Sunday, January 3, 2016

ઇશ્વર અસ્તિત્વ ધરાવે છે


૧૫ સૈનિકોની ટુકડી તેમના મેજરના નેતૃત્વ હેઠળ હિમાલયની ચોકી તરફ પ્રયાણ કરી રહી હતી જ્યાં તેમણે હવે પછીના ત્રણ મહિના રહી દેશની રક્ષાનું કાર્ય નિભાવવાનું હતું. ત્યાં સેવા બજાવી રહેલા સૈનિકો નવી ટુકડીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં જેમને નવી ટુકડી ફરજ પર આવી ગયા બાદ ફરી પોતાને ઘેર જવા મળવાનું હતું. શિયાળાની કડકડતી ઠંડીમાં ઠેર ઠેર બરફ વર્ષા થઈ હોવાને કારણે હિમાલયનું કપરું ચઢાણ વધુ જોખમી બન્યું હતું. અશક્ય જેવી વાત હતી પણ આવામાં મેજરને વિચાર આવ્યો કે એક એક ગરમાગરમ કપ ચા પીવા મળે તો કેવું સારૂં! કલાકો સુધી ચાલીને થાકી ગયા બાદ ટુકડી એક તૂટેલી ફૂટેલી ચાની જણાતી દુકાન પાસે આવી.પણ અહિ તાળુ મારેલું હતું. રાત થવા આવી હતી.

મેજરે કહ્યું"જવાનો, આપણાં નસીબમાં ચા નથી!" પણ બધાં થાકીને લોથપોથ થઈ ગયાં હોવાથી મેજરે જગાએ રોકાઈ જઈ થોડો આરામ કરવા સૂચવ્યું.

એક સૈનિક બોલ્યો,"સર, ચાની દુકાન છે...આપણને ચા મળી શકે એમ છે...આપણે ચા બનાવી શકીએ...પણ તાળું તોડવું પડશે..."

મેજર ઘડીભર માટે સૈનિકના અનીતિભર્યા સૂચનથી વિમાસણમાં પડી ગયા પણ ગાત્રો થીજવી નાંખે એવી કાતિલ ઠંડીમાં થાકેલા સૈનિકો માટે ગરમાગરમ ચાના વિચારે તેમને તાળુ તોડવા મંજૂરી અપાવી દીધી. તેમના સદનસીબે ચા બનાવવાનો બધો સામાન ત્યાં તેમને મળી રહ્યો અને સાથે બિસ્કીટના પેકેટ્સ પણ!

સૈનિકોએ ધરાઈને ચા-બિસ્કીટ ખાધા અને આગળની બાકી વધેલી મુસાફરી માટે તેઓ તૈયાર થઈ ગયાં. મેજરે વિચાર્યું તેમણે તાળુ તોડ્યું હતું અને દુકાનના માલિકની પરવાનગી વગર. તેની જાણ બહાર  ચા-બિસ્કીટ ખાધાં હતાં. તેઓ કોઈ ચોર-લૂંટારૂ તો હતા નહિ,શિસ્તધારી સૈનિકો હતાં. આથી તેમણે હજાર રૂપિયાની એક નોટ કાઢી અને સાકરની બરણી નીચે એવી રીતે મૂકી કે જ્યારે દુકાનનો માલિક દુકાનમાં આવે ત્યારે તરત તેની નજરે પડે. મેજરની પસ્તાવાની લાગણી હજારની નોટ મૂક્યા બાદ હળવી થઈ ગઈ. તેણે સૈનિકોને દુકાન ફરી બંધ કરી દેવા સૂચના આપી અને તેઓ આગળ વધ્યા.

  ઘટનાને ત્રણ મહિના વિતી ગયા.બહાદુર સૈનિકોએ અદભૂત શૌર્ય દાખવ્યું અને દુશ્મનોને હરાવવામાં તેઓ સફળ રહ્યાં.સદનસીબે કોઈ જાનહાનિ વગર તેમની આખી ટુકડી તેમની પવિત્ર ફરજ બજાવી તેમનો કાર્યકાળ પૂરો કરી પરત આવવા નિકળી. માર્ગમાં ફરી પેલી ચાની દુકાન આવી જ્યાં તેઓ જતી વખતે થોભ્યાં હતાં.પણ વખતે દુકાન ખુલ્લી હતી અને તેનો માલિક ત્યાં હાજર હતો.આવા નિર્જન જેવા વિસ્તારમાં એકસાથે પંદરેક ગ્રાહકો જોઈ તે ખુશ થઈ ગયો અને તેણે સૌનું ઉમળકા ભેર સ્વાગત કર્યું.

બધાં ફરી ચા બિસ્કીટ ખાધાં. તેમણે ઘરડા દુકાનદાર સાથે ઘણી વાતો કરી - તેના જીવન વિશે ,તેની દુકાન આટલી નિર્જન જગાએ કઈ રીતે ચાલે છે વિષે, તેના અનુભવો વિશે વગેરે. વાતો પરથી ફલિત થતું હતું કે ઇશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ઘરડા માણસે અનેક તડકા છાયા વેઠી અનુભવનું સમૃદ્ધ ભાથું બાંધ્યું હતું અને તેની અનેક રસપ્રદ વાતો તેણે સૈનિકોને કરી.એક સૈનિકે તેને પ્રશ્ન કર્યો," બાબા,જો ઇશ્વર હોય તો શા માટે તમને આવી ગરીબીમાં રાખે છે?"

