Sunday, February 21, 2016

પુરાણો વિશે જાણવા જેવું (ભાગ - ૧)

પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. ત્રિકાળનો સમાવેશ પુરાણોમાં છે એટલે કે ભૂતકાળમાં જે થયું,વર્તમાનમાં જે થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે તે જાણવા મળે છે. પુરાણોમાં હિન્દુ દેવી-દેવતાઓનું વિસ્તૃત વર્ણન છે. તેની ભાષા સરળ હોવાની સાથે કથા-વાર્તા સ્વરૂપે છે. છતાં પણ પુરાણોને વેદો અને ઉપનિષદો જેટલી પ્રતિષ્ઠા મળી નથી.

પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે. પુરાણોમાં અવતારવાદ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જુદાં-જુદાં દેવી દેવતાઓને આધારે ધર્મ-અધર્મ, પાપ-પુણ્યની કથા-વાર્તાઓ આપવામાં આવી છે.

પુરાણનો અર્થ : પુરાણની સંધિ છૂટી પાડીએ તો પુરા+અણ=પુરાણ થાય. જેનો શાબ્દિક અર્થ પ્રાચીન અથવા પુરાણું થાય છે. અહીં સંધિના શબ્દો જોઇએ જેમાં પુરા શબ્દનો અર્થ વીતેલું અથવા ભૂતકાળ થાય છે. જ્યારે અણ શબ્દનો અર્થ થાય છે કહેવું કે જણાવવું એટલે કે જે ભૂતકાળના સિદ્ધાંતો, શિક્ષાઓ, નીતિ-નિયમો અને ઘટનાઓને દર્શાવે તે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૌથી પહેલાં જે પ્રાચીનતમ ગ્રંથની રચના કરી તેને પુરાણના નામે ઓળખવામાં આવે છે. જ્યારે હિન્દુ સનાતન ધર્મમાં પુરાણ સૃષ્ટિની શરૂઆતથી જ માનવામાં આવે છે. પુરાણોને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવે છે.

પુરાણ અઢાર શા માટે? : સૃષ્ટિના પ્રારંભમાં જ બ્રહ્માજીએ માત્ર એક જ પુરાણની રચના કરી હતી. જેમાં એક અરબ શ્લોકોનો સમાવેશ થતો હતો. આથી પુરાણ એકદમ વિશાળ અને દુષ્કર હતા. પુરાણોમાં વર્ણવેલું જ્ઞાન અને પ્રાચીન આખ્યાન દેવતાઓ સિવાય સાધારણ મનુષ્યોને પણ સહજ અને સરળ રીતે પ્રાપ્ત થાય તેમ વિચારી મર્હિષ વેદ વ્યાસે આ પુરાણને અઢાર ભાગોમાં વહેંચી દીધું. આ બધાં જ પુરાણોમાં શ્લોકોની સંખ્યા ચાર લાખ છે.
મર્હિષ વેદવ્યાસજીએ અઢાર પુરાણો સિવાય કેટલાંક ઉપ પુરાણોની રચના પણ કરી છે. તેને પુરાણોનો સાર પણ કહેવામાં આવે છે. ઉપપુરાણ સોળ છે. પુરાણો અંગે એક ધારણા એવી છે કે બધાં જ મન્વંતરો (કાળ)ના દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ જ વ્યાસ સ્વરૂપે પ્રગટ થઇને મનુષ્યોના કલ્યાણ માટે આ અઢાર પુરાણોની રચના કરે છે. આ અઢાર પુરાણોના શ્રવણ અને પઠન (વાંચવું)થી પાપી મનુષ્ય પણ પાપરહિત થઇને પુણ્યના હક્કદાર બને છે.

વાયુ પુરાણ : વાયુ પુરાણને વિદ્વાન લોકો શિવ પુરાણ અને બ્રહ્માંડ પુરાણનો જ એક ભાગ માને છે. જોકે નારદ પુરાણમાં જે અઢાર પુરાણો દર્શાવ્યા છે તેમાં વાયુ પુરાણને સ્વતંત્ર પુરાણ માનવામાં આવે છે. તેમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ-નક્ષત્ર, જ્યોતિષ, આયુર્વેદ વગેરેનું વર્ણન જોવા મળે છે.

અઢાર પુરાણ કયા છે?
અઢાર પુરાણોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વિષ્ણુ પુરાણ, બ્રહ્મા પુરાણ અને શિવ પુરાણ એમ ત્રણેમાં છ-છ પુરાણોનો સમાવેશ થાય છે.

