Saturday, March 28, 2015

આત્મવિશ્વાસ


એક વેપારીને માથે ખુબ દેવુ ચડી ગયું અને તે અતિ નિરાશ થઈ ગયો.તેને નાણાં ધીરનારાઓએ તેના નામે ચોકડી મૂકી દીધી. લેણદારોએ તેની પાસે નીકળતાં નાણાંની વસૂલી સતત કરવાનું શરૂ કરી દીધું. તે ભીડભાડથી દૂર એક બાગનાં બાંકડે જઈ બેઠો અને વિચારવા લાગ્યો તેની કંપનીને  દેવાળું ફૂંકવામાંથી કઈ રીતે બચાવી શકાય.
અચાનક ક્યાંકથી એક વૃદ્ધ માણસ તેની સામે આવી ઉભો.તેણે કહ્યું,"મને લાગે છે તને કોઈ સમસ્યા ભારે પીડી રહી છે.” વેપારીની મુશ્કેલી વિષે શાંતિથી આખી વાત સાંભળ્યા બાદ તેણે તેને કહ્યું "મને લાગે છે હું તને મદદ કરી શકું તેમ છું." તેણે વેપારીને તેનું નામ પૂછ્યું, તેના નામે એક ચેક લખ્યો અને તેના તરફ ધરી કહ્યું," પૈસા લે. આજથી બરાબર એક વર્ષ પછી અહિ આજ જગાએ મને મળજે અને રકમ પરત કરજે." પછી ચેક આપી જેમ અચાનક આવી ચડ્યો હતો રીતે અચાનક ગાયબ પણ થઈ ગયો!
વેપારીએ પોતાના હાથમાં રહેલા ચેક ને જોયો. તે અમેરિકી પાંચલાખની રકમ માટે જોન ડી. રોકફેલર દ્વારા હસ્તાક્ષર કરાયેલ ચેક હતો. જોન ડી. રોકફેલરની ગણના જમાનાની સૌથી વધુ ધનાઢય વ્યક્તિ તરીકે થતી હતી.
              "હવે મારી નાણાં વિષયક સઘળી ચિંતાઓનો અંત આવી ગયો છે. હું ચોક્કસ મારી મુસીબતોમાંથી જલ્દી બહાર આવી જઈ શકીશ." એમ તેણે વિચાર્યું.પણ તેણે પહેલા ચેક સુરક્ષિત જગાએ મૂકી છેવટના સમયે જરૂર પડે તો તેને વાપરવાનો નિર્ણય લીધો. એ ચેકની હાજરી તેને શક્તિ આપવા પૂરતી હતી. ચેકને કારણે તેનામાં જબરો આત્મવિશ્વાસ પેદા થયો જેના લીધે તેણે દિલોજાનથી રાતદિવસ સખત મહેનત કરી ફરી પોતાના વેપારમાં તેજી હાસલ કરવા માંડી. તેનામાં પ્રગટેલા નવા જોમ અને આશાવાદના કારણે તેણે વધુ સોદાઓ પાર પાડ્યાં. કરજદારોએ ફરી તેને નાણાંકીય મદદ પૂરી પાડવા માંડી અને વધુ નવા ગ્રાહકો મેળવી તેણે પોતાના વેપારને નવી ઉંચાઈએ પહોંચાડ્યો. થોડાં મહિનાઓમાં તો તે સંપૂર્ણ દેવામુક્ત થઈ ખુબ સારા એવા રૂપિયા કમાવા માંડ્યો.

બરાબર એક વર્ષ પછી તે પેલો વણવટાવેલો ચેક લઈ બાગમાં જઈ પહોંચ્યો જ્યાં પેલો વૃદ્ધ તેને મળ્યો હતો.તેણે ખુબ રાહ જોઈ પણ પેલા વૃદ્ધના કોઈ અણસાર નહોતા.તેણે થોડી વધુ વાર રાહ જોવા નક્કી કર્યું. ત્યાંતો એ વૃદ્ધે દેખા દીધી. પણ તેણે તો વેપારીને જાણે ઓળખ્યો નહિ. તેણે વૃદ્ધને રોક્યો અને પેલો ચેક તેને પાછો આપવા જતો હતો એવી આશા સાથે કે પોતે તેનો હ્રદયપૂર્વક આભાર માનશે અને તેને પોતાની સફળતાની આખી ગાથા કહી સંભળાવશે.પણ ત્યાંતો થોડી ક્ષણોમાં એક નર્સ આવી ચડી.
        તેણે વૃદ્ધને કોલરથી પકડી લીધો અને બોલી,"હાશ! હવે ભાગીને ક્યાં જઈશ?"

