Monday, December 21, 2015

ઇન્દ્રા નૂયીનું પ્રેરણાદાયી વક્તવ્ય


વર્ષ ૨૦૧૩માં પેપ્સીકો કંપનીના વડા ઇન્દ્રા નૂયીને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, અમિતાભ બચ્ચન, ઇલા ભટ્ટ,એ.આર.રહેમાન વગેરે જેવા મહાનુભવોની હાજરીમાં એન.ડી.ટી.વી.દ્વારા આયોજીત કાર્યક્રમમાં ૨૫ મહાન વૈશ્વિક ધોરણે વિખ્યાત ભારતીયોમાંના એક તરીકે સન્માનિત કરાયા, તે સમયે તેમણે આપેલ ટૂંકુ પણ અસરકારક વક્તવ્ય ખરેખર પ્રેરણાદાયી હતું જેનો ભાવાનુવાદ આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ.

                શ્રીમાન રાષ્ટ્રપતિ અને એન.ડી.ટી.વી. નો હું અવિશ્વસનીય સન્માન માટે આભાર માનું છું. માલ્કોમ ગ્લેડવેલે તેમના પુસ્તક આઉટલાયર્સમાં લખ્યું છે કે તમે કોણ છો તેનો બધો આધાર તમે જ્યાંથી આવો છો તેના પર રહેલો છે.

મેં આજથી ૩૫ વર્ષ પહેલાં ભારત છોડ્યું અને હું અમેરિકામાં સ્થાયી થઈ અને લાયકાત જોઇને ચૂંટી કાઢવામાં આવતા લોકોનું જ્યાં શાસન ચાલે છે એવા પરદેશમાં જઈ ઘણી સિદ્ધીઓ હાંસલ કરી પણ બધું શક્ય બન્યું હોત જો મારો આદર્શ અને અદભૂત ઉછેર અહિં ભારતમાં થયો હોત. આથી હું ભારતનો આભાર માનું એટલો ઓછો છે.હવે હું ત્રણ પાઠ તમારા સૌ સાથે વહેંચવા ઇચ્છુ છું.

પહેલું - આજીવન વિદ્યાર્થી બની રહો,સતત કંઈક ને કંઈક શીખતા રહો.જ્યારે આપણે બાળક હોઇએ છીએ ત્યારે આપણે ઘણાંબધાં પ્રશ્નો પૂછતાં હોઇએ છીએ - આકાશ શા માટે ભૂરું છે?પંખીઓ શા માટે આકાશમાં આટલે ઉંચે ઉડે છે?પણ જેમ જેમ આપણે વયમાં મોટા થતા જઈએ છીએ તેમ તેમ કોણ જાણે કેમ આપણામાં રહેલી જીજ્ઞાસા ઘટતી જાય છે. જો આપણે જેટલું જ્ઞાન છે તેટલાંથી સંતુષ્ટ થઈ બેસી જઈશું તો આપણી પ્રગતિ રૂંધાઈ જશે માટે આજીવન વિદ્યાર્થી બની રહો, તમારામાં રહેલી જીજ્ઞાસાવૃત્તિને  મરવા દો.

બીજું તમે જે કંઈ પણ કરો તેમાં તમારી જાતને હોમી દો.તમારા હાથ,મગજ અને હ્રદયને એમાં સંપૂર્ણ રીતે જોતરી દો.હું મારા કામને એક નોકરી તરીકે નથી જોતી,હું તેને એક ઇશ્વરી તેડાં તરીકે જોઉં છું,એમાં મને રોમાંચ અનુભવાય છે.કામમાં હોઉં ત્યારે હું કલાકો સામે નથી જોતી,આંખ મીંચીને મહેનત કરું છું. કારણ મારા માટે કામ એક આનંદ છે.આથી તમે જે કંઈ પણ કરો તેને એક નોકરી તરીકે ન જુઓ, હંગામી વસ્તુ તરીકે ન જુઓ તેને એક ઇશ્વરી તેડાં તરીકે જુઓ,એમાં રોમાંચ અનુભવો.

ત્રીજું અને અને સૌથી મહત્વનું - આપણે સૌ કોઈ જેમનાં હાથમાં કોઈક પ્રકારની સત્તા રહેલી છે કે જેઓ ઉંચા પદે છે તેમના પર એક ઋણ છે - બીજાઓને ઉંચું લાવવાનું.આજે જ્યારે હું આ મંચ પર ઉભી છું ત્યારે હું આ સૌભાગ્યને માત્ર એક સન્માન મેળવવાના અવસર તરીકે નથી જોતી પણ તેને એક જવાબદારી તરીકે જોઉં છું, એક પડકાર તરીકે જોઉં છું - અન્ય યુવા પ્રતિભાઓને આ મહાનતાના સ્તર સુધી લઈ આવવાની ફરજ તરીકે જોઉં છું  જેથી ભવિષ્યમાં તેઓ પણ એક દિવસ આ મંચ ઉપર આવી શકે અને આ સન્માનને લાયક બની શકે.”


('ઈન્ટરનેટ પરથી')

1 comment:

  1. નેહલ ગાલાDecember 30, 2015 at 6:29 PM

    હું ઇન્ટરનેટ કોર્નરની નિયમિત વાચક છું.ઇન્દ્રા નૂયીનું પ્રેરણાત્મક વક્તવ્ય ખરેખર અસરકારક હતું.આભાર.

    ReplyDelete