વિષ્ણુ પુરાણ
અઢાર પુરાણોમાં વિષ્ણુ પુરાણનો આકાર સૌથી નાનો છે. જોકે તેનું મહત્ત્વ પ્રાચીન સમયથી છે. આ પુરાણના શ્લોકોની સંખ્યા આજે સાત હજાર છે. ઘણાં ગ્રંથોમાં શ્લોકની સંખ્યા તેવીસ હજાર કહેવામાં આવે છે. આ પુરાણ છ ભાગમાં વહેંચાયેલ છે. આ પુરાણમાં પૃથુ, પ્રહ્લાદ અને ધ્રુવની વાર્તાના પ્રસંગ અત્યંત રસપ્રદ છે. વિષ્ણુ પુરાણમાં કૃષ્ણ ચરિત્રનું વર્ણન છે. જોકે તેમાં સંક્ષિપ્તમાં રામકથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

શ્રીમદ્ ભાગવત પુરાણ
શ્રીમદ્ ભાગવત પુરાણને હિન્દુ ધર્મનું સૌથી વધારે આદરણીય પુરાણ માનવામાં આવે છે. તે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રમુખ ગ્રંથ પણ છે. તેમાં વેદો, ઉપનિષદો અને દર્શનશાસ્ત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ પુરાણમાં બાર સ્કંધ છે જેમાં વિષ્ણુ ભગવાનના અવતારોનું વર્ણન છે. તેમાં કાળગણના ખૂબ જ સૂક્ષ્મ રીતે દર્શાવવામાં આવી છે. આ પુરાણમાં શ્રીકૃષ્ણના ઈશ્વરીય અને અલૌકિક રૂપનું જ વર્ણન જોવા મળે છે.

નારદ પુરાણ
નારદ પુરાણ એ વૈષ્ણવ પુરાણ છે. આ પુરાણ અંગે અવી માન્યતા છે કે તેનંુ શ્રવણ કરવાથી પાપી વ્યક્તિ પણ પાપમુક્ત થઇ જાય છે. નારદ પુરાણમાં વિષ્ણુ ભગવાનની પૂજાની સાથે શ્રીરામની પૂજાનું વિધાન પણ છે. કૃષ્ણોપાસના અને હનુમાનજીની ઉપાસનાની વિધિઓ દર્શાવી છે. કાળી અને મહેશ (શંકર)ની પૂજાના મંત્રો પણ આપવામાં આવ્યા છે. આ પુરાણના અંતમાં ગૌહત્યા અને દેવ નિંદાને પાપ ગણીને જણાવાયું છે કે નારદ પુરાણનો પાઠ આવી વ્યક્તિઓની હાજરીમાં ક્યારેય ન કરવો જોઇએ.

ગરુડ પુરાણ
ગરુડ પુરાણને મૃત્યુ પછી આત્માને સદ્ગતિ આપનાર કહેવામાં આવે છે. મનુષ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવાનું પ્રાવધાન છે. મનુષ્યના મૃત્યુ પછી તેની શી ગતિ થાય છે, તે કયા પ્રકારની યોનિઓમાં જન્મ લે છે અને પ્રેતયોનિમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી છે. વાસ્તવમાં આ પુરાણમાં વિષ્ણુભક્તિ અને તેમના ચોવીસ અવતારોનું જ સવિસ્તર વર્ણન છે. ગરુડ પુરાણના શ્લોકની સંખ્યા ઓગણીસ હજાર માનવામાં આવે છે જોકે વર્તમાનમાં સાત હજાર શ્લોક જ ઉપલબ્ધ છે.

પદ્મ પુરાણ
પદ્મ પુરાણ ખૂબ જ વિશાળ છે. તેના શ્લોકોની સંખ્યા પચાસ હજાર છે. પદ્મ પુરાણને પાંચ ખંડોમાં વહેંચવામાં આવ્યું છે. સૃષ્ટિ ખંડ, ભૂમિ ખંડ, સ્વર્ગ ખંડ, પાતાળ ખંડ અને ઉત્તર ખંડ એમ પાંચ ખંડ છે. પદ્મ પુરાણ પણ મુખ્ય રીતે વૈષ્ણવ પુરાણ છે. તેમાં ભગવાન વિષ્ણુનું વિશેષ વર્ર્ણન છે. જોકે આ પુરાણની અંદર પ્રસંગવશ ભગવાન શિવજીનું વર્ણન પણ જોવા મળે છે.

વરાહ પુરાણ
વિષ્ણુ ભગવાનના દશાવતારોમાં એક છે વરાહ અવતાર. પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વિષ્ણુએ આ અવતાર લીધો હતો. આ અવતારનું વિસ્તૃત વર્ણન આ પુરાણમાં જોવા મળે છે. આ પુરાણમાં બસો સત્તર અધ્યાય અને લગભગ દસ હજાર શ્લોક છે. ભગવાન વરાહના ધર્મોપદેશને કથાના સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

- પ્રશાંત પટેલ

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment