લોકો પાસેથી જમવાનું ઉઘરાવી તેમને જમાડવા લાગ્યો.
વળકાભાઈની પાગલો તરફની ઘુનને કારણે લોકો તેમને પાગલ મામાને નામે ઓળખવા લાગ્યા, એક દિવસ પાગલ મામાની વાત જુનાગઢના મનોચિકીત્સક ડૉ બકુલ બુચ સુધી  પહોંચી, તે સમય કાઢી મામાને મળવા આવ્યા ત્યારે 19 પાગલો હતા. ડૉ બકુલ બુચ કહે છે તેમનું કામ જોઈ હું પ્રભાવીત થયો, પણ માત્ર સેવા કરવાનો કોઈ અર્થ ન્હોતો. મેં તેમના સમજાવ્ય કે બધા માનસીક રોગના દર્દી છે, તેમની સાચી સેવા તો થાય જો તેમની સારવાર કરાવી તેમને ફરી સાજા કરી તેમના પરિવાર પાસે મોકલી શકાય. મામા તૈયાર થઈ ગયા.
ડૉ બકુલ બચુની મદદ મળી, જુનાગઢ લગભગ એક સો કિલોમીટર દુર છે છતાં મહિનામાં બે વખત ડૉ બુચે ગોરસર ગામના મામાની પાગલોના આશ્રમમાં  જવાની શરૂઆત કરી, મામા જેમને લઈ આવ્યા હોય તેવા પાગલોને ડૉ બુચ તપાસી નિદાન કરી દવાઓ પણ આપતા જાય, મામા તે તમામને યાદ રાખી દવાઓ પણ આપવા લાગ્યા, અને મામાની સેવા અને ડૉ બુચની દવા રંગ લાવી પાગલો સારા થવા લાગ્યા, તેમને પોતાનું નામ અને સરનામુ પણ ખબર હતી, હમણાં સુધી પાંચસો કરતા વધુ પાગલોને સાજા થયા બાદ તેમના ઘર સુધી પહોંચાડયા, ઘણા એવા પણ લોકો છે કે સાજા થયા બાદ તેમના પરિવારને જાણ કરવા છતાં તેઓ લેવા આવતા નથી. મામા કહે છે કઈ વાંધો નહીં, તેમનું અન્નપાણી આપણે ત્યાં લખ્યુ છે માટે ભલે રહે. મામાના કામથી પ્રભાવીત થઈ નેધરલેન્ડ સરકારે સેવા સંબંધીત ખાસ એવોર્ડ આપવાની જાહેરાંત કરી, ત્યારે મામાએ વિનંતી કરી હતી કે એવોર્ડની ચોકક્સ રકમને બદલે મને દર્દીઓ માટે દવાઓ  આપવામાં આવે તો સારૂ છે.
પાગલમામા કહે છે કે અહિયા પાગલોની સેવા થાય છે તે બધાને ખબર છે, એટલે રસ્તે કોઈ પાગલ મળે તો લોકો અહિયા મુકી જાય છે. ઉપરાંત પોરબંદર રેલવે સ્ટેશન છેલ્લુ જંકશન છે અહિયાથી ટ્રેન આગળ જતી નથી. ટ્રેનોમાં પણ ઘણા પાગલો આવી જાય છે, જેને રેલવે અને પોલીસ નીચે ઉતારી દે છે, પાગલો સ્ટેશન ઉપર ફરતા હોય છે, પણ હવ પોરબંદરના રીક્ષાવાળા પણ આવા પાગલને જુવે એટલે રીક્ષામાં બેસાડી આશ્રમમાં મુકી જાય છે.
પોરબંદર મહાત્મા ગાંધીની જન્મ ભુમી છે કોઈક દિવસ બાપુની જન્મભુમી જોવા જાવ તો પાગલમામાના આશ્રમમાં પણ જઈ આવજો, કારણ આપણા દેશમાં દરેક દસકામાં આપણને ગાંધી કોઈને કોઈ નવા સ્વરૂપે મળતા રહ્યા છે. અને જુનાગઢ ગીરનાર જોવા જાવ તો ડૉ બકુલ બુચને મળજો, ગીરનાર ઉપર ભગવાન દત્તાત્રય છે, તે તળેટીમાં ડૉ બકુલ બુચ છે આપણે . કોર્પોરેટ હોસ્પિટલોના રાફડો ફાટયો છે ત્યારે ડૉ બુચ જેવા ડૉકટરોને જોઈ લાગે છે હજી આપણે નિરાશ થવાની જરૂર નથી

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment