Wednesday, April 8, 2015

જાપાન અને સ્વચ્છતા


બ્રાઝીલના રીસાઈફ ખાતે આવેલા અરેના પેર્નામ્બુકો સ્ટેડિયમમાં ૨૦૧૪ ફીફા વર્લ્ડ કપની મેચ જાપાન ભલે ગ્રીસ સામે હારી ગયું પણ મેચ બાદ તેમણે જે ચેષ્ટા કરી તેનાથી તેમણે વિશ્વભરના લોકોનાં હ્રદય જીતી લીધાં.
        મેચમાં હારી જવા છતાં વરસાદ પડતો હોવાને લીધે રેનકોટ પહેરી બ્લુ સમુરાઈઝ એવા જાપાનનાં ખેલાડીઓ સાચી સ્પોર્ટ્સમેનશીપ અને ભલાઈ દાખવતા હાથોમાં કચરો ભરવાની થેલીઓ લઈ આખા સ્ટેડિયમમાં ફરી વળ્યાં.બીજાં દેશોનાં લોકો મેચ વખતે અને મેચ બાદ ખુશી કે નિરાશા બંને વ્યક્ત કરવા હિંસા,અશોભનીય વર્તન અને તોફાનનો આશરો લેતાં હોય છે જ્યારે બ્રાઝીલના મેદાનમાં ભેગા થયેલા ૧૫૦૦૦ જાપાનીઝ ચાહકોએ પણ તેમની સાંસ્કૃતિક પરંપરામાં વણાયેલી ઉત્કૃષ્ટ નાગરિકી ફરજ અને જવાબદારીભર્યાં વલણનું પ્રદર્શન કર્યું. જાપાનમાં જાહેર સમારંભો,રમતગમતનાં કાર્યક્રમો કે તહેવારો બાદ હાજર સૌ પોતે જ જગાની સફાઈ કરે એવી પ્રણાલી છે. હોટલમાં ખાવા જનાર પણ ખાઈ લીધા બાદ પોતે પોતાનું ટેબલ સાફ કરે અને જાહેર કાર્યક્રમો બાદ પણ લોકો કચરો નાંખવાની થેલી પોતાની સાથે ઘેર લઈ જાય છે જેથી કચરો અહિ-તહિ ફેલાવવાની જગાએ તેનો યોગ્ય નિકાલ કરી શકાય.
ફૂટબોલ મેચ બાદ એક જાપાનીઝ ફૂટબોલ ચાહકે નેશનલ પબ્લિક રેડિયોને કહ્યું : " અમે જે કોઈ યજમાન દેશમાં જઈએ ત્યાં થોડી ઘણી સાફસફાઈ કરી દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે અમારા જાપાનમાં સ્વચ્છતાનું કેટલું મહત્વ છે અને તેથી અમે અહિં પણ (સ્વચ્છતા જાળવી) એમ કર્યું છે."
મેચને અંતે હારી ગયેલી જાપાનની ટીમના ખેલાડીઓએ મેદાન પર માનવ સાંકળ રચી તેમના ચાહકો સામે તેમના સહકાર બદલ,  ઝૂકીને તેમનું અભિવાદન કર્યું.
પ્રસંગની તસવીરો ઇન્ટરનેટ પર વિજળી વેગે પ્રસરી ગઈ હતી અને તેમણે જાપાનને સાચી સ્પોર્ટ્સમેનશીપના જ્વલંત ઉદાહરણ તરીકે ખ્યાતિ અપાવી હતી.
મેચના યજમાન દેશ બ્રાઝીલે પણ ચેષ્ટા બદલ જાપાનની ભારોભાર પ્રશંસા કરી પોતાના દેશવાસીઓને એમાંથી મહામૂલા પાઠ શિખવા કહ્યું હતું.

('ઈન્ટરનેટ પરથી')

No comments:

Post a Comment