Saturday, August 23, 2014

બા સાવ એકલાં જીવે...


બા એકલાં જીવે

બા સાવ એકલાં જીવે 

એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે ….. બા સાવ એકલાં જીવે

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું

રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું

દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં

ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા

સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે

ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે

સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે ….. બા સાવ એકલાં જીવે

કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ

કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ

સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં

બાના જીવતરની છત પરથી ઘણાં પોપડાં ખરતાં

સુખડીનો પાયો દાઝેલો શેમાં ઘી રેડે

બાએ સહુનાં સપનાં તેડયાં :કોણ બાને તેડે

ફાટેલા સાળુડા સાથે કૈંક નિ:સાસા સીવે ….. બા સાવ એકલાં જીવે


કમ સે કમ કોઇ ટપાલ આવે તાકે આંખો રોજ

નીંચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ

ભીની આંખે દાદાજીના ફોટા સામે પૂછે

ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે

શબરીજીને ફળી ગયાં બોર અને નામ

બાનાં આસુ બોર બોર પણ ના ફરકે કોઇ રામ

જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે ….. બા સાવ એકલાં જીવે


('ઈન્ટરનેટ પરથી')

2 comments:

  1. # ગયા સપ્તાહે 'ઇન્ટરનેટ કોર્નર'માં લીધેલી કવિતા 'બા સાવ એકલા જીવે' ના રચયિતા જાણીતા યુવાન કવિ મુકેશભાઈ જોશી છે.વાચક મિત્ર જાગૃતિબેન વેગડાનો આ માહિતી શેર કરવા બદલ આભાર!

    # 'બા સાવ એકલા જીવે' વાંચી ગદ ગદ થઇ ઊઠી. આ કવિતા વાંચતા બાનો કરૂણાસભર આતુરતાપૂર્વક રાહ જોતો ચહેરો યાદ આવી ગયો. ખૂબ ખૂબ આભાર.
    - ઇલા વૈદ્ય

    ReplyDelete
  2. બા એ એકલા જીવવું પડે એ આપણાં સમાજ માટે શરમજનક ઘટના છે. કોઈકે સાચું જ કહ્યું છે કે એક જ ઓરડીમાં માબાપ તેમના ચાર-ચાર પુત્રો સાથે સરળતાથી રહી શકે છે પણ માતાપિતાના આશિર્વાદથી જ સમૃદ્ધ બનેલાં તે દરેકના ચાર ચાર ઓરડા ધરાવતાં ઘરોમાં પણ માબાપ સમાઈ શકતા નથી.
    - લાભશંકર ઓઝા

    ReplyDelete