Saturday, April 23, 2016

ભગવાનમાં શ્રદ્ધા

**************************************************************
આજેઇન્ટરનેટ કોર્નર’નો ૬૦૦મો લેખ રજૂ કરતા બેહદ ખુશીની લાગણી અનુભવી રહ્યો છું. નવા નવા તેમજ જૂના નિયમિત વાચકો તેમનો પ્રતિભાવ શેર કરી  બિરદાવતા રહે છે અને મને વ્યસ્ત સમયપત્રકમાંથી પણ થોડો સમય અચૂક ચોરી લઈ સારી સારી નાની-મોટી વાતો ભાવાનુવાદીત કરી તમારા સૌ સાથે વહેંચવાનું બળ અને પ્રેરણા મળતા રહે છે. શ્રેણીના આઠ પુસ્તકો (કથાકોર્નર, મહેક, કરંડીયો, આભૂષણ, ઝરૂખો, કથાકળશ, સ્પર્શ અને ઉપહાર) મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક  છે  જે કટારની લોકચાહના અને તમારા સૌના પ્રેમથી શક્ય બન્યું છે. હ્રદયપૂર્વક આભાર!
- વિકાસ ઘનશ્યામ નાયક
**************************************************************

નાનો પરીવાર ધરાવતી એક અતિ ગરીબ સ્ત્રીએ એક વાર ભગવાનની મદદ માગવા રેડીઓ સ્ટેશને ફોન કર્યો.
એક નાસ્તિક માણસ પણ રેડીઓ કાર્યક્રમ સાંભળી રહ્યો હતો. તેણે પેલી ગરીબ સ્ત્રીની મજાક ઉડાવવાનું નક્કી કર્યું.
તેણે સ્ત્રીનું સરનામુ નોંધી લીધુ અને પોતાની સેક્રેટરી ને સારી એવી ખાદ્યસામગ્રી ખરીદી પેલી સ્ત્રીને ત્યાં પહોંચાડી આવવાની આજ્ઞા કરી. પણ તેણે પોતાની સેક્રેટરી ને એક વિચિત્ર સૂચના આપી. તેણે કહ્યું જ્યારે ગરીબ સ્ત્રી પૂછે કે ખાવાનું કોણે મોકલાવ્યું છે ત્યારે જવાબ આપવો કે શેતાને મોકલાવ્યું છે.
સેક્રેટરી તો પોતાના બોસની  આજ્ઞા પ્રમાણે સારી એવી માત્રામાં ખાદ્યસામગ્રી ખરીદી અને પેલી ગરીબ સ્ત્રીના ઘરે પહોંચાડી. ગરીબ સ્ત્રી તો આટલી બધી ખાદ્યસામગ્રી જોઈને રાજીના રેડ થઈ ગઈ. આભારવશતાની લાગણી અનુભવતા અનુભવતા તેણે બધો સામાન પોતાના નાનકડા ઘરમાં ગોઠવવા માંડ્યો.
સેક્રેટરી થોડી રાહ જોયા બાદ જ્યારે ગરીબ સ્ત્રીના તરફથી કોઈ સવાલ થયો ત્યારે અકળાઈને સામેથી પૂછી નાખ્યું ," શું તમને જાણવાની ઇચ્છા નથી કે બધું કોણે મોકલાવ્યું?"
ગરીબ સ્ત્રીએ જવાબ આપ્યો,"ના. જેણે મોકલાવ્યું હોય તેનો ખૂબ ખૂબ આભાર માનજો. મને એની પરવા નથી જે કોઈ પણ હોય કારણ જ્યારે મારો ભગવાન હૂકમ કરે ત્યારે શેતાને પણ તેની આજ્ઞાનું પાલન કરવું પડતું હોય છે!"

ચિંતાઓનો અસ્ત પામે છે જ્યારે શ્રદ્ધાનો ઉદય થાય છે.


('ઈન્ટરનેટ પરથી')

4 comments:

  1. જયસિંહ સંપટMay 1, 2016 at 4:48 AM

    'ઇન્ટરનેટ કૉર્નર'ના છસો લેખ પૂરા થવાની ખુશાલી માટે દિલભર્યા અભિનંદન. અત્યારે કાળઝાળ તપ્ત હ્રદયોને તમારા લેખ શીતળતા બક્ષે છે. જિંદગીથી થાકેલા કે હતાશ થયેલા લોકોને જિંદગી પુનઃ જીવી જવા માટે પ્રેરણાદાયક બને છે. ઈશ્વર તમને વર્ષો સુધી લોકોને પ્રેરણાના પિયુષ પીવડાવવાની પ્રેરણા અને શક્તિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે તહેદિલથી પ્રાર્થના!

    ReplyDelete
  2. રોહિત કાપડિયાMay 1, 2016 at 4:49 AM

    'ભગવાનમાં શ્રદ્ધા' બહુ જ સુંદર લેખ. આ મણકા સાથે આપની આ શૃંખલાના ૬૦૦ મણકા પૂર્ણ થયાં તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. મને એક વાત યાદ આવે છે. ગાલિબે એક વાર જે માળાથી અલ્લાહનું નામ ગણતા હતાં તે માળા તોડી નાખી માત્ર એક જ વિચારે કે જે મને બેહિસાબ આપે છે તેનું નામ ગણી ગણીને શા માટે લઉં. આપની સિદ્ધિનાં આ સુવર્ણ દિવસે હું પણ એક જ વિચાર કરું છું કે શા માટે આ મણકાઓ હું ગણું, જ્યારે અમે આપની પાસેથી આવાં અગણિત મણકાની અપેક્ષા રાખીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્મા આપના દ્વારા અમારી આ અપેક્ષા જરૂરથી પૂરી કરે એ જ પ્રાર્થના.

    ReplyDelete
  3. ઘનશ્યામ એચ ભરૂચાMay 1, 2016 at 4:51 AM

    ભગવાન પર પૂર્ણ રીતે વિશ્વાસ અને આસ્થા હોવી જરૂરી. 'ભગવાનમાં શ્રદ્ધા' વાર્તા ગમી ગઇ. માનવે કેવળ ભગવાન પર વિશ્વાસ કરવાથી શેતાનની હાર થાય છે.

    ReplyDelete
  4. ધીરજ મારુ, વિક્રમ મહેતા, ચન્દ્રેશ મહેતા, નીતા દાસાણી, રસીલા બોસમીયા, રાજેશ મોદી, સુજાતા શાહMay 1, 2016 at 4:52 AM

    600 લેખ માળા ના તમામ મણકા ઓ વિવિધતાથી મહેકી વાંચન પ્રવાસને યાદગાર બનાવી દીધો. વિકાસભાઇ તમને અભિનંદન. સ્નેહ સભર વંદન.

    ReplyDelete