Saturday, January 16, 2016

તમારા બાળકો અને ભણતર

તમારા બાળકો જાતે ભણે એવી આદત તેમને કઈ રીતે પાડશો :

૧ મારે જતુ કરવાની આદત પાડવી પડી. હું કડક અનુશાસક અને શિસ્તની ચુસ્ત આગ્રહી છું આથી તેઓ જે  કંઈ કરે તે બધું મને જાણવું ગમતું. પણ મારે તેમના વિકાસ માટે જતું કરતા શિખવું પડ્યું. પહેલેથી જ માબાપે જતું કરવાની ટેવ પાડવી જોઇએ. આનાથી બાળકને સતત તમે તેના માથે ઝળુંબ્યા કરો છો એવી અનુભૂતિ ન હિ થાય.

૨ મારી માતા ખુબ ખુશ થઈ જ્યારે તેણે જોયું કે મારા બાળકો પોતાની મેળે જ ભણતા, રમતા, ખાતા અને ઝઘડતા હતાં! તેણે કહ્યું અમે જ્યારે નાના હતાં ત્યારે તેની પાસે સમય જ નહોતો રહેતો કે ન તો તેને એવો ખ્યાલ  હતો કે અમને શું ભણાવવું. આથી એ માત્ર થોડો સમય અમારી સાથે બેસતી.પણ તેથી અમે અમારી જાતે  ભણતા શીખ્યાં.
હું ઘણી વાર કેટલાક માબાપને રોજ તેમના બાળકોને ૨-૩ કલાક ભણાવતા જોઉં છું પણ એ  બાળકો જરાયે ગંભીર હોતા નથી. સંદેશ અહિ એ છે કે તમારા બાળકોને તેમની મેળે ભણવા દો. તેઓ ભૂલો કરશે અને ક્યાંક કંઈક ચૂકશે. પણ એમ થવા દો. તેઓ નાના હોય ત્યારે એમને ભૂલ કરવા દો કારણ એ ભૂલો પણ નાની હોય છે. એનાથી થનારું નુકસાન પણ મામૂલી હોય છે. કદાચ તેઓને બીજા, પાંચમા કે સાતમા ધોરણ માં થોડા માર્ક્સ ઓછા આવ્યાં તેથી શું? તેમને નિષ્ફળતાનો સ્વાદ શરૂઆતના વર્ષોમાં જ ચાખી લેવા દો. તેમને સમજાશે પોતે કઈ રીતે ભણવું  જોઇએ. મારો વિશ્વાસ કરો આજના ઇન્ટરનેટના યુગમાં હું મારા બાળકોને માત્ર એટલા માટે સ્કૂલે મોકલું છું  જેથી એ બીજા ૨૦-૨૫ બાળકો અને તેના ટીચર્સ સાથે હળીમળી-ભળી શકે. અને મને પણ થોડી શાંતિ મળે એ  વધારામાં!

૩.હું ક્યારેય તેમને કેટલા માર્ક મળ્યા એ પૂછતી નથી. તેમની ચકાસણી કરવા હું માત્ર તેમને એટલું જ  પૂછું છું કે તેઓ જે કંઈ શિખ્યા એ તેમના વાસ્તવિક જીવનમાં કઈ રીતે ઉતારશે? જો તેઓ ખરો જવાબ આપે તો  સારૂં નહિતર હું તેમને એ વિશે થોડું જ્ઞાન આપું છું. બસ. તે જ્યારે પરીક્ષા આપીને ઘેર પાછા ફરે ત્યારે હું એ નથી પૂછતી કે તમને કેટલા માર્ક્સ આવશે. હું તેમને માત્ર એટલું જ પૂછું છું કે તેમને પ્રશ્નપત્રમાંના પ્રશ્નો કેવા લાગ્યા સરળ કે અઘરાં? જે તેઓ જવાબ આપે સરળ તો હું સમજી જાઉં છું કે તેમને બધું આવડી ગયું છે પણ જો તેઓ જવાબ આપે કે પ્રશ્નો અઘરાં હતાં તો હું સમજી જાઉં છું કે તેઓ જે કંઈ ભણ્યા એ તેમને બરાબર સમજાયું નથી એટલે તેમને પ્રશ્નો અઘરાં જણાયા છે અને હું તેમને ફરી એ વિષયવસ્તુ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું.
તે ત્રીજા ધોરણમાં આવ્યા ત્યારથી મેં તેમનું દફતર ભરી આપવાનું છોડી દીધું હતું. તેમની  નોંધપોથીમાં રોજ તેમની ટીચર્સ એવી નોંધ લખી મોકલતા કે "આજે તમારો પુત્ર ઘરકામની નોટ લાવ્યો  નથી. કૃપા કરી એ રોજ મોકલવા વિનંતી." હું આ નોંધનો એવો જવાબ લખી મોકલતી કે "વ્હાલા ટીચર, હું મારા પુત્રને જવાબદાર બનાવ​વાના પાઠ શિખવી રહી છું. આથી એ ચકાસ​વાની તેની જવાબદારી છે કે તેણે બધી જ નોટબુક્સ અને અન્ય સામગરી દફતરમાં મૂક્યા કે નહિ. જો એ હવે પછી ઘરકામની કે અન્ય કોઈ નોટબુક લાવવાનું ભૂલી જાય તો એને યોગ્ય ઠપકો આપશો." આનો  જવાબ મોટા ભાગના ટીચર્સ એવો લખી મોકલતા કે "શ્રીમતી સિંઘ,તમારી તમારા બાળકને જવાબદારીના  પાઠ શિખવવાની રીત ખુબ ગમી. કાશ બધી માતાઓ તમારા જેવી હોય!"

