Saturday, December 12, 2015

ગર્ભમાંના બે બાળકોની વાતચીત

જેઓ ઇશ્વરમાં માને છે અને જેઓ તેનામાં નથી માનતા તેમના વિષે એક રસપ્રદ વાત આજે ઇન્ટરનેટ કોર્નરમાં વાંચીએ. તમને ચોક્કસ બે ઘડી માટે વિચાર કરતા કરી મૂકશે. વાત ડો.વાય્ન ડાયરના પુસ્તક "Your Sacred Self" માંથી લેવામાં આવી છે.
એક માના ગર્ભમાં બે બાળકો હતાં.
એકે બીજાને પૂછ્યું "શું તું પ્રસૂતિ પછીના જીવનમાં માને છે?"
બીજાએ જવાબ આપ્યો,"ચોક્કસ માનું છું વળી. પ્રસૂતિ પછી ચોક્કસ જીવન હોવું જોઇએ. કદાચ આપણે ત્યાં જે બનવાના હોઈશું તેની પૂર્વતૈયારી રૂપે અત્યારે આપણે અહિ છીએ."
પહેલા કહ્યું," મને તારી વાત બિલકુલ ગળે ઉતરતી નથી. પ્રસૂતિ પછી તો કંઈ જીવન જેવું હોતું હશે ભલા? જરાયે નહિ..."
બીજાએ કહ્યું,"મને ખબર નથી પણ એવું લાગે છે કે જાણે ત્યાં અહિ કરતા વધુ રોશની હશે.કદાચ ત્યાં આપણે પોતાના પગ પર ચાલતા હોઈશું અને પોતાના મોઢે ખાતા હોઈશું. કદાચ આપણને એવી ઘણી અનુભૂતિઓ થશે જેનો આપણે હાલ અનુભવ કરી શકતા નથી."
પહેલાએ કહ્યું,"કંઈ પણ બોલે છે તું. ચાલવું તો અશક્ય છે. અને પોતાના મોઢે ખાવું? બકવાસ! ગર્ભની નાળ આપણને પોષણ આપી શકે છે અને આપણને જીવતા રાખવા જે કંઈ બીજા જરૂરી પોષક તત્વો જોઇએ છે બધાં પણ. પણ નાળ કેટલી ટૂંકી છે. મને તો નથી લાગતું કે પ્રસૂતિ પછી જીવન જેવું કંઈક હોય..."
બીજાએ આગ્રહપૂર્વક કહ્યું,"મને તો લાગે છે અહિ કરતા જુદું એવું કંઈક ચોક્કસ ત્યાં હશે. કદાચ ત્યાં આપણને ગર્ભની નાળની જરૂર પડે એવું પણ બની શકે ને?"
પહેલાએ કહ્યું,"સાવ વાહિયાત વાત કરે છે તું. અને કદાચ ચાલો એકાદ પળ માટે માની પણ લઈએ કે ત્યાં જીવન જેવું કશુંક હોય તો પછી એક વાર ત્યાં ગયા પછી કોઈ કેમ અહિ ક્યારેય પાછું નથી ફર્યું? પ્રસૂતિ એટલે જીવનનો અંત. ત્યાર બાદ હોય છે માત્ર અંધકાર, મૌન અને ગૂઢ ઉંડી ગર્તા જે આપણને ક્યાંય લઈ જાય..."
બીજાએ કહ્યું," બધી તો મને નથી ખબર પણ બેશક આપણે આપણી માતાને મળીશું અને આપણું ખૂબ ધ્યાન રાખશે,જતન કરશે..."
પહેલાએ કહ્યું,"તું ખરેખર માતામાં વિશ્વાસ ધરાવે છે? હાસ્યાસ્પદ છે. જો માતા હોય તો અત્યારે ક્યાં છે?"
બીજાએ જવાબ આપ્યો," આપણી આસપાસ સર્વત્ર છે. આપણે તેના સુરક્ષિત છત્ર હેઠળ ઘેરાયેલા છીએ. આપણે તેના છીએ. તેના વગર વિશ્વ બનવું કે ટકી રહેવું સંભવ નથી."
પહેલો કહે," મને તો દેખાતી નથી. એટલે તાર્કીક દ્રષ્ટીએ જોતા મારા માટે તો અસ્તિત્વ ધરાવતી નથી."
બીજાએ કહ્યું," તું મૌન થઈ જા અને ધ્યાન કેન્દ્રીત કરી સાંભળવાનો પ્રયત્ન કર, તને ચોક્કસમા’ની હાજરી વર્તાશે અને તને તેનો મધુર અવાજ સંભળાશે..."
મૃત્યુ પછીના જીવન અને ઇશ્વરના અસ્તિત્વની વાત સમજવાનું વાર્તાથી વધુ સારૂં ઉદાહરણ બીજું હોઈ શકે ખરું?


('ઈન્ટરનેટ પરથી')

3 comments:

  1. રોહિત કાપડિયાDecember 21, 2015 at 11:24 AM

    'ગર્ભમાંનાં બે બાળકની વાત' મા અને પરમાત્મા એકબીજાના પર્યાય જ છે એ વાતને બહુ જ અસરકારક અને સહજ રૂપે પ્રસ્તુત કરે છે.

    ReplyDelete
  2. હર્ષા દીપક ભાટીયાDecember 21, 2015 at 11:24 AM

    ઇશ્વર સર્વત્ર છે એ વાત સાચી જ છે... મૃત્યુ પછી જીવન છે જ એ પણ સાચુ છે.... ફરક એટલો કે ઈશ્વર અલગ અલગ રૂપ મા આવી ને મદદ કરે છે........અને મૃત્યુ પછી જીવન માણસને તેના કર્મો દ્વારા મળે છે! ઇશ્વર બધી જગા એ ન પહોચી શકે માટે એને માતા નું સ્વરૂપ ધારણ કર્યુ.

    ReplyDelete
  3. ચંદ્રેશ મહેતાDecember 21, 2015 at 11:25 AM

    ગભમાંનાં બે બાળકની વાતચીત ખુબ સરસ હતી!

    ReplyDelete