Sunday, April 3, 2016

તમારા મન ને હળવું અને મુક્ત કઈ રીતે કરશો

આદિ શંકરાચાર્ય તેમના શિષ્યો સાથે બજારમાં ચાલી રહ્યા હતા.
તેમની દ્રષ્ટી એક માણસ પર પડી જે રસ્સી વડે પોતાની ગાય ને ખેંચી જઈ રહ્યો હતો.
શંકરાચાર્યે માણસ ને થોભવા કહ્યું અને પોતાના શિષ્યોને તે માણસને ઘેરી ઉભા રહેવાની સૂચના આપી.
પછી તેમણે પૂછ્યુ," કહો જોઈએ આમાં કોણ કોનાથી બંધાયેલું છે? માણસ ગાયને કે ગાય માણસને?"
શિષ્યો તરત એકી સૂરે બોલે ઉઠ્યા "ગાય માણસ થી બંધાયેલી છે."
સૌથી ચતુર એવા એક શિષ્યે ઉમેર્યું,"માણસ તેનો માલિક છે. તેના હાથમાં રસ્સી છે. આથી તે જ્યાં જાય ત્યાં ગાયે તેની પાછળ દોરાવું પડે. માણસ માલિક અને ગાય તેની ગુલામ છે."
"હવે ધ્યાનથી જુઓ" એમ કહી શંકરાચાર્યે પોતાના ઝોળામાંથી કાતર કાઢી અને ગાયના ગળે બાંધેલી રસ્સી કાપી નાંખી.
ગાય મુક્ત થતાં તરત દોડવા માંડી અને તેનો માલિક એવો પેલો માણસ એની પાછળ પાછળ!
શંકરાચાર્યે પૂછ્યુ,"જોયું હવે શું થાય છે? હવે કોણ માલિક છે? ગાયને તેના માલિકમાં જરા પણ રસ નથી. ઉલટું ગાય તેનાથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે.
આવું આપણા મનનું છે. ગાયની જેમ ,આપણે જે જે અર્થહીન વિચારો મનમાં ભરી રાખીએ કે કર્યા કરીએ છીએ તે આપણા થી દૂર ભાગવા પ્રયત્ન કરે છે. તેને આપણામાં બિલકુલ રસ નથી પણ આપણે તેમને પસંદ કરીએ છીએ.આપણે તેમને કોઈક ને કોઈક રીતે આપણી પાસે જકડી રાખીએ છીએ.આપણે તેમને આપણા કાબૂમાં રાખવા શક્ય એટલા બધા પ્રયાસ કરી છૂટીએ છીએ.
જેવા આપણે મગજમાં ભરી રાખેલા કચરા જેવા નિરર્થક વિચારોમાં રસ લેવાનું બંધ કરી દઈશું,અને જેવા આપણે આ નકામા વિચારોની નિરર્થકતા સમજી શકીશું કે તે આપણાથી દૂર ભાગવા માંડશે. ગાયની જેમ એ પણ છટકીને અદ્રષ્ય થઈ જશે."
મુક્તતા અને નિશ્ચિંતતાનો અનુભવ કરવો એ આપણી પસંદગીનો વિષય છે!


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. નરોત્તમભાઈ મહેતાApril 3, 2016 at 1:06 AM

    જે સમજી શકે તેના માટે 'મન ને હળવું અને મુક્ત કઈ રીતે કરશો' એ ગાયની વાર્તા દ્વારા ખુબ સચોટ રીતે વર્ણવાયું.સરસ.

    ReplyDelete