Saturday, May 16, 2015

સુખ આપવામાં છે...


એક અતિ શ્રીમંત મહિલા મનોચિકિત્સક પાસે ગઈ અને તેણે ફરિયાદ કરી કે તેને પોતાનું જીવન સાવ ખાલી ખાલી લાગે છે,અર્થહીન લાગે છે.

મનોચિકિત્સકે પોતાને ત્યાં ઓફિસની સાફસફાઈ કરતી બાઈને બોલાવી અને શ્રીમંત મહિલાને તેનો પરિચય કરાવતા કહ્યું," કમળાબેન તમને કહી સંભળાવશે તેમને સુખ કઈ રીતે પ્રાપ્ત થયું. તેમની વાત ધ્યાનથી સાંભળજો."

કમળાબેને ઝાડુ બાજુ પર મૂકી પોતાની વાત કહેવી શરૂ કરી. "મારા પતિનું મલેરિયાને કારણે મ્રુત્યુ થયું અને પછી ત્રણ માસમાં મારા એકમાત્ર પુત્રને હું તે ગાડી નીચે કચડાઈ જતા ખોઈ બેઠી.મારૂં કોઈ નહોતું...મારી પાસે કંઈ બચ્યું નહોતું...હું કંઈ ખાઈ શકતી નહોતી, હું શાંતિથી ઉંઘી શકતી નહોતી. મારા મોઢા પરથી સ્મિત વિલાઈ ગયું હતું. એક સમયે તો મને આત્મહત્યાનો પણ વિચાર આવી ગયેલો.

પછી એક દિવસ કામેથી પાછા ફરતા એક બિલાડીનું  બચ્ચું મારી પાછળ પાછળ આવ્યું. કોણ જાણે કેમ પણ મને એની દયા આવી અને તેના પર વહાલ ઉભરાયું. બહાર ખુબ ઠંડી હતી આથી મેં તેને મારા ઘરમાં અંદર આવવા દીધું અને એક રકાબીમાં તેને થોડું દૂધ ધર્યું. તે ચપોચપ ચાટી ગયું અને રકાબી એણે પહેલા જેવી સ્વચ્છ કરી નાંખી! પછી તેણેમ્યાંઉ… મ્યાંઉ…” કર્યું અને પોતાનું શરીર તે મારા પગે ઘસવા લાગ્યું. મહિનાઓ બાદ પ્રથમ વાર મારા મોઢા પર સ્મિત રેલાયું.પછી હું થોભી અને મેં વિચાર્યું કે જો એક નાનકડા બિલાડીના બચ્ચાને મદદ કરવાથી મારા મોઢા પર સ્મિત આવી શકતું હોય તો કોઈ જરૂરિયાતમંદ માણસને મદદ કરું તો ચોક્કસ મારા હૈયાને ટાઢક મળશે,સાચું સુખ મળશે.

બીજા દિવસે મેં થોડા બિસ્કીટ બનાવ્યાં અને પાડોશમાં એક બિમાર પથારીવશ વ્રુદ્ધને તે ખવડાવ્યાં. પછી તો મને રોજે રોજ કોઈકને મદદ કરવાની જાણે ટેવ પડી ગઈ. હું રોજ કોઈને કોઈ વ્યક્તિને મદદ કરવા માંડી. તેમને સુખી જોઈ હું અનહદ રાજી થતી.આજે કદાચ મારા કરતાં વધુ સારી રીતે કોઈ જમી કે સૂઈ શકતું નહિ હોય. મને સુખ બીજાઓને તે આપીને પ્રાપ્ત થયું છે."

જ્યારે વાત પેલી શ્રીમંત સ્ત્રીએ સાંભળી તેની આંખોમાંથી આંસુ ટપકવા માંડ્યા.તેની પાસે પૈસાથી ખરીદી શકાય સઘળું હતું,પણ પૈસાથી ખરીદી શકાય એવું સુખ તે ગુમાવી ચુકી હતી.

....પણ હવે તેને સાચા સુખની પ્રાપ્તિનો માર્ગ જડી ગયો હતો!

4 comments:

 1. 'આપવામાં સુખ છે' વાંચવાની મજા આવી. આ જ વિચારધારા ધરાવતી મહાભારતની એક નાનકડી વાર્તા :
  કર્ણ દાનવીર હતો. દાનમાં સોનું, હીરા,મોતી, માણેક વગેરે આપતો.
  કર્ણનું મૃત્યુ થયું. સ્વર્ગમાં ગયો. બપોરે જમવાનો સમય થયો. ભાણું પીરસાયું. ભાણું જોઈને કર્ણની આંખો પહોળી થઈ ગઈ. થાળીમાં હીરા, સોનું, માણેક, મોતી વગેરે પીરસાયાં હતાં. એણે કારણ પૂછ્યું તો કહેવામાં આવ્યું કે તમે પૃથ્વી પર જે અન્યને આપ્યું હશે, તે જ અહીં મળશે!
  'પણ એનાથી મારી ભૂખ કેમ સંતોષાશે?'
  'ભૂખ સંતોષવી હોય, તો સામેની દિશામાં આંગળી ચીંધ અને પછી એ આંગળી ચૂસ'
  કર્ણએ એમ કર્યું. એને સંતોષનો ઓડકાર આવ્યો. આમ થવાનું કારણ પૂછ્યું.
  દેવદૂતે કહ્યું: એક વખત તારી પાસે એક ભૂખ્યો માણસ આવ્યો. એણે દરદાગીના સ્વીકારવાની ના પાડી અને કંઈક ખાવાનું આપવા કહ્યું.
  તે સમયે તેં અન્નદાન કરતી સંસ્થા તરફ આંગળી ચીંધી. તેં જે આંગળી ચીંધી હતી, તે આંગળીને ચીંધવાનું પુણ્ય મળ્યું છે.
  આ બીનાને આપણે 'આંગળી ચીંધ્યાનું પુણ્ય' કહેવાય છે.
  - જયસિંહ સંપટ

  ReplyDelete
 2. ખુબ સુંદર વિચારો રજૂ થયા હતા ઇન્ટરનેટ કોર્નરની 'આપવામાં સુખ છે' વાર્તામાં. આ કટાર આવા જ સારા સારા વિચારો પ્રગટ કરતી રહે-ફેલાવતી રહે એવી શુભેચ્છા.
  - હિંમત પરમાર

  ReplyDelete
 3. એક અતિ શ્રીમંત મહિલાના ખાલી અર્થહીન જીવનની સમસ્યા સામાન્ય સાફસફાઈ કરતી બાઈએ ઉકેલી એ ઉદાહરણ લાજવાબ હતું.ખરેખર આપવામાં જ સાચું સુખ છે.'ધ જોય ઓફ ગિવિંગ' - તમારી પાસે જે કંઈ છે એ અન્યો સાથે વહેંચવાથી પરમ સુખની અનુભૂતિ થાય છે.
  - રાજન પ્રતાપ

  ReplyDelete
 4. ઇન્ટરનેટ કોર્નરમાં 'આપવામાં સુખ છે' વાર્તા ખુબ જ સરસ હતી.
  એ વાંચી કોઈને પણ સાચી સમાજ સેવા કરવાનું મન થઈ જાય.
  किसी के काम ना आए तो आदमी क्या है....!!
  जो अपनी ही फिक्र में गुजरे, वो जिंदगी क्या है....!!!
  - મહેક દોષી

  ReplyDelete