૪. પ્રોજેક્ટ્સ અને હોમ અસાઈનમેન્ટ્સ જેવા કામો મારા બાળકો પોતાની મેળે જ કરે છે. શરૂ શરૂમાં તેઓ મારી સાથે ઝગડતા કે તેમના બધાં જ મિત્રોને તેમની મમ્મીઓ પ્રોજેક્ટના કામમાં કે ઘરકામમાં મદદ કરતી હોય છે. તેમનું બધું કામ કેટલું સરસ થયેલું કે દેખાતું હોય છે. અમારૂં કામ તો કેટલું ગંદુ  દેખાય છે.
જ્યાં સુધી તેઓ મને પૂછતા અટકે નહી ત્યાં સુધી હું તેમને વારંવાર કહ્યા કરતી " તમે આજે વર્ગમાં જે શીખ્યા છો તે અમલમાં મૂકવા અને તે તમે બરાબર શિખી જાવ એ માટે ઘરકામ અને પ્રોજેક્ટનું કામ તમને આપ​વામાં આવે છે. જો એ તમે જાતે કરશો તો તમને સમજાશે કે તમને કેટલું આવડ્યું છે? જો એ હું તમને કરી આપીશ તો તમને ક્યારે એ કર​વાનો મોકો મળશે? તમારે એ તમને આવડી ન જાય ત્યાં સુધી વારંવાર ફરી ફરી કરી સમય શા માટે બગાડ​વો છે? જો તમે આજે એ પોતાની મેળે નહિ કરો તો તમને એ યાદ રહેશે નહિ, આવડશે નહિ. ફરી પાછુ બીજા કોઇ દિવસે એ કર​વા જશો તો બધું પાછુ યાદ કરી ન​વેસરથી શરૂઆત કર​વી પડશે. એમાં તમારો રમ​વાનો સમય ઓછો થ​ઇ જશે." અને હું જે બોલું તે કરી બતાવતી એ તો તેમને ખબર જ હતી! તેમને પોતાનો રમ​વાનો સમય કપાય એ તો ક​ઇ રીતે મંજૂર હોઇ શકે?    

૫  હું તેમને નકામા કચરા જેવી વસ્તુઓ સાથે પણ રમવા દઉં છું કારણ એનાથી તેઓ પોતાનું ભેજું કસતા શીખે છે અને સર્જનાત્મક બને છે. હું તેમને સાદી ભાષામાં જીવનમાં તેઓ જે કંઈ પણ કરે તેમાં શ્રેષ્ઠ બની રહેવાનું મહત્વ ,જોખમો, પૈસાનું મૂલ્ય તેમજ વ્ય​વસાય વગેરે વિશે સમજાવું છું.
તેમને ક્યારેક એવા પ્રશ્નો પુછું છું જેની શાળાના નિયમિત અભ્યાસક્રમ સાથે કોઇ લેવાદેવા ન હોય દા.ત​. "જો હું એક સોફ્ટ​વેર એનજિનિયરને નોકરી એ રાખ​વા માગતી હોઉં તો તેનો ઇન્ટર​વ્યુ લેતી વખતે મારે એનામાં કયા કયા ગુણો જોવા જોઇએ? અથ​વા જો આપણે ન​વી ગાડી ખરીદવાની હોય તો ક​ઇ ગાડી લેવી જોઇએ?” તેઓ મને સામે પૂછે છે "તમારું બજેટ કેટલું છે?"!
મારા પિતાને ગયા વર્ષે તેમના માટે રમકડા લેવાં હતાં.અમે બધાં રમકડાની એક મોટી દુકાનમાં ગયેલાં. મારા પિતાએ તેમને પૂછ્યું,"બચ્ચા​ઓ તમને શું જોઇએ છે? બંને એ તેમને સામે પૂછ્યું,"નાનાજી તમારૂં બજેટ કેટલું છે?" મારા પિતાએ જ​વાબ આપ્યો,"એની તમે ચિંતા ન કરો. તમારા માટે કોઇ બજેટ નથી." આ જ​વાબ તેમને ભારે પડ્યો! તેમણે વીસેક હજારના રમકડા અને સ્ટેશનરીની ચીજ વસ્તુઓનું બિલ ચુક્ત કર​વાનો વારો આવ્યો!
મને લાગે છે આ સંદેશ વાચ્યા પછી આપણે સૌ એમાંથી શિખી શકીશું કે આપણાં બાળકોને ક​ઇ રીતે ભણાવ​વા જોઇએ, ક​ઇ રીતે તેમને વ્ય​વ્હારીક જ્ઞાન આપ​વું જોઇએ.     


(ઇન્ટરનેટ પરથી)

1 comment:

  1. વિશાલ રાણાJanuary 16, 2016 at 6:00 AM

    યુવાભૂમિમાં આવતી ઇન્ટરનેટ કોર્નર કટાર મારી મનપસંદ છે. એમાં રજૂ થતા વિચારો ખરેખર ઉમદા અને પ્રેરણાત્મક હોય છે.

    ReplyDelete