તેણે વેપારીને કહ્યું,"આણે તમને હેરાન તો નથી કર્યાને? ઘડી ઘડી વૃદ્ધાશ્રમમાંથી ભાગી જાય છે અને લોકોને કહેતો ફરે છે કે પોતે જોન ડી. રોકફેલર છે! તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો છે."

અને પછી વૃદ્ધને હાથેથી પકડી ત્યાંથી ચાલી ગઈ.

વેપારી તો સાવ આભો બની ઘટના જોઈ રહ્યો. આખું વર્ષ એક પાગલ ડોસાએ આપેલ ચબરખીને તે પાંચ લાખ અમેરિકી ડોલર સમજી ભાગતો રહ્યો, મહેનત કરતો રહ્યો, ખરીદ-વેચાણના સોદા પાર પાડતો રહ્યો!
        અચાનક તેને અહેસાસ થયો કે તેની સફળતા માટે પૈસા જવાબદાર નહોતા,સાચા કે આભાસી. જેણે તેનું આખું જીવન બદલી નાંખ્યું પરિબળ પૈસો નહોતું પણ પાછળ જવાબદાર હતો તેનામાં પુન: પ્રતિપાદિત થયેલો તેનો આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસે તેનામાં નવી શક્તિનો સંચાર કર્યો હતો જેના લીધે તે જે પણ કાર્ય પાછળ પડ્યો તેમાં તેને સફળતા હાંસલ થઈ હતી.

સમજી ગયો કે આત્મવિશ્વાસ હકારાત્મકતા પૂર્વક અપનાવેલી એવી દ્રષ્ટી છે જે પછી માર્ગમાં આવતા ગમે તેવા તૂફાનો સામે લડી લેવાની તાકાત આપે છે. સમર્પિતતા અને ધગશથી પ્રાપ્ત થાય છે અને પૂર્ણપણે આંતરીક છે અર્થાત તે તમે પોતે પોતાનામાં જગાવી શકો છો.

તમારી જાતમાં શ્રદ્ધા રાખો,આત્મ વિશ્વાસ કેળવો.


('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. ‘આત્મવિશ્વાસ’ વાર્તા અત્યંત પ્રેરણાદાયી અને હ્રદયસ્પર્શી હતી.એ વાંચી મને મારા પોતાના જીવનમાં પચાસેક વર્ષ અગાઉ બનેલો એક આવો જ પ્રસંગ યાદ આવી ગયો જ્યારે મારા પિતાજીનાં અવસાન બાદ એક વડીલે માત્ર તેમની હાજરી અને હૂંફ દ્વારા મારામાં ગજબનો આત્મવિશ્વાસ જગાવ્યો હતો જેણે મને મારા કપરા કાળમાં અડીખમ ઉભા રહેવાની પ્રેરણા આપી હતી.
    - નરોત્તમ મહેતા

    ReplyDelete
  2. ‘આત્મવિશ્વાસ’ વાર્તા જીવનને અસર કરે એવી રહી.એ વાંચી રોજબરોજની સમસ્યા સામે ટકી રહેવાનું બળ મળે છે.માણસના જીવનમાં ઝંઝાવાત આવે ત્યારે તે સામે ટકી રહેવાની પ્રેરણા આ વાર્તા આપે એવી હતી.આત્મવિશ્વાસથી જ માણસ આત્મહત્યા જેવી ગંભીર સ્થિતી સુધી પહોંચવાથી બચી શકે છે અને જીવનની અંતિમ ક્ષણ સુધી તેને માણી શકે છે.
    - ઇલા પુરોહીત

    ReplyDelete