" એવું ના બોલો સાહેબ! ઇશ્વર ચોક્કસ છે અને તેની સાબિતી મને ત્રણ મહિના પહેલા મળી." તે ઘરડા દુકાનદારે કહ્યું.

                "તે વેળાએ હું મારા જીવનના ખૂબ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો હતો.મારા એકના એક પુત્રને આતંકવાદીઓ ઉઠાવી ગયા હતા અને તેની પાસે હતી નહિ એવી કોઈ માહિતી મેળવવાના આશયથી તેમણે તેને ઢોર માર મારી મારી અધમૂ કરી નાંખ્યો. છેવટે તેઓ એને મારા ઘર પાસે નાંખી ગયા.તેની સારવાર કરાવવા મારે દુકાન બંધ કરી હોસ્પિટલ જવું પડ્યું.કેટલીક દવાઓ ની વ્યવસ્થા તો મારી અલ્પ બચતમાંથી થઈ ગઈ પણ થોડી દવાઓ ખૂબ મોંઘી હતી અને આતંકવાદીઓના ભયને લીધે લેવા માટે મને કોઈ ઉધાર પણ આપવા તૈયાર નહોતું. મારા માટે આશાનું કોઈ કીરણ બચ્યું નહોતું."

" અને તે દિવસે સાહેબ, મેં ઇશ્વરને હ્રદયપૂર્વક મદદ માટે પ્રાર્થના કરી. અને સાહેબ, તમે માનશો તે દિવસે ઇશ્વર પોતે મારી દુકાનમાં આવ્યા - મને મદદ કરવા. હું જ્યારે ઘણાં દિવસ બાદ દુકાનમાં પાછો ફર્યો ત્યારે મેં જોયું કે મારી દુકાનનું તાળું તૂટેલું હતું.મને પહેલા તો લાગ્યું  હું ખતમ થઈ ગયો, મારી પાસે જે કંઈ હતું સર્વસ્વ લૂંટાઈ ગયું. પણ અંદર આવ્યો અને મારી નજર સાકરની બરણી નીચે મૂકેલી હજાર રૂપિયાની નોટ પર ગઈ. સાહેબ હું શબ્દોમાં નહિ વર્ણવી શકું ત્યારની મારા મનની સ્થિતી. હજાર રૂપિયાએ મને તારી લીધો સાહેબ. ઇશ્વર ચોક્કસ છે. ચોક્કસ!"

વાત કહેતી વખતે તેની આંખોમાં અજબનો અડગ વિશ્વાસ છલકી રહ્યો.પંદરે પંદર સૈનિકોની આંખો મેજરની બે આંખો સાથે મળી અને તેમણે એમાં સ્પષ્ટ ભાવ વાંચ્યો "ચૂપ રહેજો".

મેજરે ઉભા થઈ બિલની રકમ ચૂકવી. તે ઘરડા દુકાનદારને ભેટ્યા અને તેમણે તેને કહ્યું,"હા બાબા, હું જાણું છું અને તમારી વાત માનું છું કે ઇશ્વર અસ્તિત્વ ધરાવે છે. અને હા, તમારી ચા ખુબ સારી બની હતી!"

પંદરે પંદર સૈનિકોની આંખોએ એક ક્યારેય જોવા મળે એવું દ્રષ્ય દીઠું - મેજરની આંખોના ખૂણા ભીના હતાં!

('ઈન્ટરનેટ પરથી')

4 comments:

  1. ઈશ્વર ચોક્કસ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ પોતાનો અનુભવ કરાવવા એ કોઈ મનુષ્યનું કે પ્રાણીનું રૂપ પણ ક્યારેક ધારણ કરે છે.

    અત્યંત પ્રેરણાદાયી દ્રષ્ટાંત. વાંચતા આંખો ભીની થઇ ગઈ.

    પ્રવીણ જે. શાહ paminameena@hotmail.com; pravin.shah37@gmail.com

    ReplyDelete
  2. ચંદ્રેશ મહેતાJanuary 16, 2016 at 6:02 AM

    જો ઇશ્વર ન હોય તો તેની ચર્ચા કેમ અને જો તે હોય તો ચિંતા કેમ ?

    ReplyDelete
  3. ઇલા વૈદ્ય, નરોત્તમ મહેતા, નેહલ ગાલાJanuary 16, 2016 at 6:03 AM

    ઇશ્વરના અસ્તિત્વ વાળી વાર્તા ખુબ ગમી.ઇશ્વરને સાચા દિલથી યાદ કરીએ તો એ કોઇ પણ સ્વરૂપે આવીને આપણી મદદ કરી જાય છે.

    ReplyDelete
  4. અમિત જોગીયાJanuary 16, 2016 at 6:16 AM

    આર્મી મેજર અને ઇશ્વરના અસ્તિત્વ વાળી વાર્તા વાંચી.એ ખુબ ગમી અને હ્રદયને સ્પર્શી ગઈ.આવી સારી સારી વાતો ઇન્ટરનેટ કોર્નરમાં આવતી રહે.શુભાશિષ!

    ReplyDelete